<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

લોકમેળામાં આ વખતે પણ મંજુરીના વાંકે અનેક રાઇડ્‍સ બંધ રહે તવો ઘાટ સર્જાયો : જુઓ વિડિયો

ફીટનેસ સર્ટીફિકેટ સહિતની કાર્યવાહી પુર્ણ થાય પછી જ પોલીસ ક્‍લીયરન્‍સ મળશેઃ બપોરે અઢી સુધી કોઇને મંજુરી નહિઃ સાંજ સુધીમાં મંજુરી મળી જાય તેવી શક્‍યતાઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા

રાજકોટ તા. ૨:  લોકમેળાનો આજે સાંજે  આરંભ થઇ ગયો છે. પરંતુ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી રાઇડ્‍સ મંજુરીના વાંકે બંધ રહે તેવો ઘાટ સર્જાયો છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ભયાવહ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર સુરક્ષા મુદ્દે અત્‍યંત કડક બન્‍યું હોઇ નવા અને કડક નિયમોના કારણે મેળાના આજે પ્રથમ દિવસે બપોર સુધી એકપણ રાઈડના સંચાલક જરૂરી મંજૂરી મેળવી શકયા ન હતા. જેને પગલે લાખો રૂપિયાનું રોકાણ કરનારા ધંધાર્થીઓના શ્વાસ અધર થઈ ગયા હતાં.

રાજકોટના લોકમેળાની મુખ્‍ય મજા અને આકર્ષણ તેની રાઈડ્‍સ હોય છે. ચકડોળ, બ્રેક ડાન્‍સ, ટોરાટોરા જેવી રોમાંચક રાઈડ્‍સ વિના મેળો અધૂરો ગણાય. પણ આ વખતે આ તમામ રાઈડ્‍સની મંજૂરી કાયદાકીય ગૂંચવણો અને કડક ચકાસણીના કારણે ડખ્‍ખામાં પડી છે. પોલીસ વિભાગ આ મામલે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી. તમામ કાગળો અને સુરક્ષાના માપદંડો સો ટકા સંતોષકારક ન હોય ત્‍યાં સુધી લીલી ઝંડી ન આપવાનો મક્કમ નિર્ધાર પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્‍યો હોઇ અનેક રાઇડસને મંજુરી બપોર સુધી મળી નહોતી.

નિયમ મુજબ, મેળામાં રાઈડ્‍સ શરૂ કરવા માટે ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ (આરોગ્‍ય વિભાગ) અને આર એન્‍ડ બી (માર્ગ અને મકાન વિભાગ) સહિતના મિકેનિકલ ફિટનેસના વિવિધ સરકારી વિભાગોએ સ્‍થળ તપાસ કરવાની હોય છે. આ તમામ વિભાગોએ સ્‍થળ પર જઈને ઝીણવટભરી ચકાસણી તો કરી લીધી છે, પરંતુ તેમના સત્તાવાર ક્‍લિયરન્‍સ રિપોર્ટ અને અભિપ્રાયો બપોરના સવા બે  સુધી પોલીસ ઓથોરિટી પાસે પહોંચ્‍યા ન હતા. સરકારી પ્રક્રિયાની આ ધીમી ગતિને કારણે સંચાલકોમાં દોડધામ થઇ પડી હતી.

ડીસીપી  ક્રાઈમ  જગદીશ બાંગરવાએ કડક વલણ અપનાવતા સ્‍પષ્ટ આદેશ આપ્‍યો છે કે લાયસન્‍સ વગર રાઇડ્‍સ શરૂ થઇ શકે તેમ નથી.  મેળામાં નાની-મોટી થઈને કુલ ૩૪ જેટલી રાઈડ્‍સ આવેલી છે. ડીસીપીએ કહ્યું હતું કે અરજદારોએ આ માટે આ તમામ રાઇડ્‍સ માટે અગીયાર અરજી કરેલ છે. પરંતુ જ્‍યાં સુધી આ તમામ ૩૪ રાઈડ્‍સના અલગ-અલગ વિભાગો તરફથી ક્‍લિયર અને સકારાત્‍મક અભિપ્રાય-ફિટનેસ સર્ટિફિકેટ પોલીસ વિભાગને નહીં મળે, ત્‍યાં સુધી એક પણ રાઈડ શરૂ કરવા દેવામાં આવશે નહીં. જનતાની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કારણે રાઇડ્‍સ સંચાલકોની મુંજવણ વધી ગઇ છે અને મંજુરી માટે દોડધામ શરૂ કરી હતી.

 

(3:46 PM IST)