News of Tuesday, 17th November 2026
ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરીમાં આઠ વર્ષની બાળાને નશાખોર પિતાએ ફટકારી
ગીતાબેને કહ્યું-પતિ કંઇ કમાતો નથી, દારૂ પીધા કરે છેઃ નશાની હાલતમાં દિકરીને ગામડે લઇ જવાની વાત કરતો હોઇ ના પાડતાં મારામારી કરી ભાગી ગયો

રાજકોટ તા. ૧૭: કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી મફતીયાપરામાં રહેતી આઠ વર્ષની બાળકીને રાતે અગીયારેક વાગ્યે પિતાને દારૂના નશાની હાલતમાં મારકુટ કરી ગળાચીપ આપી છાતી પર કોણીથી ઘા ફટકારતાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ લાલપરીમાં રહેતી વંશીકા મેઘજીભાઇ મકવાણા (ઉ.વ.૮)ને રાતે અગીયારેક વાગ્યે પિતાને મારકુટ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. વંશીકા એક ભાઇથી નાની છે. તેના માતા ગીતાબેને જણાવ્યું હતું કે-મારો પતિ મેઘજી કોઇ કામધંધો કરતો નથી, દારૂ પી ખેલ કર્યા રાખે છે. ઘરનું ગુજરાન ચલાવવા મારે મજૂરી કરવા જવું પડે છે.
રાતે અગીયારેક વાગ્યે પતિ મેઘજી દારૂ પીને આવ્યો હતો અને દિકરીને સાથે લઇ સાલખડા ગામે વતનમાં જવુ છે તેમ કહી દિકરીને લઇને ચાલતો થતો હોઇ તે નશામાં હોઇ જેથી મેં તેને અટકાવતાં અને દિકરીએ પણ સાથે જવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને દિકરીને મારકુટ કરવા માંડયો હતો. તેણીને ગળાચીપ આપી છાતી પર કોણીના ઘા ફટકાર્યા હતાં. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં દિકરીને છોડાવી હતી. આ પછી તે ભાગી ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
(11:36 AM IST)










