News of Monday, 1st June 2026
રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનો વિજ્ઞાન જાથા દ્વારા આકરો વિરોધઃ લોકોને જાગૃત કરવા ગામેગામ કાર્યક્રમોનું આહવાન. : જુઓ વિડિયો
તબીબી પરવાના વિના અસાધ્ય રોગો મટાડવાના દાવાઓને વિજ્ઞાન જાથાએ ગણાવ્યું મોટું કાવતરું

રાજકોટઃ અહીંના રેસકોર્સ મેદાનમાં યોજાનાર બાબા બાગેશ્વરના 'દિવ્ય દરબાર'નો ભારત જન વિજ્ઞાન જાથાએ સખત વિરોધ કરી આકરા પ્રહારો કર્યા છે. જાથાના અધ્યક્ષ શ્રી જયંત પંડ્યાએ બાબાના કથિત ચમત્કારોને ઢોંગ ગણાવ્યા છે અને લોકોને અંધશ્રદ્ધા તથા છેતરપિંડીથી સાવધાન રહેવા અપીલ કરી છે. જાથા દ્વારા રાજ્યભરમાં ત્રણ દિવસ સુધી ગામેગામ જાગૃતિ અને વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં તારીખ પાંચ થી સાત જૂન સુધી સનાતન હનુમંત કથા અંતર્ગત યોજાનાર બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની ભારત જન વિજ્ઞાન જાથાએ સખત શબ્દોમાં નિદા કરી છે. જાથા દ્વારા ‘બાબા બાગેશ્વર હાય-હાય'ના નારા લગાવીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જનતાને જાગૃત કરવા માટે રાજ્યમાં ત્રણ દિવસ સુધી જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું એક પ્રેસ યાદીમાં જણાવાયું છે.
દિવ્ય શક્તિ નહીં, પરંતુ તકનીક અને આયોજનનો ખેલઃ વિજ્ઞાન જાથાના અધ્યક્ષ અને વકીલ જયંત પંડ્યાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સનાતન કથાના વિરોધી નથી, પરંતુ તબીબી પરવાના વગર કર્કરોગ (કેન્સર), અસાધ્ય રોગો અને માનસિક બીમારીઓ મટાડવાના દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. લોકોના મન વાંચવાની કળા અને પર્ચી કાઢવી એ કોઈ દિવ્ય શક્તિ નથી, પરંતુ આયોજન, તકનીક અને પોતાના માણસો ગોઠવીને કરાતું એક ષડયંત્ર છે.
ઢોંગ અને રાજકીય એજન્ડાનો આરોપઃ જો બાબા પાસે ખરેખર દિવ્ય શક્તિ હોય તો તેમણે દેશની હોનારતો કે વિમાન અકસ્માતો વિશે અગાઉથી કેમ કોઈ જાણકારી ન આપી? જાથાના મતે આ માત્ર પ્રસિદ્ધિ મેળવવાનો અને રાજકીય ઈશારે ધર્મો વચ્ચે ભાગલા પાડીને મોંઘવારી, ગરીબી અને બેરોજગારી જેવા મૂળ પ્રશ્નોથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા હિન્દુઓને ચાર બાળકો પેદા કરવાની અને એક બાળક સંગઠનને આપવાની સલાહ એ બંધારણ અને કાયદાનું સીધું ઉલ્લંઘન છે. કાયદાનો ભંગ થશે તો જાથા ગુનો પણ દાખલ કરાવશે.
ત્રણ દિવસીય વિરોધ અને જાગૃતિ કાર્યક્રમઃ છેલ્લા પાંત્રીસ વર્ષથી સમાજમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરતા વિજ્ઞાન જાથાએ લોકોને તારીખ ચાર અને પાંચ જૂનના વિરોધ કાર્યક્રમમાં જોડાવા આહવાન કર્યું છે. દેશના વિકાસ માટે ધર્મના ઠેકેદારોની નહીં, પરંતુ વૈજ્ઞાનિક લ્લષ્ટિકોણની જરૂર છે. સરકારની મંજૂરી મળ્યા બાદ આ આંદોલન વધુ ઉગ્ર બનશે.
વિરોધમાં જોડાયેલા તમામ નામોઃ આ જાગૃતિ અને વિરોધ કાર્યક્રમમાં ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ટંકારાના દેવજીભાઈ પડસુંબિયા, રમેશભાઈ જે. રાઠોડ, હિતેશભાઈ પરમાર, પ્રવિણભાઈ લો, હિતેશભાઈ લો, સુવાસભાઈ રાય, ભાવિન ગઢવી, વિપુલભાઈ ડાભી, અરવિદભાઈ ખોખાણી, આદિત્ય દુબરિયા, ગૌતમ હિશુ, મહેન્દ્ર ચાવડા, રજનીભાઈ મોસાણી, મહેશભાઈ કે. લાધવા, છગનભાઈ ડી. ચૌહાણ, નિલેશભાઈ ડી. રાઠોડ, હિરાભાઈ જાદવ, મોતીભાઈ બી. ચૌહાણ, અનંતભાઈ ચૌહાણ અને ભાનુબેન શેઠીયા સહિતના અનેક કાર્યકરો જોડાયા હતા અને જાથાને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.
જે લોકો વિજ્ઞાન જાથાની વિચારધારા સાથે સંમત હોય તેમને મોબાઈલ નંબર (૯૮૨૫૨૧૬૬૮૯) પર સંપર્ક કરવા આ પ્રેસ યાદીમાં જાતા દ્વારા અપીલ કરવામાં આવી છે.
(2:49 PM IST)










