તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
‘નેતા અને કાર્યકર્તા વચ્ચેની દીવાલ તોડી નાખતો પ્રસંગ’ : નરેન્દ્ર મોદી ફેન ક્લબના સ્થાપના દિવસે પૂર્વ સંસ્મરણો વાગોળાતા પ્રમુખ ખુરશીદ સુમા
સુજલામ પ્રોજેક્ટ અંગે કોંગ્રેસના ધરણા સમયે બનેલી ઘટનાથી લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની અવિસ્મરણીય મુલાકાત અને તેમના કમિટમેન્ટનો રોચક અનુભવ વર્ણવાયો

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને ૧૭ સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ સ્થપાયેલી 'નરેન્દ્ર મોદી ફેન ક્લબ'ના સ્થાપના દિવસ નિમિત્તે ક્લબના પ્રમુખ ખુરશીદ અલ્તાફભાઈ સુમા દ્વારા વડાપ્રધાન સાથેની પોતાની અવિસ્મરણીય મુલાકાત અને તેમના અદ્ભુત કમિટમેન્ટનો એક પ્રેરણાદાયી પ્રસંગ વાગોળવામાં આવ્યો હતો. નાનામાં નાના કાર્યકર્તા પ્રત્યે નેતાનો લગાવ કેવો હોય અને નેતા તથા કાર્યકર્તા વચ્ચેની દીવાલ કેવી રીતે તૂટે તેનો આ પ્રસંગ ઉત્કૃષ્ટ નમૂનો છે.
સુજલામ યોજના વિરોધ અને પોલીસ અટકાયત:
વર્ષ ૨૦૦૭ની ઘટનાનો ઉલ્લેખ કરતા ખુરશીદ સુમાએ જણાવ્યું હતું કે, તે સમયે કોંગ્રેસ દ્વારા સચિવાલય ખાતે સુજલામ યોજનામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે ધરણાં યોજવામાં આવ્યા હતા. આ સમયે નરેન્દ્ર મોદી ફેન ક્લબ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે મહાત્મા ગાંધી છાવણી પાસે જઈને કોંગ્રેસના લોકોને ગુલાબનું ફૂલ આપીને કહેવું કે, જો કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તો તેના પુરાવા આપે, જેથી તેઓ પોતે નરેન્દ્રભાઈ મોદી પાસે રૂબરૂ જઈને રજૂઆત કરી શકે. જોકે, ગાંધીનગર સચિવાલય પાસે જેવા તેઓ નરેન્દ્ર મોદી ફેન ક્લબનું બેનર ખોલવા ગયા કે તુરંત પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.
પ્રદેશ કાર્યાલય ખાતે રૂપાલાજી સાથે મુલાકાત:
પોલીસ અટકાયતમાંથી મુક્ત થયા બાદ તેઓ સીધા કર્નાવતી (અમદાવાદ) ખાનપુર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. તે સમયે મંગળવાર હોવાથી તત્કાલીન પ્રદેશ પ્રમુખ પરસોત્તમ રૂપાલા કાર્યકર્તાઓને મળી રહ્યા હતા. ખુરશીદ સુમાએ રૂપાલાજીને આખી ઘટના વર્ણવીને નરેન્દ્રભાઈ મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રૂપાલાજીએ તુરંત જ નરેન્દ્રભાઈ મોદીને કોલ કરીને સમગ્ર ઘટના અંગે માહિતગાર કર્યા હતા. નરેન્દ્રભાઈ મોદીએ તુરંત પૂછપરછ કરી હતી કે "તેને કંઈ થયું નથી ને? કાંઈ લાગ્યું નથી ને?" અને બીજા દિવસે ગાંધીનગર કોબા પાસે આવેલા ઉમિયાધામ ખાતે યોજનાર બેઠકમાં તેમને બોલાવી લેવા જણાવ્યું હતું. પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ પાસેથી પરિપત્ર મેળવી બીજા દિવસે બપોરે ૩ વાગ્યે પહોંચવાનું નક્કી થયું હતું.
ઉમિયાધામ ખાતેની ખાસ બેઠક અને મુલાકાત:
બીજા દિવસે ઉમિયાધામ ખાતે રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન અંગે ગુજરાતના તમામ ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશ નેતાઓની ખાસ બેઠક હતી. ખુરશીદ સુમા સમયસર બપોરે ૩ વાગ્યે પહોંચી અંદર બેસી ગયા હતા. કાર્યક્રમ દરમિયાન માઈક પરથી જાહેરાત થઈ કે ધારાસભ્યો અને સાંસદો સિવાયના તમામ લોકો બહાર બેસે, જેથી તેઓ પણ બહાર આવી ગયા હતા અને મનમાં પ્રશ્ન થયો હતો કે હવે કદાચ નરેન્દ્રભાઈ મળશે નહીં.
મીટિંગ પૂર્ણ થયા બાદ તેઓ નીકળવાની તૈયારીમાં હતા ત્યાં જ પરસોત્તમ રૂપાલાનો ફોન આવ્યો કે "જલ્દી અંદર આવ, નરેન્દ્રભાઈને જમવાનું બાકી છે અને તેઓ તારી રાહ જુએ છે."
ટેકનોલોજીનો ઉપયોગ અને કાર્યકર્તા પ્રત્યેનો પ્રેમ:
ખુરશીદ સુમા સ્ટેજ પર પહોંચ્યા ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ તેમના પિતા અલ્તાફભાઈના ખબર-અંતર પૂછ્યા હતા અને રાજકોટની ચૂંટણી વખતે સંકળાયેલી વાતો વાગોળી હતી. ત્યારબાદ જ્યારે ફેન ક્લબ દ્વારા કરાયેલા કાર્યક્રમની વિગતો ધરાવતા બે પેજ આપ્યા, ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ તેમની સામે જ તે આખા બે પેજ વાંચીને પરત આપ્યા હતા અને પોતાના ડિજિટલ ગેજેટમાંથી તે તમામ કાર્યક્રમોની વિગતો તથા ફોટોગ્રાફ્સ બતાવીને કહ્યું હતું કે "આ બધી વિગતો મારી પાસે પહેલેથી જ છે." તે જમાનામાં કેમેરાવાળા મોબાઈલ પણ સામાન્ય ન હતા ત્યારે નરેન્દ્રભાઈ પાસે કાર્યકર્તાઓની પ્રવૃત્તિઓનો અદ્યતન ડેટા ઉપલબ્ધ હતો.
આ મુલાકાત દરમિયાન સાથે ભોજન લીધા બાદ નરેન્દ્રભાઈ મોદીએ પોતાની ડાયરીમાં પણ નોંધ કરી રાખી હતી કે આજે 'ખુરશીદને મળવાનું છે'. વિશ્વભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે બોલબાલા છે તેની પાછળ તેમનું આ ચોક્કસ કમિટમેન્ટ, સમય પાલન અને કાર્યકર્તાઓ પ્રત્યેનો અથાહ પ્રેમ જવાબદાર હોવાનું ખુરશીદ સુમાએ ઉમેર્યું હતું.
(2:10 PM IST)










