હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સિવિલ હોસ્પિટલમાં મહિલા કોન્સ્ટેબલને ધક્કો દઇ પોપટપરાનો અજય હાથકડી સાથે ભાગી ગયો
લૂંટ, ધાડ, મારામારી, રાયોટીંગ સહિતના ગુનાઓમાં સંડોવણી : સિવિલ હોસ્પિટલમાં ઓપીડી નજીક બનાવઃ પીએસઅઇ એમ. ડી. દેવમુરારીએ પ્ર.નગર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો

રાજકોટ તા. ૩૧: પોપટપરા વિસ્તારમાં રહેતાં અને લુંટ, હત્યાની કોશિષ, ધાડ, મારામારી, રાયોટીંગ સહિતના ગુનાઓમાં સામેલ અને હાલ જેલહવાલે રહેલા નામચીન શખ્સને ગઇકાલે જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવ્યો ત્યારે સારવાર બાદ ઓપીડી બિલ્ડીંગ પાસે મહિલા કોન્સ્ટેબલ તેને હાથકડી પહેરાવી પોલીસવેન તરફ લઇ જતાં હતાં ત્યારે તેણીને ધક્કો દઇ હથકડી સહિત ભાગી જતાં ચકચાર જાગી છે. મહિલા પોલીસ કર્મીએ કોર્ટ સુધી તેનો પીછો કર્યો હતો. પરંતુ તે હાથમાં આવ્યો નહોતો.
આ બનાવમાં પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં શહેર પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઇ એમ. ડી. દેવીમુરારીની ફરિયાદ પરથી કેદી અજય માનસિંગભાઇ પરસોડા વિરૂધ્ધ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જેલમાંથી લાવવામાં આવ્યો ત્યારે સર્જરી વિભાગમાં સારવાર બાદ પરત ઓપીડી વિભાગની બાજુમાં પોલીસવેન પાસે લાવવામાં આવ્યો ત્યારે મહિલા કોન્સ્ટેબલ તેને હથકડી પકડીને લઇ જતાં હતાં ત્યારે તેણીના હાથમાંથી પક્કડ છોડાવી ભાગી જવાનો ગુનો નોંધ્યો છે. પીએસઆઇ દેવમુરારીને ફયિરાદમાં જણાવ્યું છે કે અમે શુક્રવારે સવારે નવ વાગ્યે જેલમાંથી કેદી જાપ્તામાં બે કેદી હસમુખ અમરશીભાઇ હડીયલ (ઉ.વ.૩૦) અને અજય માનસીંગભાઇ પરોસાડા (ઉ.વ.૨૫)ન સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતાં. અહિ હસમુખને માનસિક વિભાગમાં સારવાર અપાવવાની હતી અને અજયને સર્જરી વિભાગમાં સારવાર અપાવવાની હતી. હું કેદી જાપ્તામાં ઇન્ચાર્જ તરીકે હતો. અમારી સાથે બીજા કર્મચારીઓમાં હેડકોન્સ. દિલાવરભાઇ ખેરાણી, મહિલા કોન્સ. કાજલબેન લાધવા હતાં. અમે રાજકોટ એમટી વિભાગની ગાડીમાં આ કેદીઓને સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતાં.
આ ઉપરાંત અન્ય આરોપીઓ સમીર મધુકાંતભાઇ શાહ તથા સાગર પ્રવિણભાઇ રાઠોડ ને પણ સારવાર માટે લાવવામાં આવ્યા હતાં. જેમાં કોન્સ્ટેબલ ભાવુભા જડીયા, કોન્સ. ભાવીકાબેન સોલંકી જાપ્તામાં હતાં. સારવાર બાદ લગભગ સાડા બાર વાગ્યા પછી આરોપી અજય પસરોડાને હાથકડી પહેરાવીને કોન્સ. કાજલબેન લાધવા ઓપીડી ગેઇટ પાસે પોલીસવેન નજીક લાવી રહ્યા હતાં ત્યારે અજય અચાનક પક્કડ મુકાવી હથકડી સાથે ભાગી ગયો હતો. આથી તેને પકડવા કાજલબેન સહિતનાએ દોટ મુકી હતી. જો કે આરોપી અજય કોર્ટ ચોકમાં પહોંચી ત્યાંથી ભાગી જવામાં સફળ થઇ ગયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભાગી ગયેલો આરોપી અજય પરસોડા રીઢો ગુનેગાર છે. તેની વિરૂધ્ધ હત્યાની કોશિશ, લૂંટ, ધાડ, મારામારી અને રાયોટિંગ જેવા એક ડઝન જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. ભૂતકાળમાં તેની અસામાજિક પ્રવળત્તિઓ સામે પગલાં લેતાં પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા પોપટપરા સ્થિત તેનું ગેરકાયદે મકાન પણ ડિમોલિશન કરી તોડી પાડવામાં આવ્યું હતું. પ્ર.નગર પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં હેડકોન્સ. કે. પી. ગોહિલે ગુનો દાખલ કર્યો છે. આરોપીને શોધી કાઢવા ટીમો કામે લાગી છે.










