<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

જિલ્લા પંચાયત માટે ખેંચતાણ વચ્‍ચે નામો પાર્લામેન્‍ટરી બોર્ડમાં રજુ : કોળી સમાજનો ખૂબ મજબૂત દાવો

દેવેન્‍દ્ર ઝાપડિયા, સામંત બાંભવા, સંજય પીપળિયાના નામ ચર્ચામાં : અર્જુન ખાટરિયાને મૂળ કોંગ્રેસી હોવાનો મુદ્દો નડતરરૂપ

રાજકોટ, તા ૧૪ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ નક્કી કરવા આજે જિલ્લાના અપેક્ષિત આગેવાનો નામોની પેનલ લઈ ગાંધીનગર ગયેલા ત્‍યાં પાર્લામેન્‍ટરી બોર્ડ સમક્ષ પેનલ રજૂ કરવામાં આવેલ. પદાધિકારીઓની ચૂંટણીની તારીખ કે નામો હજુ નક્કી થયા નથી. જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે અલગ અલગ તાલુકાઓની ભારે ખેંચતાણ વચ્‍ચે લાંબી ચર્ચા ચાલ્‍યાનોનું જાણવા મળે છે. બોર્ડે હાલ બધા નામો લઈ લીધા છે. પસંદગીનો નિર્ણય હવે પછી થશે.

જિલ્લા પંચાયતમાં ૧૧ સભ્‍યો તળપદા કોળી સમાજના અને એક સભ્‍ય ચુવાળિયા કોળી સમાજના ચૂંટાયા હોવાથી અને પ્રમુખ પદ બક્ષીપંચ અનામત હોવાથી આ પદ માટે કોળી સમાજનો દાવો સૌથી વધુ મજબૂત ગણાય છે . જસદણ પંથકના આગેવાનો દેવેન્‍દ્રભાઈ ઝાપડિયા ને પ્રમુખ બનાવવા આગ્રહી છે. વિકલ્‍પે અમરશીભાઈ ચૌહાણનું નામ છે .ગોંડલ પંથકના આગેવાનો કોલીથડથી ચૂંટાયેલા ભરવાડ સમાજના સામંતભાઇ બાંભવા નું નામ આપી રહ્યા છે અમુક આગેવાનો કુવાડવા બેઠકના સંજય પીપળીયાને પ્રમુખ પદ માટે આગળ કરી રહ્યા છે. આ ઉપરાંત દિલીપ સરવૈયાનું નામ પણ કયાંક ચર્ચામાં સાંભળવા મળે છે.

જિલ્લા પંચાયતમાં સિનિયોરીટી અને શિક્ષણની દ્રષ્ટિએ સૌથી મોખરે ગણાતા અર્જુન ખાટરિયાનું નામ બહુ ગાજયુ પરંતુ તેઓ ત્રણ વર્ષ પહેલાં જ કોંગ્રેસમાંથી આવ્‍યા હોવાના મુદ્દે પ્રમુખ પદમાં પદ માટે તેમનો દાવો ઢીલો પડ્‍યો છે . તેમની ટિકિટ પણ છેલ્લી ઘડીએ નક્કી થઈ હતી. માત્ર  એક મુદ્દો તેમના માટે અડચણરૂપ છે .જો કે નામ જાહેર ન થાય ત્‍યાં સુધી સંભવિત ઉમેદવાર તરીકે તેમનું નામ ચર્ચામાં રહેશે .જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ કોળી કે આહીર સમાજ કે ભરવાડ સમાજને અપાય તો કારોબારી અથવા ઉપપ્રમુખ પદ પાટીદાર સમાજને આપશે. જ્ઞાતિ આધારિત ગોઠવણ થઈ રહી છે.

(3:34 PM IST)