News of Monday, 21st September 2026
સ્વનિર્ભર શાળાઓને ‘ફી' અંગે દરખાસ્ત- સોગંદનામાની પ્રક્રિયામાંથી મૂકિત આપોઃ ૯૦ ટકા સ્કૂલ FRCમાંથી મુકત થશે : જુઓ વિડીયો
કલેકટરને આવેદનઃ ૧૭ હજાર સ્કૂલ અને ૫૦ લાખથી વધૂ વિદ્યાર્થીઃ યોગ્ય નહિ થાય તો આંદોલન

રાજકોટ તા.૨૧: શહેર જિલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્યની ખાનગી શાળાઓના પડતર પ્રશ્નોના સકારાત્મક ઉકેલ માટે કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં શાળાઓને પડતી વિવિધ મુશ્કેલીઓ અને મુખ્ય માંગણીઓ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશભાઈ કાનગઢે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ૧૭,૦૦૦થી વધુ સ્વનિર્ભર શાળાઓ કાર્યરત છે. આ શાળાઓમાં આશરે ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ૭ લાખથી વધુ શિક્ષકો તેમજ કર્મચારીઓ પોતાની સેવાઓ આપી રહ્યા છે. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં સ્વનિર્ભર શાળાઓનું યોગદાન ૬૦ ટકાથી પણ વધુ છે, જે ખૂબ જ મહત્ત્વનું છે. આ શાળાઓ અને તેમના સંચાલકોના વિવિધ પ્રશ્નો અંગે સરકાર તથા શિક્ષણ વિભાગને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી તેનું યોગ્ય અને સ્થાયી નિરાકરણ આવ્યું નથી. મંડળે મુખ્ય ચાર માંગણીઓ મૂકી છે, જેમાંથી પ્રથમ માંગણી ફી રેગ્યુલેટરી કમિટીની પ્રક્રિયાના સરળીકરણ અંગે છે.
મંડળની માંગણી છે કે ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓની દર ત્રણ વર્ષે ઓડિટ રિપોર્ટના આધારે ફી નક્કી થાય છે. જે શાળાઓ દર વર્ષે તે વર્ષની મંજૂર થયેલી ફીમાં ૧૦ ટકાથી વધુ વધારો ન કરતી હોય, તેમને દરખાસ્ત કે સોગંદનામાની પ્રક્રિયામાંથી મુક્તિ આપી સીધી મંજૂરી આપવામાં આવે. આ સુધારાથી રાજ્યની ૯૦ ટકા શાળાઓ એફઆરસી કાર્યવાહીમાંથી મુક્ત થશે અને એફઆરસી કચેરીના કામગીરીનું ભારણ પણ ઘટશે.
મંડળે જણાવ્યું છે કે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં અમલવારી થઈ નથી.સંચાલક મંડળે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વારંવાર રજુઆત કરવા છતાં જો આ પ્ર‘ોનું સત્વરે નિરાકરણ લાવવામાં નહીં આવે, તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનાત્મક પગલાં લેવા પડશે તેમજ જરૂર પડે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં રુકાવટ કરવાની ફરજ પણ પડી શકે છે.
(3:42 PM IST)










