<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

લોકમેળામાં પેટ બગાડે તેવો ‘માલ' ઝડપાયો! ૧૧૧ કિલો અખાદ્ય જથ્‍થાનો નાશ : જુઓ વિડીયો

મનપાની ફુડ શાખા વિરાસતથી વિકાસ લોકમેળામાં ત્રાટકી : ૨૧ ફૂડ સ્‍ટોલ પર તંત્રની સઘન ચકાસણી : ૨૬ કિલો વાસી બાફેલા બટેટા, ૧૮ કિલો દાઝેલું તેલ સહિતનો જથ્‍થો ઝડપાયોઃ સિન્‍થેટિક ફૂડ કલરયુક્‍ત બેટર પણ મળ્‍યું: રૂા.૩,૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલાયો

રાજકોટ, તા. ,૩ : રાજકોટમાં આયોજિત ‘વિરાસતથી વિકાસ લોકમેળા'માં ખાણીપીણીના સ્‍ટોલ પર વેચાતી વાનગીઓની ગુણવત્તા અને લોકોના આરોગ્‍યની સુરક્ષાને ધ્‍યાને રાખીને તંત્ર દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. કુલ ૨૧ ફૂડ સ્‍ટોલની તપાસ દરમિયાન જુદા-જુદા સ્‍ટોલ પરથી વાસી બાફેલા બટેટા, દાઝેલું તેલ, કાપેલા ફળ-શાકભાજી, મકાઈનો સ્‍ટાર્ચ/લોટ તેમજ સિન્‍થેટિક ફૂડ કલરયુક્‍ત બેટર સહિત કુલ ૧૧૧ કિલો અખાદ્ય જથ્‍થો મળી આવતાં તેનો સ્‍થળ પર જ નાશ કરવામાં આવ્‍યો હતો.

લોકમેળામાં મોટી સંખ્‍યામાં લોકો પરિવાર સાથે ઉમટી રહ્યા હોય ત્‍યારે ખાણીપીણીની વસ્‍તુઓની ગુણવત્તા અત્‍યંત મહત્ત્વની બની રહે છે. ત્‍યારે તપાસ દરમિયાન કેટલાક ફૂડ સ્‍ટોલ પરથી આરોગ્‍યની દૃષ્ટિએ યોગ્‍ય ન જણાયેલો મોટો જથ્‍થો મળી આવતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

ચકાસણી દરમિયાન અંદાજિત ૨૬ કિલો વાસી બાફેલા બટેટા મળી આવ્‍યા હતા. આ ઉપરાંત વારંવાર ઉપયોગથી દાઝેલું હોવાનું જણાયેલું ૧૮ કિલો તેલ, ૧૨ કિલો કાપેલા ફળ અને શાકભાજી, ૧૦ કિલો મકાઈનો સ્‍ટાર્ચ/લોટ, ૨૭ કિલો બિનફરાળી લોટમાં ઉપયોગ કરેલ ચિપ્‍સ તેમજ ટ્‍વીસ્‍ટર બનાવવા માટે તૈયાર કરાયેલું ૯ કિલો સિન્‍થેટિક ફૂડ કલરયુક્‍ત બેટર સહિત કુલ મળીને ૧૧૧ કિલો અખાદ્ય જથ્‍થો મળી આવ્‍યો હતો.

આ તમામ અખાદ્ય જથ્‍થાને લોકોના ઉપયોગ કે વેચાણમાં ન આવે તે માટે તપાસ કરનાર ટીમ દ્વારા સ્‍થળ પર જ તેનો નાશ કરવામાં આવ્‍યો હતો. સાથે જ સંબંધિત સ્‍ટોલધારકો પાસેથી કુલ રૂ.૩,૫૦૦નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્‍યો હતો.

‘વિરાસતથી વિકાસ લોકમેળા'માં મોટી સંખ્‍યામાં શહેરીજનો ખાણીપીણીની મજા માણવા આવતા હોય છે. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વડીલો સહિતના લોકો મેળામાં વિવિધ ફૂડ સ્‍ટોલ પરથી ખાદ્યપદાર્થો આરોગતા હોય ત્‍યારે ખોરાકની ગુણવત્તા, તાજગી અને તેમાં વપરાતી સામગ્રી અંગે કોઈ બેદરકારી ન રહે તે જરૂરી છે. આ સંજોગોમાં એક જ ચકાસણી દરમિયાન ૧૧૧ કિલો જેટલો અખાદ્ય જથ્‍થો મળી આવતાં ફૂડ સ્‍ટોલ પર ગુણવત્તાની સતત દેખરેખ રાખવાની જરૂરિયાત સામે આવી છે.

તંત્ર દ્વારા મેળામાં ખાણીપીણીના સ્‍ટોલધારકોને સ્‍વચ્‍છતા જાળવવા, તાજી અને ગુણવત્તાયુક્‍ત ખાદ્યસામગ્રીનો જ ઉપયોગ કરવા તેમજ લોકોના આરોગ્‍યને નુકસાન પહોંચાડી શકે તેવી સામગ્રીનો ઉપયોગ ટાળવા સૂચના આપવામાં આવી છે.

 

(2:44 PM IST)