News of Monday, 29th June 2026
જંગલેશ્વર ડિમોલીશનઃ સમગ્ર બીલની નિષ્પક્ષ તપાસ થશેઃ તુષાર સુમેરા : જુઓ વિડિયો
મેયર નેહલ શુકલની સુચના બાદ મ્યુનિસીપલ કમિશનર દ્વારા કમિટીની રચના

રાજકોટ,તા. ૨૯: શહેરના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન થયેલા ખર્ચના બિલોને લઈને ઊભા થયેલા વિવાદ બાદ હવે સમગ્ર મામલે તટસ્થ તપાસ શરૂ કરવામાં આવી છે. ડિમોલેશન કામગીરી દરમિયાન રજૂ થયેલા કરોડો રૂપિયાના વિવિધ બિલોને લઈને જાહેર જીવનમાં અનેક સવાલો ઉઠતા અનેવ મેયર મેયર શુક્લાએ પત્ર લખી કમિટી રચવા સૂચના આપતા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે.
મેયરના આદેશથી તપાસ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી ડિમોલેશન દરમિયાન થયેલા તમામ ખર્ચ, બિલોની પ્રક્રિયા, મંજૂરી, ખરીદી અને નાણાકીય વ્યવહારોની વિગતવાર તપાસ કરશે. તપાસ દરમિયાન સંબંધિત અધિકારીઓ અને વિભાગો પાસેથી જરૂરી દસ્તાવેજો અને સ્પષ્ટતા પણ માંગવામાં આવશે.
તપાસ પૂર્ણ થયા બાદ કમિટી પોતાનો અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને સોંપશે. જો તપાસમાં કોઈ ગેરરીતિ, બેદરકારી અથવા નાણાકીય અનિયમિતતા સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ જો તમામ ખર્ચ નિયમો મુજબ થયેલો હોવાનું બહાર આવશે તો તે બાબત પણ અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવશે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર તપાસ સંપૂર્ણપણે તટસ્થ, પારદર્શક અને નિયમો અનુસાર કરવામાં આવશે, જેથી હકીકતો સામે આવે અને જાહેર નાણાંના ઉપયોગ અંગે ઊભા થયેલા તમામ પ્ર‘ોના જવાબ મળી શકે.
(2:53 PM IST)










