<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

રેકી કરી અઢી કરોડની લુંટને અપાયો'તો અંજામ : ૩ ઝડપાયા. : જુઓ વિડિયો

શાપર-વેરાવળના જીતેન્‍દ્રસિંહ જાડેજાને બંધક બનાવી રોકડ, દાગીના લુંટી લેવાની ઘટનામાં રેન્‍જ આઇજી નિર્લિપ્ત રાય તથા એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રૂરલ પોલીસની ર૦ ટીમોએ ૮ દિ'માં ભેદ ઉકેલ્‍યોઃ લૂંટમાં ગયેલ ૪૧ લાખ સહિત ૭૬.૮૬ લાખનો મુદામાલ કબ્‍જે : લુંટ-કાવત્રામાં ૮ શખ્‍સો સામેલઃ મુખ્‍ય સુત્રધાર કલમસીંગ ઉર્ફે કમલસીંગ અને કરણસીંગ ઉર્ફે મડીયા સહિત પ ની શોધખોળઃ લૂંટ કર્યા બાદ ભાગ પાડી છુટા પડી ગયાઃ પકડાયેલ ત્રણેય આરોપીઓના ભાગમાં ૪૧ લાખ અને ર૧ લાખના દાગીના આવતા કબ્‍જે કરાયા : લૂંટ કરવા બોલેરોમાં આવ્‍યા અને લૂંટ કર્યા બાદ ત્રણ ચોરાઉ બાઇકમાં ભાગી બાઇક રેઢા મુકી વાંકાનેર બાઉન્‍ડ્રી પાસે રાખેલ બોલેરોમાં ભાગી ગયા : લુંટ-કાવત્રામાં સામેલ તમામે ટકાવારી પ્રમાણે ભાગ પાડયોઃ લૂંટમાં સામેલ શખ્‍સોને વધુ અને રેકી કરનાર તથા બોલેરો લઇ આવનાર બે શખ્‍સોને ઓછા રૂપીયા ભાગમાં આવ્‍યાઃ પકડાયેલ ત્રણ પૈકી બનસીંગ લૂંટમાં સામેલ હતો અને શેતાન તથા દિનેશ બોલેરો લઇને આવ્‍યો'તો : પોલીસ ફરીયાદમાં ત્રણ થી ચાર લાખના દાગીનાની લૂંટ થયાનુ જાહેર કરાયું હતું પરંતુ આરોપીઓ પાસેથી ર૧ લાખથી વધુના સોનાના દાગીના મળી આવ્‍યા

રાજકોટઃ શાપર-વેરાવળની અઢી કરોડની લુંટ અને ધાડનો ભેદ ઉકેલનાર  રાજકોટ ગ્રામ્‍યના એલસીબી પીઆઇ જે.પી.રાવ, પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ કે.એમ.ચાવડા, પીએસઆઇ આર.વી.ભીમાણી, પીએસઆઇ અરવિંદસિંહ જાડેજા, રૂરલ એસઓજીના પીઆઇ એફ.એમ.પારગી, પીએસઆઇ ગજુભા ઝાલા તથા રૂરલ એલસીબી, રૂરલ એસઓજી સ્‍ટાફ, શાપર-વેરાવળના પીઆઇ આર.બી.રાણા તથા તેની ટીમને રેન્‍જ ડીઆઇજી નિર્લિપ્ત રાય  તથા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે પત્રકાર પરીષદ પુર્વે અભિનંદન પાઠવ્‍યા હતા તે નજરે પડે છે. તેમજ પકડાયેલ ત્રણેય આરોપીઓ અને કબ્‍જે કરાયેલ રોકડ, દાગીના અને રાયફલ સહિતનો મુદામાલ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ ,તા. ર૯ : શાપર-વેરાવળમાં ગત ૨૦ જૂનના રોજ ગીરાસદાર વળદ્ધના ઘરમાં  ઘુસીને અજાણ્‍યા બુકાનીધારીઓ દ્વારા કરવામાં આવેલી રૂપિયા અઢી કરોડની સનસનાટીભરી ધાડ અને લૂંટના ગુન્‍હાનો રાજકોટ રૂરલ પોલીસે  ૮ દિવસમાં જ ભેદ ઉકેલી લૂંટમાં સામેલ એક શખ્‍સ સહિત ૩ શખ્‍સોને ૭૬.૮૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે. જયારે  બે મુખ્‍ય કાવત્રાખોર સહિત પાંચની શોધખોળ હાથ ધરાઇ છે. રાજકોટ જીલ્લાની સૌથી મોટી લુંટ અને ધાડની રેકી કરી અંજામ અપાયો હોવાનું ખુલ્‍યું છે.

આ અંગે રૂરલ એસપી કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરીષદમાં રેન્‍જ આઇજી નિર્લિપ્ત રાય તથા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે માહીતી આપતા જણાવ્‍યું હતું કે,  ગઇ તા.૧૯-૨૦/૦૬/૨૦૨૬ ના રાત્રીના દોઢેક વાગ્‍યાના અરસામાં અજાણ્‍યા બુકાનીધારી માણસોએ શાપર-વેરાવળ પો.સ્‍ટે. વિસ્‍તારમાં શાપર મેઇન રોડ ઉપર રહેતા  ફરીયાદી જીતેન્‍દ્રસિંહ અજીતસિંહ જાડેજા ઉ.વ.૭૭ રહે.શાપર (વે.) ના ઘરનો દરવાજો તોડી લોખંડના પાઇપો સાથે ઘરમા પ્રવેશ કરી ફરીયાદીને બંધક બનાવી માર મારી ઇજા કરી રૂમમાં પ્રવેશ કરી રૂમમાં રહેલ કબાટમાં રાખેલ રોકડ રૂા. ૨,૪૭,૦૦,૦૦૦/- તથા સોનાના દાગીના કિંમત રૂા. ૨,૦૦,૦૦૦/- તથા લાયસન્‍સ વાળી બંદુક નંગ-૧ કિંમત રૂા.૧૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂા.૧૦૦૦/- મળી કુલ રૂા. ૨,૪૯,૧૧,૦૦૦/- ની ઘાડ પાડી ગુનો આચરેલ હોય જે અન્‍વયે શાપર-વેરાવળ પો.સ્‍ટે.માં ગુન્‍હો નોંધાયેલ હતો. તેમજ આરોપીઓએ આ ધાડ પાડયા બાદ ભાગવા માટે શાપર ગામ માંથી ૩ મોટર સાયકલ ચોરેલ જે અંગે શાપર-વેરાવળ પો.સ્‍ટે.માં અલગથી ગુન્‍હો રજીસ્‍ટર કરવામાં આવેલ હતો.

લૂંટની આ ઘટનામાં રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ર૦ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એ દરમિયાન ટેકનીકલ ડેટા તથા હ્યુમન ઇન્‍ટેલીજન્‍સની મદદથી માહિતી મળેલ કે આ ગુન્‍હલ આચરનાર આરોપીઓ પૈકી ત્રણ આરોપી (૧) બનસીંગ ઉર્ફે બન્ના હેમરાજ શીંગાડ (રહે. તેજારીયા ગામ, તા.જી. જાંબુવા, એમ.પી.) (ર) સેતાન દિવાનભાઇ અમલીયાર તથા  (૩) દિનેશ સેતાનભાઇ પરમાર (રહે. નીમચ ગામ, ઉચવાસ ફળીયુ, તા. ગરબાડા, જી.દાહોદ) ને આ ગુન્‍હામાં ઉપયોગ કરેલ બોલેરો ફોર વ્‍હીલ ગાડી સાથે મધ્‍યપ્રદેશ બોર્ડર થી ગુજરાત બોર્ડરમાં પ્રવેશ કરનાર હોવાની માહિતી આધારે તપાસમાં રોકાયેલ રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી.ના પો.સ.ઇ. કે.એમ.ચાવડા,  એચ.સી.ગોહીલ, પી.એન.ભરવાડ તથા લીવ રીઝર્વ પો.સ.ઈ. એ.બી.જાડેજા  દ્વારા દાહોદ જિલ્લાના કતવારા પો.સ્‍ટે. વિસ્‍તારમા ખંગેલા ચેકપોસ્‍ટ પર નાકાબંધી કરી ઝડપી લેવાયા હતા.

પકડાયેલ ઉકત ત્રણ પૈકી બનસીંગ ઉર્ફે બન્ના લુંટમાં સામેલ હતો. જયારે તેની સાથેના શેતાન અને દિનેશ લુંટ કરવા માટે બોલેરો લઇ આવ્‍યા હતા. આ લુંટારૂ ટોળકીના મુખ્‍ય સુત્રધાર કલમસીંગ ઉર્ફે કમલસીંગ માવજીયા શીંગાડ તથા કરણસીંગ ઉર્ફે મળીયા હેમરાજ શીંગાડ(રહે. તેજારીયા, તા.જી. જાંબુવા, એમપી) છે. આ બંનેએ પકડાયેલ ઉકત ત્રણેય શખ્‍સો ઉપરાંત મહોબત તથા સુલસુલા બામણીયા (રહે. બંન્ને છેરાદ, તાલ.ડાંટા, જી.ધાર, મધ્‍યપ્રદેશ) અને વિઝન માવી નામના શખ્‍સ સાથે મળી લુંટનું કાવત્રુ રચી અંજામ આપ્‍યો હતો.

રેન્‍જ આઇજી નિર્લિપ્ત રાયએ વિશેષ માહીતી આપતા જણાવ્‍યું હતું કે આ લુંટ અને કાવત્રામાં કુલ ૮ શખ્‍સો સામેલ હતા. લુંટ કરવા આવનાર ૬ શખ્‍સો લુંટ કર્યા બાદ ભાગ પાડી છુટા પડી ગયા હતા. પકડાયેલ ત્રણ આરોપીઓના ભાગમાં ૪૧ લાખ અને ર૧ લાખના દાગીના ભાગમાં આવતા તે કબ્‍ેજે કરાયા છે. જો કે પોલીસ ફરીયાદમાં ૩ થી ૪ લાખના દાગીનાની લુંટ થયાનું જાહેર કરાયું છે. પરંતુ આરોપીઓ પાસેથી ર૧ લાખના દાગીના મળી આવતા તે કબ્‍જે કરાયા છે અને આ દાગીના જીતેન્‍દ્રસિંહના ઘરેથી લુંટયા હોવાની કબુલાત આપી છે.

લુંટ કરવા આવેલ ૬ શખ્‍સો બોલેરામાં આવ્‍યા હતા અને અગાઉથી જ ત્રણ ચોરાઉ બાઇક રાખ્‍યા હોય તેમાં લુંટ કરી ભાગી ગયા હતા. ત્‍યાર બાદ ત્રણે ચોરાઉ બાઇક રેઢા મુકી  વાંકાનેર બાઉન્‍ટ્રી પાસે અગાઉથી જ ઉભેલ બોલેરોમાં પંચમહાલ અને દાહોદ તરફ ભાગી ગયા હતા.  લુંટ અને કાવત્રામાં સામેલ તમામ શખ્‍સોએ ટકાવારી પ્રમાણે ભાગ પાડયો હતો. લુંટમાં સામેલ શખ્‍સોને વધુ અને રેકી કરનાર તથા બોલેરો લઇ આવનાર બે શખ્‍સોને ઓછા રૂપીયા ભાગમાં આવ્‍યા હતા.

હાલમાં પોલીસે પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે, જેમાં અનેક મોટા ખુલાસા થવાની શકયતા છે. આ ગેંગના અન્‍ય પાંચ સાગરીતો જેઓ હજુ ફરાર છે, તેમને પકડી પાડવા માટે રાજકોટ ગ્રામ્‍ય પોલીસની વિવિધ ટીમો મધ્‍યપ્રદેશ અને અન્‍ય રાજ્‍યોમાં તપાસ કરી રહી છે.  (૪.૭)

લૂંટારૂઓ પાસેથી કબ્‍જે કરાયેલ મુદ્દામાલ

* ધાડમાં ગયેલ પૈકીના રોકડ રૂપિયા- ૪૩,૧૮,૫૦૦/-

* ધાડમાં ગયેલ ઘરેણા પૈકીના ઘરેણા- ૨૧,૨૨,૩૮૦/-

* અન્‍ય મળી આવેલ ઘરેણા- ૪,૧૭,૬૯૦/-

* ધાડમાં ઉપયોગ કરેલ બોલેરો કાર-૧ કિ.રૂા.૭,૦૦,૦૦૦/-

* ધાડમાં ઉપયોગ કરેલ હથિયારો કિ.રૂ.૨૭,૦૦/-

* ધાડમાં ગયેલ આર્મ્‍સ હથિયાર-૧ કિ.રૂા.૧૦,૦૦૦/-

* આરોપીઓના મોબાઇલ ફોન-૩ કિ.રૂા.૧૫,૦૦૦/-

* ધાડ બાદ ચોરી કરેલ મોટર સાયકલ-૨ કિ.રૂ.૧,૦૦,૦૦૦/-

* કુલ મુદ્દામાલ- ૭૬,૮૬,૨૭૦/- (૪.૭)

રાજકોટ જિલ્લાની સૌથી મોટી લૂંટ-ઘાડનો ભેદ ઉકેલનાર રૂરલ પોલીસની ટીમ

 રાજકોટ ગ્રામ્‍ય એલસીબીના પીઆઇજે.પી.રાવ તથા પીએસઆઇ કે.એમ. ચાવડા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ  આર.વી.ભીમાણી, પીએસઆઇ  પી.એન.ભરવાડ તથા એલસીબી  અને પેરોલ ફર્લો શાખાનો સ્‍ટાફ.

(૨) સાયબર ક્રાઇમ સેલના પીઆઇ રવિ ગોધમ તથા સ્‍ટાફ

(૩) રાજકોટ ગ્રામ્‍ય એસઓજી શાખાના પી.આઇ. એફ.એમ. પારગી તથા પીએસઆઇ  જી.જે.ઝાલા તથા એસઓજી શાખાનો સ્‍ટાફ

(૪) શાપર વેરાવળ પો.સ્‍ટે.ના પી.આઇ.  આર.બી. રાણા તથા પીએસઆઇ  આર.ડી.સોલંકી, પીએસઆઇ  વી.જી.જેઠવા, પીએસઆઇ   એસ.આર.પંડ્‍યા તથા શાપર વેરાવળ પો.સ્‍ટે.નો સ્‍ટાફ.

(૫) લીવ રીઝર્વ PSI  એ.બી.જાડેજા તથા એલ.આઇ.બી.શાખા, ભાયાવદર પો.સ્‍ટે, જસદણ પો.સ્‍ટે, ગોંડલ સીટી એ ડીવી પો.સ્‍ટે. અને ગોંડલ સીટી બી ડીવી પો.સ્‍ટે.નો સ્‍ટાફ.

(૬) સાયબર ક્રાઇમ પો.સ્‍ટે. રાજકોટ ગ્રામ્‍યના પીએસઆઇ  સી.બી.વાંક તથા સાયબર ક્રાઇમ પો.સ્‍ટે. રાજકોટ ગ્રામ્‍યના સ્‍ટાફ.

તસ્‍વીરમાં રેન્‍જ ડીઆઇજી નિર્લિપ્ત રાય, રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર તથા ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજ પ્રેસ કોન્‍ફરન્‍સમાં માહીતી આપતા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

વેલડન : રાજકોટ જીલ્લાના પોલીસ અધિકારી તથા સ્‍ટાફને અભિનંદન પાઠવતા રેન્‍જ ડીઆઇજી નિર્લિપ્ત રાય અને રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર : 

લુંટારૂ ટોળકીને ૭ થી ૮ લાખની આશા હતી પણ ર.૪૭ કરોડ અને દાગીનાનો જેકપોટ લાગ્‍યો !

શાતીર અને રીઢા લુંટારૂઓએ પોલીસને થાપ આપવા પોતે સીસીટીવી ફુટેજના ન આવે તેની ખાસ તકેદારી રાખી'તીઃ મોબાઇલ ફોનનો પણ ઉપયોગ કરતા ન હતા

રાજકોટઃ શાપર-ેવેરાવળની અઢી કરોડની લૂં઼ટનો રૂરલ પોલીસે પર્દાફાશ કરી મધ્‍યપ્રદેશથી લુંટારૂ ટોળકીના ૩ શખ્‍સોને ઝડપી લીધા બાદ તેની પુછપરછમાં ચોંકાવનારી વિગતો ખુલી રહી છે.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ લુંટારૂઓને ટીપ મળ્‍યા બાદ રેકી કરી લુંટની ઘટનાને અંજામ આપ્‍યો હતો. લુંટારૂઓને જીતેન્‍દ્રસિંહ જાડેજાના ઘરમાંથી ૭ થી ૮ લાખની રોકડ અને દાગીના મળશે તેવી આશા હતી. પરંતુ જીતેન્‍દ્રસિંહના ઘરમાંથી ર.૪૭ કરોડ રોકડા અને ર૧ લાખથી વધુના દાગીના મળી આવતા લુંટારૂ ટોળકીને જેકપોટ લાગી ગયો હતો. શાતીર અને રીઢા ગુનેગારોએ પોલીસને થાપ આપવા માટે પોતે સીસીટીવી ફુટેજમાં ન આવે તેની ખાસ તકેદારી રાખી હતી અને તેના માટે પણ રેકી કરી હતી. તેમજ લુંટની ઘટના બાદ મોબાઇલ ફોનનો ઉપયોગ પણ બંધ કરી દીધો હતો.

રેન્‍જ ડીઆઇજી નિર્લિપ્ત રાયે જણાવ્‍યું હતું કે, અઢી કરોડની લુંટની ઘટનામાં ટીપ કોને આપી તે  બે મુખ્‍ય સુત્રધારો કલમસીંગ અને કરણસીંગ પકડાયા બાદ જ બહાર આવશે. મુખ્‍ય સુત્રધાર કલમસીંગ સામે મધ્‍યપ્રદેશમાં ચોરી અને લુંટના બે ગુર્ન્‍હા નોંધાયા છે. જયારે પકડાયેલ લુંટારૂ બનસીંગ સામે મધ્‍યપ્રદેશમાં જાંબુવા અને અમજેરા  પોલીસ મથકમાં લુંટ અને ધાડના બે ગુન્‍હા નોંધાયા છે. જયારે પકડાયેલ શેતાન સામે ગરબડા પોલીસ સ્‍ટેશનમાં પ્રોહીબીશનના ૭ અને દિનેશ સામે પ્રોહીબીશનના ર ગુનાઓ નોંધાયા છે. (૪.૯)

 

 

લુંટારૂ ટોળકીના પ્રથમ સીસીટીવી ફુટેજ શાપર પોલીસે જાહેર કર્યા'તા

ડીવાયએસપી કે.જી.ઝાલા તથા પીઆઇ આર.બી.રાણાની ટીમે સીસીટીવી ફુટેજમાં લુંટારૂ દેખાયા બાદ તપાસને વેગ મળી

રાજકોટઃ શાપર-વેરાવળની અઢી કરોડની લુંટનો ભેદ ઉકેલાયો છે ત્‍યારે આ લુંટની ઘટના જાહેર થયા બાદ ગોંડલના ડીવાયએસપી કે.જી.ઝાલા તથા શાપર-વેરાવળના પીઆઇ આર.બી.રાણા અને લીવ રીઝર્વના પીએસઆઇ અરવિંદસિંહ જાડેજા સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પીઆઇ આર.બી.રાણા તથા ટીમને સીસીટીવી ફુટેજમાં લુંટારૂઓ જોવા મળતા લુંટારૂઓનું પગેરૂ દબાવ્‍યું હતું. લુંટારૂઓ  શાપરથી કોઠારીયા થઇ વાંકાનેર ચોકડી તરફ ભાગ્‍યા હોવાનું ખુલ્‍યું હતું. શાપર પોલીસે લુંટારૂઓના સીસીટીવી  ફુટેજ જાહેર કર્યા બાદ તપાસને વેગ મળી હતી અને આ લુંટનો ભેદ ઉકેલાયો હતો. રેન્‍જ આઇજી નિર્લિપ્ત રાય તથા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે ઉકત ત્રણે પોલીસ અધિકારીઓને ખાસ અભિનંદન પાઠવ્‍યા હતા.(૪.૯)

(3:03 PM IST)