News of Monday, 29th June 2026
રેલનગરમાં સોમનાથ લોન્ડ્રી નામની દુકાનમાં અમિતભાઇ ચુડાસમા પર છરીથી હુમલો
આઠ મહિના પહેલા અમિતભાઇએ જેની સાથે મૈત્રી કરાર કર્યા તે મહિલાના દિકરાએ મનદુઃખ રાખી મિત્ર સાથે મળી હુમલો કર્યો

રાજકોટ તા. ૨૯: શહેરના રેલનગરમાં રહેતાં અને આ વિસ્તારમાં જ ધોબી કામની દુકાન ચલાવતાં યુવાન પર બે શખ્સોએ દુકાનમાં ઘુસી છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર માટે દાખલ કરાયા છે. આ યુવાને થોડા મહિના પહેલા જે મહિલા સાથે મૈત્રી કરાર કર્યા છે તે મહિલાના પુત્રએ ખાર રાખી મિત્ર સાથે મળી આ હુમલો કર્યાનું ખુલ્યું હતું.જાવણા મળ્યા મુજબ રેલનગર મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપમાં રહેતાં અમિતભાઇ મુળજીભાઇ ચુડાસમા (ઉ.વ.૪૦)ને બપોરે રેલનગર વેકરીયા ચોકમાં પોતાની સોમનાથ લોન્ડ્રી નામની દુકાને હતાં ત્યારે હેમાંશુ વાઘેલા અને તેની સાથેના મિત્ર પાજીએ સાથે મળી છરીથી હુમલો કરી છાતી, ખભાના ભાગે ઘા મારી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. અમિતભાઇ બે ભાઇમાં નાના છે. આઠ મહિના પહેલા તેણે ચંદ્રીકાબેન નામના નર્સિંગનું કામ કરતાં મહિલા સાથે મૈત્રી કરાર કર્યા છે. આ કરાર કર્યા તે ચંદ્રીકાબેનના દિકરા હેમાંશુ વાઘેલાને પસંદ ન હોઇ આ કારણે ખાર રાખી પોતાના મિત્ર સાથે મળી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(3:36 PM IST)










