તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
જામનગરથી ટ્રકમાં ખીચોખીચ ૧૦ પાડા-પાડી-બચ્ચાને બાંધીને નીકળેલો ભાવનગરનો અજય રાજકોટમાં પકડાયો
ગોૈરક્ષક કાર્યકર અને ગાંધીગ્રામ પોલીસની માધાપર ચોકડી નજીક કાર્યવાહી

રાજકોટઃ ભાવનગરનો એક શખ્સ આઇશર ટ્રકમાં જામનગર તરફથી ભેંસ વંશના ૧૦ પાડા-પાડી, બચ્ચાને ક્રુરતાપુર્વક દોરડાથી ખીચોખીચ બાંધી ઘાંસચારા, પાણી વગર તેને સુરત લઇ જતો હોઇ રાજકોટના ગોૈરક્ષકને બાતમી મળતાં ગાંધીગ્રામ પોલીસનો સાથ લઇ આ શખ્સને માધાપર ચોકડી નજીક પકડી લીધો હતો. પોલીસે આ મામલે પશુ પ્રત્યે ઘાતકીપણુ દાખવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
જાણવા મળ્યા મુજબ આજીડેમ પાસે રામ પાર્કમાં રહેતાં ગોૈરક્ષક સામાજિક કાર્યકર જયેન્દ્રભાઈ અનિલભાઈ ચંદવાડીચાને બાતમી મળી હતી કે એક આઇશર ગાડી નં. જીજે૪એએક્સ-પર૯૨માં પશુઓને ટૂંકા દોરડા વડે ક્રૂરતાપુર્વક બાંધીને, ખાવા-પીવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા વગર સુરત તરફ લઈ જવામાં આવી રહ્યા છે. બાતમી પરથી ટ્રકને આંતરી લઇ ૯ પાડા, ૧ બચ્ચાને મુક્ત કરાવ્યા હતાં. ટ્રકચાલક ભાવનગરના અજય હરિભાઇ ગલાણી સામે ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઇ મનિષભાઇ વાઘેલાએ ગુનો નોંધ્યો હતો.
(1:19 PM IST)










