<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

જંગલેશ્વરની હત્‍યામાં રાજકોટ-ગોવાથી ૬ આરોપી ઝડપાયાઃ મુર્ગા ગેંગના શાહનવાઝ સહિતનાને ઘટના સ્‍થળે લઇ જઇ રિકન્‍સ્‍ટ્રકશન : જુઓ વિડીયો

હત્‍યા થઇ એ પહેલા દાનીશને જુનાગઢીએ પથ્‍થર ફટકારી લોહી કાઢતાં ખાર રાખી દાનીશે મિત્રોને બોલાવી હુમલો કર્યો હતો ભક્‍તિનગર પીઆઇ જે. ડી. પરમાર, પીએસઆઇ એસ. એચ. ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા અને ટીમની કાર્યવાહીઃ બે આરોપીને ક્રાઇમ બ્રાંચ ગોવાથી પકડી લાવીઃ કાર્યવાહી બાદ તમામને કોર્ટહવાલે કરવા તજવીજઃ હજુ એક આરોપી રીયાઝની શોધખોળ

હત્‍યાના આરોપીઓ જેમાં મુર્ગા ગેંગનો શાહનવાઝ પણ સામેલ છે તે તમામને જંગલેશ્વરમાં ઘટના સ્‍થળે લઇ જઇ રીકન્‍સ્‍ટ્રકશન કરાવાયું હતું. તે દ્રશ્‍યો જોઇ શકાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૮: જંગલેશ્વરના ખ્‍વાજા ચોકમાં થયેલી પીરવાડીના ઇકબાલભાઇ ઇબ્રાહીભાઇ લોધી ઉર્ફે જુનાગઢીની હત્‍યાના ગુનામાં અગાઉ કાવત્રાખોર મહિલા સહિત ત્રણ આરોપીને ભક્‍તિનગર પોલીસે દબોચી લીધા બાદ બે આરોપીને ક્રાઇમ બ્રાંચે ગોવાથી દબોચી લીધા હતાં. આજે મહિલા સિવાયના પાંચ આરોપીઓને પોલીસે ઘટના સ્‍થળે લઇ જઇ રીકન્‍સ્‍ટ્રક્‍શન કરાવાયું હતું. પોલીસની કામગીરી નિહાળવા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. આરોપીઓમાં એક ગુજસીટોકમાં તાજેતમાં જામીન પર છુટેલો શાહનવાઝ પણ સામેલ છે. આરોપીઓને કબુલ્‍યું હતું કે બનાવની રાતે દસેક વાગ્‍યે દાનીશ સાથે ઝઘડો કરી ઇકબાલભાઇએ તેને પથ્‍થર મારી લોહી કાઢયા હતાં. સારવાર બાદ દાનીશે બદલો લેવા મિત્રોને બોલાવી હુમલો કર્યો હતો. જેમાં ઇકબાલાઇની હત્‍યા થઇ હતી.

પીરવાડી પાસે જૂના ગણેશનગરમાં રહેતા રીક્ષાચાલક ઇકબાલભાઇ ઉર્ફે જૂનાગઢીની હત્‍યામાં પોલીસે મૃતકના પુત્ર સોહિલે નોંધાવેલી ફરિયાદમાં દાનિશ અમીનભાઇ, સુફિયાન હનીફભાઇ આરબ અને રિયાઝ સહિત ત્રણ વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં ે જંગલેશ્વરના નિલમ પાર્કમાં રહેતી રોશનબેન ઉર્ફે ગુડ્ડી અબ્‍દુલ્લા ધાડાની ધરપકડ કરી હતી. રોશન ધાડા કાવતરામાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી વધુ બે આરોપી મ.દાનીશ સિદ્દીકભાઇ સિપાહી (ઉ.વ.૨૧-રહે. વીર તાત્‍યા ટોપે ટાઉનશીપ બી-વિંગ, સોરઠીયા વાડી સર્કલ) તથા મુદ્દસર સાદીકમિંયા કાદરી (ઉ.વ.૨૨-રહે. દેવપરા મેઇન રોડના છેડે ચીસ્‍તીયા ચોક, મહોબ્‍બત ખપે ઓફિસની સામે)ને પણ ભક્‍તિનગર પોલીસે પકડયા હતાં.

વધુ બે આરોપી શાહનવાઝ મુસ્‍તાકભાઇ વેતરણ (ઉ.વ.૨૨-રહે. નિલમપાર્ક ખ્‍વાજા એપાર્ટમેન્‍ટ પાસે દેવપરા) અને અબઝલ ઉર્ફે અફઝલ દિલાવરભાઇ મકરાણી (ઉ.વ.૨૨-રહે. જંગલેશ્વર-૨૧)ને ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી.એચ. જાદવની ટીમના પીએસઆઇ વી. ડી. ડોડીયા, એ. એન. પરમાર, એમ. એસ. રાણા, ડી. પી. ઝાલા અને સ્‍ટાફે પગેરૂ દબાવી ગોવાથી પકડી લાવી ભક્‍તિનગર પોલીસને સોંપ્‍યા હતાં.

ગઇકાલે એક  આરોપી અબુસફિયાન હનીફભાઇ મુકાસમ (ઉ.વ.૨૪-રહે. રામનાથપરા, અલ્લારખા હાઇસ્‍કૂલ પાસે)ને પણ ભક્‍તિનગર પોલીસે પકડયો હતો. આમ કુલ છ આરોપી પકડાઇ ગયા હતાં. આજે પીઆઇ જે. ડી. પરમાર, પીએસઆઇ એસ. એચ. ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા અને સર્વેલન્‍સ સ્‍ટાફની ટીમે ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં મહિલા સિવાયના પાંચ આરોપીઓને હત્‍યાના સ્‍થળે લઇ જઇ ઘટનાનું રીકન્‍સ્‍ટ્રકશન કરાવી પંચનામુ કર્યુ હતું. આ કામગીરી જોવા લોકો એકઠા થઇ ગયા હતાં. આરોપીઓએ કબુલ્‍યું હતું કે ઇકબાલ જુનાગઢીએ હત્‍યાની રાતે દસેક વાગ્‍યે દાનીશ સાથે ઝઘડો કરી પથથર મારી લીધો હતો. બાદમાં દાનીશે મિત્રો શાહનવાઝ, અબઝલ, અબુસફીયાન, મુદસર સાથે મળી વળતો ઘા કરી હત્‍યા કરી હતી. કાર્યવાહી બાદ આરોપીઓને કોર્ટ હવાલે કરવા તજવીજ કરવામાં આવી છે. હજુ એક આરોપી રીયાઝને પકડવાનો બાકી છે. જ્‍યારે પકડાયેલો મુદ્દસર કાવત્રામાં સામેલ હતો. તેણે મૃતક આવી રહ્યો હોવાની જાણ આરોપીઓને કરી હતી.

ઉલ્લેખનિય છે કે આરોપી શાહનવાઝ વિરૂધ્‍ધ અગાઉ આર્મ્‍સ એક્‍ટ, ગુજસીટોક, રાયોટીંગ અને જીવલેણ હુમલો સહીત ૬ ગુના નોંધાઈ ચુકયા હોવાનું સામે આવ્‍યું છે. એટલું જ નહિ આરોપી શાહનવાઝ કુખ્‍યાત સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગનો સાગરીત હોવાથી તેના વિરૂધ્‍ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને તાજેતરમાં પાલનપુર જરલમાંથી ગત ૨૯ સપ્‍ટેમ્‍બરના રોજ જામીન પર છૂટયા બાદ ત્રીજી ઓક્‍ટોબરના રોજ રાત્રે હત્‍યાના ગુનામાં સામેલ થતા પોલીસ હવે  તેના ગુજસીટોકના ગુનામાં જામીન રદ કરવા માટે પણ કાર્યવાહી કરશે તેમ એસીપી ભરત બી. બસીયાએ જણાવ્‍યું હતું.

જંગલેશ્વરમાં કોઇ ડોન નથી, ગુનેગારોની આવી જ હાલત થશેઃ કોઇની પણ રંજાડ હોય પોલીસને જાણ કરોઃ પીઆઇ જયદિપસિંહ પરમારે મોબાઇલ નંબર જાહેર કર્યા

રીકન્‍ટ્રક્‍શન વખતે ભક્‍તિનગર પીઆઇ જયદિપસિંહ ડી. પરમારે લોકોને જણાવ્‍યું હતું કે-જંગલેશ્વરમાં કોઇ ડોન નથી, ગુનેગારોની આવી જ હાલત થશે.પોલીસ પ્રજા માટે જ કામ કરે છે, લુખ્‍ખાઓનો આતંક સહન કરતાં નહિ. કંઇપણ ઘટના હોય ત્રાસ હોય તો પોલીસને જાણ કરજો. અસામાજીક તત્‍વો, ગુનેગારોની રંજાડ હોય તો મને સીધો ફોન કરવો, માહિતી આપનારની ઓળખ ગુપ્‍ત રાખવામાં આવશે. લોકોને માથાભારે તત્‍વોથી કોઇપણ તકલીફ હોય કે બીજી કોઇ ઘટનાઓ બને તો તુરંત મો. ૬૩૫૯૬ ૨૭૪૨૯ ઉપર જાણ કરવા પીઆઇ જે. ડી. પરમારે જણાવ્‍યું છે

(2:27 PM IST)