તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 16th September 2026
સ્વાદ, લાગણીઓ અને મનોરંજનનું અદભૂત મિશ્રણ ફિલ્મ ‘ચટણી' : જુઓ વિડિયો
મલ્હાર ઠાકર અને પૂજા જોશી ‘અકિલા'ના આંગણે : ૧૮ સપ્ટેમ્બરે થિયેટરમાં પીરસાશે ‘ચટણી'નો અનોખો સ્વાદ* આ ફિલ્મ રોમાન્સ, પરિવાર, સપનાઓ અને પોતાની ઓળખની એક સફર છે, જેમાં જીવનની જેમજ પ્રેમની મીઠાશ અને લાગણીઓની ખટાશ-તીખાશ જોવા મળશે

અકિલાનાં મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે આગામી ૧૮ સપ્ટેમ્બરે રજૂ થનાર ગુજરાતી ફિલ્મ ‘ચટણી'નાં અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશી તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટઃ તા.૧૬: ગુજરાતી સિનેમા જ્યારે પોતાના ગોલ્ડન ફેઝમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે રંગીલા રાજકોટનાં દર્શકોનું દિલ જીતવા માટે બહુપ્રતિક્ષિત મેલી એન્ટરટેઇનર ગુજરાતી ફિલ્મ ‘ચટણી' વિશે ચટપટી વાતો કરી હતી.
અભિનેતા મલ્હાર ઠાકરે જણાવ્યું હતું કે, ફિલ્મમાં ‘કાળુ કાકા એન્ડ સન્સ' નામની ફરસાણની જુની દુકાન સોૈની મનપસંદ હોય છે. વર્ષોથી લોકપ્રિયતા જળવાઇ રહેવાનું કારણ ત્યાં મળતી ચટણી છે. ફિલ્મનો હિરો દુકાનનાં નફાને વધારવા જાત જાતની યુક્તિઓ લગાવે છે. દિકરો આ દુકાનને ગામમાંથી શહેરમાં લઇ જવાનું વિચારે છે જ્યારે પિતા તેનો સખત વિરોધ કરે છે અને આ બાબતે બંનેનો ઇગો કલેશ થાય છે. મલ્હાર ઠાકરે વધુમાં જણાવ્યું કે, આ ફિલ્મનું શૂટીંગ અમદાવાદ શહેરમાં અહિંની પોળમાં તથા અમદાવાદ પાસે વહેલાલ ગામમાં થયું છે. ફિલ્મમાં ઉત્તર ગુજરાતની ભાષાનો ઉપયોગ કરાયો છે. કારણ આ ફિલ્મ ચટણીની વાર્તા ઉત્તર ગુજરાતની આજુબાજુ વણાયેલી છે.
ફિલ્મ ચટણીમાં માતાનું કેરેકટર જેટલું ઓછું દેખાય છે તેનાં કરતાં ખુબજ અગત્યનું છે. પિતા -પુત્ર વચ્ચે પિસાતી માતાની હાલત દયનીય બને છે છતાં માતા કઇ રીતે આખા ઘરને સંભાળે છે તે ખુબ અગત્યનું છે. અભિનેત્રી પૂજા જોશીએ જણાવ્યું કે, મલ્હાર અને મારા લગ્ન પછીની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. બુધ્ધિપ્રિયા પિકચર્સ હેઠળ નિર્માણ પામેલ આ ફિલ્મનું અમે પહેલીવાર સહ નિર્માતા તરીકે પણ જોડાયા છીએ. ફિલ્મમાં મલ્હાર ઠાકર(દેવલ)નાં પાત્રમાં તથા પૂજા જોશી ‘કાજલ'નાં પાત્રમાં જોવા મળશે.
મલ્હાર ઠાકર કહે છે, ચટણી વિનાં કોઇને ચાલે નહીં દરેકની સાથે જરૂર પડે એવી વસ્તુ છે. ‘ચટણી'એ આજનાં સમયમાં ખુબ મહત્વની ફિલ્મ છે. કારણ પેઢી દર પેઢીથી ચાલી આવતી દુકાન ચટણીનાં જોરે ચાલે છે. વર્ષોથી ચાલતા આ વ્યવસાયને ગામથી શહેર લઇ જઇને મોટી કરીએ. જ્યારે પિતા ના પાડે છે. દીકરો ચટણીનાં વ્યવસાયને મોટો કરવાનું નક્કી કરે છે. સાથે કાજલ એટલેકે પૂજા જોશી સુખ-દુઃખમાં દેવલનો સાથ આપે છે. કાજલ મૂળ ગામમાં ટીચરનું પાત્ર ભજવે છે. ગામ અને શહેરની જોડતી આ વાર્તામાં માતા-પિતા સાથે ફેમેલી યુનિયન કેવી રીતે જોડાયેલું રહે છે તે માત્ર ‘ચટણી'ને કારણે. પરિવાર સાથે મળીને જુએ એવી રીતે આ ચટાકેદાર ફિલ્મ ચટણી છે.
લગ્ન પછી ‘ચટણી' ફિલ્મમાં મલ્હાર ઠાકર અને પૂજા જોશીની કેમેસ્ટ્રી પહેલીવાર જોવા મળશે. મલ્હાર ઠાકર કહે છે. ફિલ્મમાં અમે બંનેએ જેટલા પ્રોજેકટ કર્યા એ બધા અર્બન સીટીને લઇને કર્યા છે. જ્યારે ચટણી ફિલ્મમાં અમે બંને વહેલાલ ગામમાં રહીએ છીએ એવું દર્શાવ્યું છે. પૂજા જોશીનું કહેવું હતું કે, મેં અત્યાર સુધી બહુ અર્બન કેરેક્ટર પ્લે કર્યા છે જ્યારે ચટણીમાં ગામડાની વાત છે. જે છોકરીનો રોલ હું પ્લે કરૂં છું તે ખુબ ભણેશ્રી છે, ટીચર છે એટલે મારા માટે આ પ્રકારનું કેરેકટર ખુબ નવું છે. લોકોને જોવાની ખુબ મજા આવશે.
ચટણીમાં ઉત્તર ગુજરાતની ભાષા બોલવાની મજા આવી. મલ્હાર ઠાકર કહે છે, ફિલ્મમાં રાઇટરનો એટીટયુડ ખુબ ગમ્યો. પૂજા જોશી કહે છે, ફિલ્મમાં જે ચટણી બનાવે છે તે મમ્મી બનાવે છે અને ચટણી બનાવવામાં માતાજીની મહેર ઘરનીસ્ત્રીઓમાં જ મળે છે. ચાર પેઢીથી એક ધારો ટેસ્ટ ચટણીમાં જવા મળે છે.
રસોઇ કલા ક્ષેત્રે સંકળાયેલી મહિલાઓને ખૂબ જોડતુ આ પાત્ર છે. તેમાંય મમ્મીનું કેરેકટર એ માવડીનું કેરેકટર છે. જે લોકો પરિવાર સાથે જોડાયેલા છે તેને ખ્યાલ આવશે કે માતા દયાળુ અને પરિવારને સાથે લઇ ચાલનારી વ્યકિત છે એ આ પાત્ર પરથી શિખવાનું છે. આ ફિલ્મ પરંપરા અને આ આધુનિકતાના સંગમ સાથે હાસ્ય, પ્રેમ અને પારિવારીક એક મનોરંજક મિશ્રણ પીરસે છે.
સંદીપ પટેલ અને હર્ષ શોધન દ્વારા લખાયેલી આ ફિલ્મમાં મલ્હાર ઠાકર અને પૂજા જોશી ઉપરાંત પ્રશાંત બારોટ, હેતલ મોદી, સ્મિત જોશી, પ્રેમલ યાજ્ઞિક, મનિષા ત્રિવેદી અને આકાશ ઝાલા જેવા જાણીતા કલાકારો છે. ફિલ્મમાં પ્રશાંત મોદી, નિલેશ મોદી, અમિત વેડાવાલા અને હર્ષ પટેલ નિર્માતા છે. જયારે પૂજા જોશી અને મલ્હાર ઠાકર કો - પ્રોડયુસર પણ છે. ઇ ફોર યુ એન્ટરટેઇનમેન્ટ અને બુધ્ધિપ્રિયા પિકચર્સ એલએલપી દ્વારા બનેલ આ ફિલ્મનું દિગ્દર્શક સંદીપ પટેલ દ્વારા કરાયું છે. આગામી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ થિયેટરોમાં રિલીઝ થવા જઇ રહી છે.
રાજકોટની ‘ચટણી' વખણાય છે એટલે ફિલ્મ ‘ચટણી'ને અમૂક પ્રેમ આપજો...
જેન ઝી ફિલ્મને ખાસ જુએ...
આગામી તારીખ ૧૮ સપ્ટેમ્બરનાં રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા, આવી રહી છે. ફિલ્મ ‘ચટણી'. ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશી અકિલાનાં આંગણે મહેમાન બન્યા હતાં. તેમણે બંનેએ જણાવ્યું હતું કે, રાજકોટની ચટણી વર્લ્ડ ફેમશ છે. આમ પણ રાજકોટવાસીઓ ગુજરાતી ફિલ્મોને બોકસ ઓફિસ પર ખૂબ પ્રેમ આપે છે. સૌથી વધુ કલેકશન અહિંથી જ થાય છે.
મલ્હાર ઠાકરે જણાવ્યું કે, મિત્રો, પરિવાર સાથે અને જેન ઝી તો ખાસ આ ફિલ્મ જુએ પરિવાર સાથે ચાલવાની વાત આમા વર્ણવામાં આવી છે. ૬ ગીતો, રોમેન્ટિક વાત અને ધમાલ સાથે ચટણી અચૂક જોવા જેવી છે.
મોઢા પર પાણી ફેંકવાનો સીન યાદગાર રહેશે...
ગુજરાતી ફિલ્મ ‘ચટણી'ના કલાકારો પૂજા જોશી અને મલ્હાર ઠાકરે જણાવ્યું હતું કે, ફિલ્મમાં અભિનેતા દેવલ અભિનેત્રી કાજલના મોઢા પર પાણી નાખે છે. જ્યારે ડાયરેકટરે કટ કર્યુ ત્યારે મલ્હાર ઠાકર પત્નિ પૂજા પાસે ગયા હતા અને બધુ ઓકે છે ને તે જાણ્યું હતું. આ સીન ખૂબ ચેલેન્જીંગ હતો બને માટે, ફિલ્મમાં કેવી રીતે બંને વચ્ચે ટેમ્પો વધુ છે અને લાસ્ટમાં મોઢા પર પાણી ફેંકવાની વાત આવી જાય છે. આ પછી જ ફિલ્મ વધુ જામે છે જે જોવાની લોકોને ખૂબ મજા આવશે.
પૂજાની અભિનેત્રીની તૈયારી અદ્ભૂતઃ મલ્હાર ઠાકર સીન રીલેટેડ ઝોનમાં જવાની તૈયારી ગજબઃ પૂજા જોશી
લગ્ન પછી અમારી પહેલી ફિલ્મ છે. એટલે અમે બંને એક બીજા પાસેથી ઘણું શિખ્યા. મલ્હાર ઠાકરે જણાવ્યું કે, પૂજા જોશીની અભિનયની તૈયારી કરીને આવવું, ડાયલોગ વિશે મહેનત કરી આવવું તે પૂજા પાસેથી શિખવા મળ્યુેં અભિનેત્રી હોવાનો તેણે સદઉપયોગ કર્યો.
પૂજા જોશીએ જણાવ્યું કે, મલ્હાર પાસેથી ઘણું શિખવા મળ્યું. જેમ કે તે કોઇ અગત્યનો સીન હોય તો તે બધાથી થોડા અલગ બેસી જાય છે, સીનને રીલેટેડ ગીતો સાંભળે જેથી તે ઝોનમાં જઇ શકાય. મલ્હારનો વોઇસ મોડયુલેશન મને ખૂબ ગમે છે. ગુસ્સાવાળા, પ્રેમાળ સીનમાં કઇ રીતે અવાજ બદલવો તે શીખ્યું.
(3:30 PM IST)










