News of Friday, 10th July 2026
બે ફાયરીંગ પછી ઝપાઝપી થઇ, પિસ્તોલ પડી જતાં ગોળી છુટી રણજીતને પણ પગમાં લાગી ગઇ'તી
નાનામવામાં કૃષ્ણસિંહ જાડેજાની હત્યા કરી ભાગેલા રણજીત વાળા અને સગીર સહિત બે પુત્ર ઝડપાયાઃ રિમાન્ડ મેળવવા તજવીજઃ ગેરકાયદે પિસ્તોલ કબ્જે કરવા, ક્યાંથી લાવ્યો? તે સહિતની વિગતો ઓકાવવા તપાસ શરૂ : આ વખતે તેના પુત્રને લોકોએ પકડી લેતાં તેણે ફરી બે ફાયરીંગ કૃષ્ણસિંહ જાડેજા પર કર્યા અને દિકરાઓને છોડાવી કારમાં ભાગી ગયો હતોઃ સારવાર માટે દાખલ કરાયોઃ એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એ. એમ. ચાવડ, પીઆઇ અમે. એલ. ડામોર, સી. એચ. જાદવ અને ટીમ દ્વારા વિશેષ તપાસ

રાજકોટ તા. ૧૦: શહેરના નાના મવા ગામતળ શેરી નં. ૪માં રહેતાં કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ.૩૨) નામના યુવાનની ગોળી ધરબી તેમજ તેમના કુટુંબી દાદા રહેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા (ઉ.વ.૬૦)ને બંદૂકના કુંદા મારી ગંભીર ઇજા પહોંચાડી ભાગી ગયેલા નવલનગર-૫માં માતૃપ્રેરણા ખાતે રહેતાં રણજીત નાજભાઇ વાળા (ઉ.વ.૪૬) અને તેના પુત્ર રાજવીર રણજીતભાઇ વાળા (ઉ.વ.૨૦) તથા સગીરને ક્રાઇમ બ્રાંચે કાર સાથે સરધાર નજીકથી પકડી લીધા છે. માથાકુટ વખતે રણજીતને પણ પગમાં તેની જ પિસ્તોલની ગોળી પગમાં લાગી ગયાનું જણાતાં તેને પોલીસ પહેરા હેઠળ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બાપ-દિકરાની વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ ક્રાઇમ બ્રાંચે હાથ ધરી છે.
એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાએ જણાવ્યું હતું કે હત્યા બાદ રણજીત વાળા અને તેના પુત્રો ભાગી ગયા હોઇ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાંચની ટીમો આરોપીઓને શોધી કાઢવા કામે લાગી હતી. આ દરમિયાન પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં અલગ અલગ પીએસઆઇની ટીમો કામે લાગી હતી. સીસીટીવી ફુટેજ અને ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ થતાં આરોપીઓ સરધાર નજીકથી ઝડપાઇ ગયા હતાં.
રણજીતના ડાબા પગમાં ઇજા હોઇ તે લંગડાતો ચાલતો હોઇ આ બાબતે પોલીસે પુછતાછ કરતાં તેણે કહ્યું હતું કે હું ગત.૮ના રાત્રીના દસેક વાગ્યાની આસપાસ હું ઘરે હતો ત્યારે મારા દિકરા રાજવીરનો ફોન આવેલ કે નાના ભાઇ સાથે કોઇ ઝઘડો કરે છે તમે મોકાજી સર્કલ પાસે આવો તેમ વાત કરતા હું મારી પિસ્તોલ સાથે કારમાં મોકાજી સર્કલ પાસે જતાં બંને પુત્રો ત્યાં હતાં. બાદમાં તેણે જણાવેલ કે જેની સાથે માથાકુટ થઇ છે તે ભાઇ ટીઆરપી ગેમ ઝોનની સામેની શેરીમાં રહે છે. આથી હું તથા મારા બંને દિકરા ત્યાં જતાં અજાણ્યા ભાઇ હાજર હતાં. તેણે મારા દિકરાઓ સાથે ઝઘડો કર્યો હતો. જેથી મેં તેને પુછેલુ કે શા માટે મારા દિકરા સાથે ઝઘડો કરો છો? આથી તે મારી સાથે ઝઘડો કરવા માંડેલ અને ગાળો દીધી હતી.
જેથી મેં બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતાં. આ વખતે ઝપાઝપી થતાં મને ધક્કો મારતાં મારા હાથમાંથી પિસ્તોલ પડી ગઇ હતી. જેના કારણે એક ફાયરીંગ થઇ જતાં મારા ડાબા પગમાં ગોળી લાગી ગઇ હતી. આ વખતે મારા દિકરાઓને અજાણ્યા ભાઇ અને બીજા લોકોએ પકડી લીધા હોઇ મેં ફરીથી બે ફાયરીંગ એ ભાઇ ઉપર કર્યા હતાં. જેમાં તેને કપાળે કે માથામાં ગોળી લાગી ગઇ હતી. આ પછી લોકોએ મારા દિકરાઓને છોડી મુકતાં હું તેને લઇને ભાગી નીકળ્યો હતો. રણજીતની આ કેફીયત બાદ પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં તબિબે દાખલ કરી સારવાર આપવી પડશે તેમ કહેતાં તેને પોલીસ પહેરા હેઠળ દાખલ કરાયો છે.
આ કેસની આગળની તપાસ પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાંચને સોંપી હોઇ રણજીત અને તેના પુત્ર રાજવીરની વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ કરવામાં આવશે. રણજીત પાસેની પિસ્તોલ ગેરકાયદેસર છે, તે આ હથિયાર ક્યાંથી લાવ્યો? તે સહિતની વિગતો હવે પછી ઓકાવાશે. રણજીતે રટણ કર્યુ હતું કે મારા નાના દિકરાને લાફા મારી લેવાયાની જાણ થતાં ખુબ ક્રોધ ચડયો હતો. તે મને વધુ વહાલો હોઇ જેથી હું પિસ્તોલ લઇને ગયો હતો.
પોલીસે જણાવ્યું કે રણજીત વાળા વિરૂધ્ધ અગાઉ ડીસીબી પોલીસમાં દારૂનો અને બાબરા પોલીસમાં પણ દારૂનો ગુનો નોંધાયો હતો. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ બહાર આવેલુ કારણ ફરિયાદ મુજબનું જ છે. રણજીતનો પુત્ર બૂલેટ લઇને ફુલ સ્પીડથી નીકળતો હોઇ મૃત્યુ પામનાર કૃષ્ણસિંહ જાડેજાએ તેને સમજાવ્યો હતો. આ કારણે માથાકુટ થયા બાદ પહેલા તેણે પોતાના ભાઇને બોલાવ્યો હતો અને વધુ બોલાચાલી થતાં પોતાના પિતાને બોલાવ્યા હતાં. જેમાં પિતાએ ફાયરીંગ કર્યા હતાં. એ વખતે આ બંને ભાઇઓએ પપ્પા આને હજી ગોળી મારો, આને પતાવી જ નાંખો તેવા બૂમબરાડા પાડયા હતાં. તેવું ફરિયાદમાં જણાવાયું હતું.
પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એન. પરમાર, વી. ડી. ડોડીયા, ડી. પી. ઝાલા, એસ. એમ. રાણા, સી. બી. જાડેજા, વી. ડી. રાવલીયા અને ટીમે આરોપીઓને ઝડપી લેવાની કામગીરી કરી હતી. આગળની તપાસ પીઆઇ એમ. એલ. ડામોર અને ટીમ ચલાવી રહી છે.
(2:09 PM IST)










