<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

મવડી અલય વાટીકાના ખેડુત અજયસિંહ જાડેજા સાથે મેટોડાના બેંક કર્મચારી ભાવીનની ૨૧ લાખની ઠગાઇ

ખેડુતે લીધેલી લોન ભરપાઇ કરવા નાણા આપી દીધા પણ ભાવીને બારોબાર પોતાની પત્‍નિના ખાતામાં લઇ લીધાઃ બેંકમાંથી લોનના વ્‍યાજ ભરવાનો કોલ આવતાં કારસ્‍તાન ખુલ્‍યું: તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ ડી. જે. જોષીએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૬: શહેરના મવડી વિસ્‍તારમાં રહેતાં ખેડુતને ઘરના રિનોવેશન માટે એગ્રીકલ્‍ચર લોન લેવી હોઇ મેટોડાની એક્‍સિસ બેંકમાં તપાસ કરતાં ત્‍યાંના લોન વિભાગના કર્મચારીએ તેમનો સંપર્ક કરી લોન પાસ કરાવી દીધી હતી. ખેડુતે બાદમાં રૂપિયાની વ્‍યવસ્‍થા થઇ જતાં આ કર્મચારી મારફત લોન ભરપાઇ કરવા નાણા આપી દીધા હતાં. પરંતુ બાદમાં બેંક તરફથી લોન ભરપાઇ થઇ નહિ હોવાનો કોલ આવતાં તપાસ કરતાં બેંક કર્મીએ બારોબાર ૨૧ લાખ ગપચાવી લીધાનું ખુલતાં ફરિયાદ કરી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર અલય વાટીકા બ્‍લોક નં. ૫૦ ખાતે રહેતાં અજયસિંહ મહેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.વ.૫૩)ની ફરિયાદ પરથી રાજકોટ રહેતાં મેટોડા જીઆઇડીસી સ્‍થિત એક્‍સિસ બેંકના લોન વિભાગના કર્મચારી ભાવીન રમેશભાઇ વરસાણી વિરૂધ્‍ધ રૂા. ૨૧ લાખની ઠગાઇનો ગુનો દાખલ કર્યો છે.

અજયસિંહ જાડેજા પોતાના પરિવારમાં પત્‍નિ,  દીકરો તેમજ અન્‍ય સભ્‍યો સાથે રહીને ઢાંઢણી ગામે ખેતી કરે છે. તેમને પોતાના મકાનના રીનોવેશન કામ માટે પૈસાની જરૂરિયાત ઊભી થતાં, તેઓએ પોતાની ખેતીની જમીન ઉપર એગ્રીકલ્‍ચર લોન લેવાનું નક્કી કર્યું હતુ. લોન લેવા માટે પ્રોસીઝર ચાલુ કરી હતી અને મેટોડા એક્‍સિસ બેંકમાં આ લોન માટે તપાસ કરતાં લોન વિભાગમાં કામ કરતાં  ભાવિન રમેશભાઈ વરસાણી અને તેની સાથે કામ કરતા તુષારે તેમનો સંપર્ક કર્યો હતો. આ બંને કર્મચારીઓ અજયસિંહના ઘરે આવ્‍યા હતા અને જરૂરી દસ્‍તાવેજો મેળવીને એપ્રિલ ૨૦૨૫માં એક્‍સિસ બેંકની બ્રાન્‍ચમાંથી રૂ. ૨૩,૬૦,૦૦૦ ની લોન મંજૂર કરાવી આપી હતી.

આ દરમિયાન ભાવિને અરજદાર સાથે સારા સંબંધો બાંધીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. સમય જતાં નાણાંની સગવડ થતાં અજયસિંહે ભાવિનને વાત કરી હતી કે તેઓ ધીમે-ધીમે લોનની રકમ ભરીને પૂરતી કરી દેશે. આ માટે અજયસિંહનું ગ્રામીણ બેંક મવડી શાખામાં ખાતું હોવાથી, તે ખાતામાંથી નાણાં સીધા એક્‍સિસ બેંકના ખાતામાં ટ્રાન્‍સફર કરવાનું નક્કી થયું હતું. નક્કી થયા મુજબ તા. ૨૫/૦૬/૨૦૨૫ના રોજ ગ્રામીણ બેંકના ખાતામાંથી આર.ટી.જી.એસ. દ્વારા રૂ. ૧૦,૦૦,૦૦૦ એક્‍સિસ બેંકના ખાતામાં ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યા હતા.

 આ ટ્રાન્‍સફર થયા બાદ તે જ દિવસે બપોરે ભાવિન અરજદારના ઘરે આવ્‍યો હતો અને લોન ખાતામાં નાણાં જમા કરાવવાના બહાને તેમનો ફોન થોડીવાર માટે લઈને પરત આપતા કહ્યું હતું કે લોન અકાઉન્‍ટમાં નાણાં જમા થઈ ગયા છે. ત્‍યારબાદ તા. ૦૬/૧૦/૨૦૨૫ના રોજ પણ નીફ્‌ટ દ્વારા ગ્રામીણ બેંકમાંથી વધુ રૂ. ૮,૦૦,૦૦૦ એક્‍સિસ બેંક ખાતામાં ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યા હતા અને તે જ દિવસે લોન ભરવા માટે રૂ. ૨,૦૦,૦૦૦ રોકડા પણ આપવામાં આવ્‍યા હતા. આ સમયે પણ ભાવિને તમામ નાણાં લોન અકાઉન્‍ટમાં જમા થઈ ગયા હોવાનો વિશ્વાસ અપાવ્‍યો હતો.

અજયસિંહ જાડેજાએ ભાવિન પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂકયો હોવાથી તેઓએ બેંકમાં રૂબરૂ જઈને તપાસ કરી ન હતી. પરંતુ વર્ષ ૨૦૨૬ના મે મહિનામાં બેંકમાંથી ફોન આવ્‍યો કે લોનનું વ્‍યાજ ભરવાનો સમય થઈ ગયો છે. જ્‍યારે અજયસિંહે ભાવિનનો સંપર્ક કર્યો ત્‍યારે તેણે નોર્મલ રૂ. ૧,૩૨૦નો ચાર્જ ભરવાનો હોવાનું જણાવી તે ભરાવ્‍યા બાદ રૂ. ૧,૩૨,૦૦૦ જેટલું લોનનું વ્‍યાજ ભરી દીધેલ હોવાનું ધ્‍યાને આવ્‍યું હતું. આ બાબતે શંકા જતા જ્‍યારે અરજદાર તા. ૧૫/૦૬/૨૦૨૬ના રોજ એક્‍સિસ બેંકની મેટોડા બ્રાન્‍ચના લોન વિભાગમાં રૂબરૂ તપાસ કરવા ગયા, ત્‍યારે ખબર પડી હતી કે બેંકમાં લોન પેટે એક પણ રૂપિયો જમા થયો ન હતો. બેંકમાં તપાસ કરતા બહાર આવ્‍યું કે અરજદારે એક્‍સિસ બેંકના ખાતામાં જમા કરાવવા માટે મોકલેલા રૂ. ૧૮ લાખ અને રોકડા આપેલા રૂ. ૨ લાખ સહિત કુલ રૂ. ૨૧ લાખ જેટલી માતબર રકમ ભાવિન વરસાણીએ લોન ખાતામાં જમા કરવાના બદલે પોતાની પત્‍નિ વૈશાલીબેનના ખાતામાં ટ્રાન્‍સફર કરી લીધી હતી અને રોકડા રૂ. ૨ લાખ પણ પોતાની પાસે રાખી લીધા હતા.

ભાવિનનું આ કૌભાંડ બહાર આવ્‍યા બાદ જ્‍યારે અજયસિંહે ભાવિનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્‍યારે તેનો ફોન સતત બંધ આવતો હતો. આ અંગે જ્‍યારે તેના પિતાને જાણ કરવામાં આવી ત્‍યારે તેમણે જણાવ્‍યુ હતું કે ભાવિન હાલ ગૂમ થઈ ગયો છે અને તે પરત આવશે ત્‍યારે તમારા નાણાં પરત આપી દેશે. પરંતુ લાંબા સમય સુધી ભાવિન પરત ન આવતા અને પોતાની સાથે રૂ. ૨૧,૦૦,૦૦૦ની મોટી ઠગાઈ થઈ હોવાનું સ્‍પષ્ટ થતાં અંત અજયસિંહે તાલુકા પોલીસમાં જાણ કરતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્‍સ. ભોજભાઇ મોભે ગુનો દાખલ કરતાં પીએસઆઇ ડી. જે. જોષીએ વધુ તપાસ હાથ ધરી છે.

(2:09 PM IST)