<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

પ્રદ્યુમનપાર્ક ઝુમાં ફરી કીલકારીયો ગુંજીઃ સિંહણ ધરતીએ ૩ સિંહબાળને આપ્‍યો જન્‍મ : જુઓ વિડીયો

ગત જુનમાં સિંહણ ધારા દ્વારા પણ ૩ બચ્‍ચાઓને જન્‍મ અપાયેલ : અત્‍યાર સુધીમાં ઝુમાં પ૮ સિંહબાળનો જન્‍મઃ હાલ એશીયાઇ સિંહોની સંખ્‍યા ર૦ થઇ

રાજકોટ, તા. ર૮: મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્‍ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્‍ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્‍ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્‍થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્‍યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૦૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્‍યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્‍ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે, તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુકલ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન રક્ષિત કલોલ દ્વારા એક સંયુક્‍ત યાદીમાં જણાવ્‍યું હતું.

એશિયાઇ સિંહ નર ‘ધનંજય' તથા માદા સિંહણ ‘ધરતી' સંવનનથી ૧૦૭ દિવસના ગર્ભાવસ્‍થાના અંતે સિંહ માદા ‘ધરતી' દ્વારા તા.૨૨ ના રોજ રાત્રીના સમયે સિંહ બાળ જીવ ૦૩ (લારી)નો જન્‍મ થયેલ છે. હાલ માતા તથા બચ્‍ચા તંદુરસ્‍ત છે, ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્‍ચાંનું સીસીટીવી દ્વારા રાઉન્‍ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે. અગાઉ તા.૧૧ જુન રોજ સિંહણ ધારા દ્વારા ત્રણ બચ્‍ચાંઓને જન્‍મ આપવામાં આવેલ. આ બચ્‍ચાંઓ પણ હાલ તંદુરસ્‍ત છે.

સામાન્‍ય રીતે સિંહ, વાઘ, દિપડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્‍ચાંને જન્‍મ આપતા હોય છે. ખૂબજ ઓછા કિસ્‍સામાં એક બચ્‍ચું અથવા ચારથી પાંચ બચ્‍ચાંઓ જન્‍મતા હોય છે.

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્‍વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ એશીયાઇ સિંહ તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે એશીયાઇ સિંહ બાળ-૦૩નો જન્‍મ થતા એશીયાઇ સિંહની સંખ્‍યા ૨૦ થઇ ગયેલ છે. જેમાં પુખ્‍ત નર-૦૪, પુખ્‍ત માદા-૦૮, પાઠડા નર-૦૨ તથા બચ્‍ચા-૦૬નો સમાવેશ થાય છે. રાજકોટ ઝુ ખાતે નવા જન્‍મેલ સિંહ બાળ સહિત અત્‍યાર સુધીમાં કુલ ૫૮ સિંહબાળનો જન્‍મ થયેલ છે. વન્‍યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના ઘણા ઝૂને સિંહ આપી બદલામાં મહત્‍વના બીજી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવવામાં આવેલ છે. જેમાં મૈસુર ઝૂ, હૈદરાબાદ ઝૂ, છતબીર ઝૂ - પ લખનઉ ઝૂ, ભીલાઇ ઝૂ - છતીસગઢ, કાંકરીયા ઝૂ, અમદાવાદ, સક્કરબાગ ઝૂ - જુનાગઢ વિગેરેનો સમાવેશ થાય છે.

હાલ ઝૂ માં જુદી જુદી ૭૦ પ્રજાતિઓનાં કુલ-૬૧૪ વન્‍યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્‍યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.

(3:05 PM IST)