હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમીન માર્ગના શો રૂમ સાથે ૧.૨૯ કરોડના સોનાની છેતરપીંડીમાં અમદાવાદનો ગોપાલ ગોવાથી ઝડપાયો
ગત માર્ચ મહિનામાં સેલ્સમેન નિખીલ કાત્રોડીયા વિરૂધ્ધ ગુનો દાખલ થતાં જ તેને પકડી લેવાયો હતોઃ મદદ કરનાર શખ્સની ધરપકડઃ પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએઆઇ આર. આર. કોઠીયા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૦: શહેરના અમીન માર્ગ પર આવેલા એવીક્સ જ્વેલર્સ પ્રા. લિ. નામના શો રૂમમાંથી રૂ. ૧,૨૯,૬૭,૮૨૭ની કિંમતના સોના અને હીરાના દાગીના લઇ જઇ નાણા ન ચુકવી ઠગાઇ કરી સેલ્સમેન ભાગી ગયાના ગુનામાં અમદાવાદના વધુ એક આરોપીને માલવીયાનગર પોલીસે છેક ગોવાથી દબોચી લીધો છે. પકડાયેલ આરોપી અગાઉ રાજસ્થાનમાં પણ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ગત માર્ચ મહિનામાં જ્યારે ગુનો દાખલ થયો ત્યારે જ મુખ્ય આરોપી કુંભારવાડાના નિખીલ દિનેશભાઇ કાત્રોડીયાને ઝડપી લેવાયો હતો.
જાણવા મળ્યા મુજબ ગત તા. ૧૩/૦૩/૨૦૨૬ના રોજ માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાઇ હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી નિખીલ કાત્રોડીયા સેલ્સમેન તરીકે કામ કરતો હતો. નિખીલે વિશ્વાસ કેળવી ઉધારમાં સોનુ મેળવી કુલ રૂા. ૧,૨૯,૬૭,૮૨૭ના દાગીના ઓળવી લીધાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં નિખીલને પકડી લેવાયો હતો. તપાસમાં અમદાવાદ નરોડામાં પર્લ હાઇટ્સમાં રહેતાં ગોપાલ રસિકલાલ સોનીનું નામ ખુલ્યું હતું.
આરોપીએ ગ્રાહકોને બતાવવાના બહાને કુલ ૮૫૬.૬૦૦ ગ્રામ ૮૪ ટકા શુધ્ધતા ધરાવતું, જેનું ૧૦૦ ટકા લેખે શુદ્ધ સોનું ૭૧૯.૫૪૪ ગ્રામ થાય જેની અંદાજિત કિંમત રૂ. ૧,૦૦,૭૩,૬૧૬/- તથા દાગીનામાં જડેલા કિંમતી ડાયમંડ-હીરા અને હોલમાર્ક ચાર્જના રૂ. ૭૫,૮૨૯ તેમજ બીજું ૨૪૬.૧૯૧ ગ્રામ સોનું જેની કિંમત રૂ. ૨૮,૧૮,૩૮૨ મળીને કુલ રૂ. ૧,૨૯,૬૭,૮૨૭ નો મુદ્દામાલ મેળવી લીધો હતો. આ કિંમતી સોનું અને દાગીના મેળવ્યા બાદ આરોપીએ ફરિયાદીને રૂપિયા કે સોનું પરત ન આપી, વિશ્વાસઘાત કર્યો હતો અને ફરાર થઈ ગયો હતો. જે અંગે માલવીયાનગર પોલીસ મથકમાં શો રૂમના મેનેજીંગ ડીરેક્ટર કોટેચાનગર-૪માં રહેતાં ભરતકુમાર ભગવાનજીભાઇ પાલાની ફરિયાદ નોંધી હતી.
છેતરપિંડીના આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ઇન્ચાર્જ ડીસીપી હેતલ પટેલ તથા એસીપી વી.બી.જાડેજાએ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ સુચનાઓ આપી હતી. જેના પગલે માલવીયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.કૈલાના સીધા માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન પર્ણકુટી ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.કોઠીયા અને તેમની ટીમે હ્યુમન સોર્સીસ-બાતમીદારો તથા ટેકનિકલ સર્વેલન્સ-મોબાઈલ લોકેશન અને સાયબર સેલ-ની મદદથી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પર્ણકુટી ચોકીના પીએસઆઈ આર.આર.કોઠીયાને ચોક્કસ અને સચોટ હકિકત મળી હતી કે આ ગુનાનો મુખ્ય સુત્રધાર આરોપી ગોવા ખાતે મોજમજા કરી રહ્યો છે અને ત્યાં છુપાયેલો છે. બાતમી મળતાની સાથે જ સમય બગાડ્યા વિના પર્ણકુટી ચોકીના સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ કુલદિપસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ્ટેબલ મનસુરશા બાબુશાને તાત્કાલિક ગોવા રવાના કરવામાં આવ્યા હતા.
ગોવા પહોંચેલી રાજકોટ પોલીસે સ્થાનિક સ્તરે તપાસ કરી આરોપી ગોપાલ રસીકલાલ સોની (ઉં.વ. ૪૫, રહે. પર્લ હાઇટ્સ, નરોડા, અમદાવાદ)ને શોધી કાઢી દબોચી લીધો હતો. પોલીસ ટીમ આરોપીને ગોવાથી કાયદેસરની કસ્ટડીમાં લઈ રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચી મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી હતી.
આરોપી ગોપાલ અગાઉ રાજસ્થાનના ઉદયપુરના શુખેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ઠગાઇમાં પકડાયો હતો. પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ આર. આર. કોઠીયા, પી.વી.ડોડીયા તથા હેડ કોન્સ્ટેબલ કુલદિપસિંહ ગોહીલ, અમીતસિંહ સોલંકી, નીતેશભાઇ બારૈયા, અનીલભાઇ જીલરીયા, અમીતભાઇ કોરાટ તથા કોન્સ્ટેબલ મનશુરશા બાબુશા અને રણજીતભાઇ મેરની ટીમે આ કામગીરી કરી હતી.










