<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

અલ્‍પેશ દોંગા ગેંગે વધુ ૧પ ખેડુતો સાથે છેતરપીંડી કરી

એસપી કચેરીએ અલ્‍પેશ દોંગાની ટોળકીની છેતરપીંડીનો ભોગ બનેલા અરજદારો ફરીયાદ કરવા માટે ઉમટયા : ૪૮૦૦ મહિલાનું લીસ્‍ટ મળ્‍યું છે તેમાં કોઇ છેતરપીંડીનો ભોગ બન્‍યું છે કે કેમ ? તે તપાસ ચાલુ છે : એસપી વિજયસિંહ ગુર્જર

રાજકોટ, તા., ર૮: સૌરાષ્‍ટ્ર સહિત ગુજરાતભરના ખેડુતોને લોનની લાલચ આપી છેતરપીંડીથી ખેતીની જમીનના દસ્‍તાવેજો કરાવી લેવાના કૌભાંડના મુખ્‍ય સુત્રધાર અલ્‍પેશ દોંગાને પડધરી પોલીસે ઝડપી લીધા બાદ અલ્‍પેશ દોંગાની ટોળકીનોે ભોગ બનેલ ખેડુતો અને અરજદારો ફરીયાદ કરવા આજે એસપી કચેરીએ ઉમટી પડયા હતા.

પડધરીના સરપદડ ગામના વેપારીને લોન આપી ખેતીની જમીનના સાટાખતને બદલે દસ્‍તાવેજ કરાવી લઇ અને બાદમાં આ દસ્‍તાવેજ રદ કરવાના બહાને  ૧.૦૭ કરોડની રકમ પડાવી લેવાના ગુન્‍હામાં અલ્‍પેશ દોંગાને રૂરલ પોલીસે ઝડપી લઇ તેના રાજકોટ અને અમદાવાદ સ્‍થિત કોલ સેન્‍ટર ઉપર દરોડા પાડતા અલ્‍પેશ દોંગાની ટોળકીએ લોનના બહાને સંખ્‍યાબંધ ખેડુતોને ફસાવ્‍યા હોવાનું થોકબંધ સાહિત્‍ય મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ અંગે રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્‍યું હતું કે, અલ્‍પેશ દોંગાને ત્‍યાંથી ર૪ દસ્‍તાવેજો  કબ્‍જે કરવામાં આવ્‍યા હતા. તે પૈકી ર૦ દસ્‍તાવેજોવાળી ૧ર૬ વિઘાની જમીનના કિસ્‍સામાં કોઇ સાથે છેતરપીંડી થઇ છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે. આજે અલ્‍પેશ દોંગાની ટોળકીના છેતરપીંડીનો ભોગ બનેલ  ૧પ થી વધુ ખેડુતો અને અરજદારો  એસપી કચેરીએ આવ્‍યા હતા. જેમાં  રાજકોટના-ર, જામનગરના-ર, તથા અન્‍ય ગામના ખેડુતો અને અરજદારોનો સમાવેશ થાય છે. આ તમામ પાસેથી દસ્‍તાવેજોની અને અન્‍ય સાહિત્‍યોની ચકાસણી થઇ રહી છે. તેમજ છેતરપીંડીનો ભોગ બનેલ તમામ લોકોના નિવેદનો લેવાઇ રહયા છે.  અલ્‍પેશ દોંગાની ટોળકીએ છેતરપીંડી કર્યાનું તપાસમાં ખુલશે તો એફઆઇઆર નોંધવાની તજવીજ હાથ ધરાશે. એસપી વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્‍યું હતું કે, અલ્‍પેશ દોંગાની ઓફીસમાંથી ૪૮૦૦ મહિલાનું લીસ્‍ટ મળ્‍યું છે તે તમામ મહિલાઓને ફોન કરી તેઓ છેતરપીંડીનો  ભોગ બન્‍યા છે કે કેમ? તે અંગે તપાસ ચાલી રહી છે. અલ્‍પેશ દોંગા વિરૂધ્‍ધ નોંધાયેલ ગુન્‍હામાં નીચલી કોર્ટના રિમાન્‍ડ  નામંજુર કરવાના હુકમ સાથે પોલીસે સેસન્‍સ કોર્ટમાં રીવીઝન ફાઇલ કરી છે. અલ્‍પેશ દોંગાની રિમાન્‍ડ મળ્‍યે વધુ કૌભાંડો ખુલે તેવી શકયતા છે. અલ્‍પેશ દોંગાની ટોળકીના છેતરપીંડીનો ભોગ બનેલ લોકો પોલીસ ફરીયાદ કરવા આવી શકે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્‍પેશ દોંગા અને તેની ટોળકી બાલાજી લોન, ગીતા ચેરીટેબલ ટ્રસ્‍ટ, અષ્‍ટલક્ષ્મી લોન હાઉસ તથા પટેલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટના નામે લોકોને લોનની લાલચ આપી છેતરપીંડી કરતા હોવાનું થોકબંધ સાહિત્‍ય મળી આવ્‍યું હતું.  કરોડોના આ કૌભાંડમાં સાતીર અલ્‍પેશ દોંગા કાનુની રીતે પોતે કયાંય ન ફસાઇ  તે રીતે કારસ્‍તાન કરતો હોવાનું ખુલતા આ પ્રકારના આર્થિક કૌભાંડની તપાસમાં માહીર  અધિકારીની ખાસ નિમણુંક કરવામાં આવી છે.  તેમજ અલ્‍પેશ દોંગાની ઓફીસમાંથી કબ્‍જે કરાયેલ મોબાઇલ અને કોમ્‍પ્‍યુટરની સાયબર એકસપર્ટ દ્વારા તપાસ ચાલી રહી છે. (૪

(2:59 PM IST)