News of Tuesday, 22nd September 2026
મનપામાં જન્મ-મરણ નોંધણીના મામલે જનરલ બોર્ડને ગોળગોળ જવાબ અપાયાનો આક્ષેપ
આધારની પ્રક્રિયામાં કયુઆર કોડ વગરનાં જન્મ-મરણ પ્રમાણપત્રો સ્વીકારાતાં ન હોવાની ફરિયાદઃ અરજદારો પરેશાન : કોંગ્રેસના કોર્પોરેટરના પ્રશ્નના લેખિત જવાબ મુજબ સીઆરએસ પોર્ટલમાં મરણની આશરે ૪ લાખ નોંધ તબદીલ કરવાની બાકીઃ રોજ મહત્તમ ૫૦૦ એન્ટ્રી થાય તો રજા વિના પણ કામ પૂરૂ થતાં ઓછામાં ઓછા ૮૦૦ દિવસ લાગે

રાજકોટ, તા.૨૨: મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં જન્મ-મરણ નોંધણીની પેન્ડિંગ અરજીઓ અને અરજદારોને પડતી હાલાકી અંગે વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરે પૂછેલા પ્રશ્નના જવાબે નવી ચર્ચા જગાવી છે. આરોગ્ય અધિકારીના લેખિત જવાબમાં મરણની આશરે ચાર લાખ નોંધ હજુ કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (સીઆરએસ) પોર્ટલમાં તબદીલ કરવાની બાકી હોવાનું જણાવાયું છે. આટલી મોટી કામગીરી બાકી હોવા છતાં અરજદારોની હાલાકી અંગે સ્પષ્ટ સમયમર્યાદા આપવામાં આવી નથી, એવો આક્ષેપ વિપક્ષે કર્યો છે.
જવાબ મુજબ રાજકોટમાં જન્મની આશરે ૧૩.૫૦ લાખ નોંધ છે અને તે તમામ સીઆરએસ પોર્ટલમાં દાખલ થઈ ચૂકી છે. મરણની આશરે ૪.૩૫ લાખ નોંધ પૈકી ચાર લાખ નોંધ તબદીલ થવાની બાકી છે. બીજી તરફ, ઈ-ઓળખ પોર્ટલનો ૨૦૨૦થી ૨૦૨૫ સુધીનો જન્મ-મરણ સંબંધિત આશરે બે લાખ નોંધનો ડેટા સીઆરએસ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યો હોવાનું પણ જવાબમાં જણાવાયું છે.
દૈનિક આશરે ૪૫૦થી ૫૦૦ એન્ટ્રી થતી હોવાના આંકડા મુજબ, એક પણ દિવસની રજા વગર રોજ ૫૦૦ એન્ટ્રી થાય તોપણ વર્ષમાં વધુમાં વધુ ૧,૮૨,૫૦૦ નોંધ દાખલ થઈ શકે. એ ગતિએ બાકી ચાર લાખ નોંધ માટે ઓછામાં ઓછા ૮૦૦ દિવસ, એટલે કે બે વર્ષથી વધુ સમય લાગે. આ દરમિયાન નવી અરજીઓ પણ આવતી રહે છે. તેથી પેન્ડિંગ કામગીરી કયારે પૂર્ણ થશે અને અરજદારોને રાહત કયારે મળશે, તે સવાલ ઊભો થયો છે.
આરોગ્ય અધિકારીના જવાબ અનુસાર, જન્મ-મરણ શાખાની હાલની કામગીરી સીઆરએસ પોર્ટલ પર થાય છે. અગાઉ મહાપાલિકા દ્વારા વિકસાવાયેલા સોફ્ટવેરમાં અને ત્યારબાદ ૧ ઓક્ટોબર, ૨૦૨૦થી રાજ્ય સરકારના ઈ-ઓળખ પોર્ટલમાં નોંધણી થતી હતી. હોસ્પિટલમાં થતા જન્મ અને મરણની નોંધ સંબંધિત હોસ્પિટલ સીઆરએસ પોર્ટલમાં કરે છે. ઘરે થતા જન્મની નોંધ વાલીએ ઝોન કચેરીમાં અને મરણની નોંધ સગાએ નજીકના ફાયર બ્રિગેડ સ્ટેશનમાં કરાવવાની હોય છે.
અધિકારીએ હોસ્પિટલ તરફથી થતી જન્મ-મરણ નોંધની મંજૂરી માટે કોઈ અરજી પેન્ડિંગ ન હોવાનું જણાવ્યું છે. જોકે, જન્મની નોંધમાં નામ દાખલ કરવા માટે જૂની અને નવી મળીને આશરે ૧,૯૦૦ અરજીઓ તથા સીઆરએસ પોર્ટલમાં બાળકનું સંપૂર્ણ નામ દાખલ કરાવવા માટે આશરે ૩,૮૦૦ અરજીઓ પ્રક્રિયા હેઠળ છે. જવાબમાં જણાવાયું છે કે ૨૩ મે, ૨૦૨૬થી સુરક્ષાના કારણોસર પોર્ટલમાં મલ્ટિપલ લોગીનની સુવિધા બંધ થતાં એક કમ્પ્યુટર પર એક જ ઓપરેટર લોગીન થઈ શકે છે. પેન્ડિંગ અરજીઓના નિકાલ માટે કર્મચારીઓ મોડા સમય સુધી કામગીરી કરતા હોવાનું પણ જણાવાયું છે.
આધાર સંબંધિત પ્રક્રિયામાં કયુઆર કોડ વગરનાં જન્મ-મરણ પ્રમાણપત્રો સ્વીકારાતાં ન હોવાની ફરિયાદ વચ્ચે અરજદારોને પડતી મુશ્કેલીનો ઝડપી ઉકેલ લાવવા અને બાકી નોંધ તથા અરજીઓના નિકાલની સમયમર્યાદા જાહેર કરવાની માંગ ઊઠી છે.
(3:50 PM IST)










