News of Tuesday, 21st April 2026
લેઉવા પાટીદાર સમાજના સક્ષમ નેતૃત્વને ખતમ કરવાનો કારસો
જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ચંદુભાઇ શિંગાળાએ ‘‘સમાજ જોગ સંદેશ'' જારી કરી મચાવી સનસનાટી : છેલ્લા ૨૫ વર્ષથી સમાજના દિગ્ગજોઃ કદ પ્રમાણે વેતરી નખાયાઃ સત્તાધારી પક્ષ સમાજ સાથે ગંદી રાજનીતિ રમતો હોવાનો આરોપ

રાજકોટઃ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી ચંદુભાઈ શીંગાળા(મો. ૭૨૬૫૦ ૧૧૦૦૦)એ ‘સમાજ જોગ સંદેશ' જારી કરીને સત્તાધારી પક્ષ દ્વારા લેઉવા પાટીદાર સમાજના સક્ષમ નેતૃત્વને ખતમ કરવાનો અને અવગણના કરવાનો આક્ષેપ લગાવ્યો છે. છેલ્લા ૨૫ વર્ષથી સમાજના દિગ્ગજ નેતાઓને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરી, તેમણે સમાજને જાગૃત થઈને અન્ય પક્ષોના સક્ષમ પાટીદાર ઉમેદવારોને જીતાડવા અપીલ કરી છે. આ જાગૃતિ સંદેશ આશરે ૨૦૦૦ પરિવારો સુધી પહોંચાડવામાં આવ્યો છે અને ૭૦૦ જેટલા ટેલિફોનિક સંપર્ક પણ કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વર્તમાન રાજકીય માહોલ વચ્ચે રાજકોટના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સંત ભોજલરામ સ્મારક ટ્રસ્ટ સંચાલિત 'ધરતી પુત્ર' માસિકના પ્રણેતા અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી ચંદુભાઈ શિગાળા (શિગાળા ચંદુલાલ મોહનભાઈ) દ્વારા એક ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં તેમણે વર્તમાન સત્તાધારી પાર્ટી પર આક્ષેપ કર્યો છે કે પક્ષે સમાજના સર્વ સ્વીકૃત આગેવાનોની અવગણના કરી છે અને માનીતા લોકોને તેમજ ડમી કાર્યકરોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
લેઉવા પાટીદાર નેતાઓની અવગણનાનો આક્ષેપઃ ચંદુભાઈ શિગાળાએ ‘વિચારો, ચિતન કરો, સત્યતા તપાસો, નિર્ણય કરો' શીર્ષક હેઠળ જણાવ્યું છે કે છેલ્લા ૨૫ વર્ષથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લેઉવા પટેલોનું રાજકીય અસ્તિત્વ જોખમમાં છે. સત્તાધારી પક્ષ દ્વારા લેઉવા પાટીદારોનું સમાજ સ્વીકૃત નેતૃત્વ ઊભું થવા દેવામાં આવતું નથી અને માત્ર હાજરી બતાવવા ગંદી રાજનીતિ રમાઈ રહી છે.
દિગ્ગજ નેતાઓને અન્યાય થયાના ઉદાહરણ આપ્યાઃ તેમના પત્રમાં તેમણે સ્પષ્ટ નામો સાથે જણાવ્યું છે કે સત્તા પક્ષે અનેક દિગ્ગજોને વેતરી નાખ્યા છે, જેમાં નીચેના નેતાઓનો સમાવેશ થાય છે
૧. શ્રી કેશુભાઈ પટેલ (હરિત ક્રાંતિના પ્રણેતા)
૨. શ્રી શિવલાલભાઈ વેકરીયા (ખેડૂત યોદ્ધા અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં ભાજપને સ્વીકૃતિ અપાવનાર)
૩. શ્રી ડો. વલ્લભભાઈ કથીરીયા (ખ્યાતનામ ડોક્ટર અને ગૌસેવક)
૪. શ્રી ગોવિદભાઈ પટેલ (પારકી છઠ્ઠીના જાગતલ આગેવાન)
૫. શ્રી નીતિનભાઈ પટેલ (મુખ્યમંત્રી પદના અધિકારી)
૬. શ્રી આનંદીબેન પટેલ (ગુજરાતમાં મજબૂત વહીવટીતંત્ર આપનાર)
આ ઉપરાંત અન્યાય અને અવગણનાનો ભોગ બનનાર અન્ય નેતાઓમાં શ્રી ચંદ્રેશ પટેલ (જામનગર), શ્રી ગૌતમભાઈ તાળા, શ્રી વસોયા સાહેબ, શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા, શ્રી રાઘવજીભાઈ પટેલ અને વર્તમાન રાજકારણમાં શ્રી જયેશભાઈ રાદડિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સમાજને જાગૃત કરવા ૨૦૦૦ પરિવારોનો સંપર્કઃ પત્રમાં નોંધવામાં આવ્યું છે કે ૨૦૦૨નું પટેલ ઉત્કર્ષ સમિતિ આંદોલન હોય, ૨૦૦૭ની ગુજરાત પરિવર્તન પાર્ટીનું વાવાઝોડું હોય કે ૨૦૧૨નું પાટીદાર અનામત આંદોલન હોય, લેઉવા પાટીદાર સમાજે હંમેશા સત્તાધારી પાર્ટી સાથે વફાદારી નિભાવી છે છતાં તેમની સતત અવગણના થઈ રહી છે. સમાજને જાગૃત કરવા માટે આ સંદેશ આશરે ૨૦૦૦ પરિવારોને પહોંચાડવામાં આવ્યો છે અને લગભગ ૭૦૦ જેટલા ટેલિફોનિક સંપર્ક પણ કરવામાં આવ્યા છે.
આ અપીલ કરનાર ચંદુભાઈ શિગાળા ભૂતકાળમાં ભાજપમાં અનેક પદો ધરાવી ચૂક્યા છે, જેની યાદી તેમણે પત્રમાં દર્શાવી છેઃ
૧. શહેર ભાજપ મંત્રી (રાજકોટ) - ૧૯૮૫
૨. શહેર યુવા મોરચા પ્રમુખ - ૧૯૮૭
૩. શહેર ઝોન પ્રભારી - ૧૯૯૦
૪. પ્રદેશ મંત્રી યુવા મોરચો (ગુજરાત) - ૧૯૯૧
૫. જિલ્લા ભાજપ મહામંત્રી - ૧૯૯૩
૬. મંત્રી, સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિ
૭. મંત્રી, ગુંડાગીરી નાબુદી સમિતિ (સૌરાષ્ટ્ર)
૮. જિલ્લા ભાજપ મહામંત્રી - ૨૦૦૫ થી ૨૦૧૦
૯. ડિરેક્ટર, નશાબંધી બોર્ડ - ૨૦૧૨
૧૦. જિલ્લા પંચાયત સદસ્ય - ૨૦૧૫
૧૧. પ્રમુખ, સંત ભોજલરામ સ્મારક ટ્રસ્ટ
૧૨. સ્થાપક, જય સરદાર યુવા ગ્રુપ (રાજકોટ)
અંતમાં તેમણે નમ્ર વિનંતી સાથે અપીલ કરી છે કે જો લોકોને આ વાતમાં સત્યતા જણાતી હોય તો આ સંદેશને પોતાના સગા-સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં આગળ મોકલે.
જ્યાં લેઉવા પટેલોના સક્ષમ લોકોને ઉપેક્ષિત ગણવામાં આવ્યા છે ત્યાં અન્ય પક્ષોના સમાજના તાકાતવાળા આગેવાનોને ખંભા પર બેસાડી વિજયી બનાવી સત્તાધારી પક્ષને દિશાભાન કરાવવું જોઈએ તેવી હાકલ કરવામાં આવી છે.
(3:32 PM IST)










