<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

જંગલેશ્‍વર ડિમોલીશન ખર્ચ મામલે તપાસ કમિટી રચવા નેહલ શુકલની તાકિદ : જુઓ વિડિયો

તુષાર સુમેરાને પત્ર લખી સૂચના આપી મેયર એકશન મોડમાં

રાજકોટ,તા.૨૯: શહેરના જંગલેશ્વર વિસ્‍તારમાં ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન હાથ ધરાયેલા મેગા ડિમોલેશન ઓપરેશન બાદ રજૂ થયેલા ખર્ચના બિલોને લઈને વિવાદ વધુ ઘેરાયો છે. ડિમોલેશન દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ જવાનો માટે થયેલા ખાણી-પીણીના ખર્ચનું રૂા. ૨૭.૨૦ લાખનું ફૂડ બિલ રજૂ થતાં અનેક સવાલો ઊભા થયા છે. આ બિલમાં અંદાજે રૂા.૨૦.૬૮ લાખનું ભોજન બિલ, રૂા.૬.૩૦ લાખની ચા-કોફી અને બિસ્‍કિટનો ખર્ચ, તેમજ ૨૧ હજાર કપ ચા, ૪ હજાર બોટલ લીંબુ શરબત અને વિવિધ નાસ્‍તાની વસ્‍તુઓનો સમાવેશ થતો હોવાનું સામે આવ્‍યું છે. આ બિલ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં રજૂ થતાં તેને મંજૂરી આપવાના બદલે પેન્‍ડિંગ રાખી અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્‍યો છે.

આ સમગ્ર મામલે રાજકોટના મેયર ડો. નેહલ શુક્‍લએ મ્‍યુનિસિપલ કમિશનરને પત્ર લખી સમગ્ર પ્રકરણની નિષ્‍પક્ષ તપાસ કરવા માંગ કરી છે. મેયરે તપાસ માટે વિશેષ કમિટી રચી રજૂ થયેલા તમામ બિલો, ખર્ચની પ્રક્રિયા, મંજૂરીની પદ્ધતિ અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે વિગતવાર તપાસ કરીને અહેવાલ રજૂ કરવા જણાવ્‍યું છે. તપાસમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, બેદરકારી અથવા નાણાકીય અનિયમિતતા સામે આવશે તો જવાબદાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ માંગ કરવામાં આવી છે.

ઉલ્‍લેખનીય છે કે જંગલેશ્વર ડિમોલેશનને લગતા અન્‍ય ખર્ચ, જેમાં મિનરલ વોટર માટે આશરે રૂા.૧૨ લાખથી વધુનું બિલ સહિતના મુદ્દાઓ પણ ચર્ચામાં આવ્‍યા છે. આવા તમામ ખર્ચની પારદર્શિતા અને જાહેર નાણાંનો યોગ્‍ય ઉપયોગ થયો છે કે નહીં તે અંગે હવે તપાસ કમિટીના અહેવાલ પર સૌની નજર છે.

(2:52 PM IST)