તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
રિક્ષાગેંગ ત્રિપુટીને આજીડેમ પોલીસે ઝડપીઃ પખવાડીયામાં ૬ ગુના આચર્યાની કબુલાત
ગોંડલ રોડ પર ઝૂપડામાં રહેતાં સંજય, અરવિંદ અને રણજીતને રિક્ષા સાથે ઝડપી લીધાઃ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ એસ. વી. ગોહિલ, એએસઆઇ રવિભાઇ વાંકની ટીમની કામગીરીઃ પિયુષભાઇ, ગોપાલભાઇ, હરપાલસિંહની બાતમી

રાજકોટ તા. ૨૨: શહેરમાં મુસાફરોને શિકાર બનાવી નજર ચુકવી નાણાં સેરવી લેતી રિક્ષાગેંગને વધુ એક વખત આજીડેમ પોલીસે પકડી લીધી છે. રીક્ષામાં મુસાફરોને બેસાડ્યા બાદ ચાલુ રિક્ષાએ ઉલ્ટી ઉબકાનું નાટક કરી પેસેન્જરનું ધ્યાન ભટકાવી ખિસ્સામાંથી રોકડ રકમ ચોરી લેતી ત્રિપુટીને પોલીસે સીએનજી ઓટો રીક્ષા અને રોકડા રૂપિયા સાથે દબોચી લીધી છે. પ્રાથમિક પુછપરછમાં આ ગેંગે રાજકોટ અને શાપર વિસ્તારમાં આચરેલી અન્ય પાંચ ચોરીઓની પણ કબુલાત આપી છે.
આજીડેમ પોલીસની હદમાં તાજેતરમાં રિક્ષાગેંગે રોકડ સેરવી મુસાફરોને ઉતારી મુક્યા હોઇ તેવા બે ગુના નોંધાયા હતાં. આ ગુનાનો ભેદ ઉકેલવા ડી. સ્ટાફ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. પિયુષભાઇ ચીરોડીયા, કોન્સ. ગોપાલભાઇ બોળીયા અને હરપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે કોઠારીયા રોડ સ્વાતિ પાર્ક મેઇન રોડ પર રિક્ષામાં ત્રણ શખ્સો શંકાસ્પદ રીતે બેઠા છે અને આ શખ્સો ઉલ્ટી ઉબકાના નાટક કરી મુસાફરોની રોકડ સેરવી લેવાના ગુના આચરે છે. બાતમીના આધરે પોલીસે રિક્ષા સાથે ત્રણેયને સકંજામાં લીધા હતાં.
પુછતાછમાં પોતાના નામ સંજય વિઠ્ઠલભાઇ પરમાર-દેવીપૂજક (ઉ.વ.૨૦), અરવિંદ રાજુભાઇ કુંવરીયા (ઉ.વ.૩૭) તથા રણજીત રાજુભાઇ કુંવરીયા (ઉ.વ.૨૬) (રહે. ત્રણેય ગોંડલ રોડ ચોકડી ટ્રુવેલ્યુ શો રૂમ પાછળ ઝૂપડામાં) જણાવ્યા હતાં. આ શખ્સો પાસેથી ૩ હજારની રોકડ, ૩૦ હજારની રિક્ષા કબ્જે કરાઇ હતી. આકરી પુછતાછમાં તેણે આજીડેમ પોલીસના બે ગુનાની કબુલાત આપી હતી. તેમજ છેલ્લા પંદર દિવસમાં અન્ય પાંચ ગુના પણ આચર્યાનું કબુલ્યું હતું.
જેમાં માલવીયાનગર પોલીસ સ્ટેશન હેઠળના બે ગુના અને શાપર પોલીસ સ્ટેશનનના ત્રણ ગુના કબુલ્યા છે. પંદર દિવસ પહેલા ગોંડલ રોડ પરફેક્ટના શો રૂમ પાસેથી એક મુસાફરને બેસાડી રૂા. ૩૫૦૦, પીડીએમ કોલેજ પાસે એક મુસાફરને બેસાડી રૂા. ૭૦૦૦ તેમજ કોરાટ ચોકથી આગળ એક મુસાફરના ૫૦૦૦, ગોંડલ રોડ ટોલનાકા પાસે એક મુસાફરના ૭૦૦૦ અને દસેક દિવસ પહેલા કિશાન ગેઇટ પાસે એક મુસાફરના પેન્ટના ખિસ્સામાંથી રૂા. ૫૦૦૦ કાઢી લીધાનું કબુલ્યું હતું.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ એસ. વી. ગોહિલ, એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્સ. પિયુષભાઇ ચીરોડીયા, હરપાલસિંહ જાડેજા, દેવાંગભાઇ પાલા, ભરતભાઇ જોગીયા, આકાશભાઇ સોલંકી, હિતેષભાઇ અગ્રાવત, કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, ગોપાલભાઇ બોળીયા, મહેશભાઇ કોઠીવાળ, મનિષભાઇ શીરોડીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, પ્રતિકભાઇ બોરસદીયાએ આ કામગીરી કરી હતી.
(2:35 PM IST)










