<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

આંગણવાડી કેન્‍દ્રઃ જયાં બાળપણ છે કેન્‍દ્રસ્‍થાનેઃ ર૩૩૪ ભુલકાઓનું રજીસ્‍ટ્રેશન

૩ થી ૬ વર્ષના બાળકોની શિક્ષણ, પૌષ્‍ટીક આહાર, આરોગ્‍ય ચકાસણી કરવામાં આવે છે : વાલીઓને નજીકની આંગણવાડી ખાતે બાળકોની નોંધણી કરાવવા મનપાનો અનુરોધ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા શહેરના ૦-૬ વર્ષનાં બાળકોના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્‍યને ધ્‍યાનમાં રાખી આંગણવાડી કેન્‍દ્રોમાં બાળકોની વધુમાં વધુ નોંધણી થાય તે માટે વ્‍યાપક પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આંગણવાડી કેન્‍દ્રોમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર, આરોગ્‍ય ચકાસણી તેમજ રમતાં-રમતાં શૈક્ષણિક વિકાસ જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે. બાળપણથી જ યોગ્‍ય સંસ્‍કાર, શિક્ષણ અને આરોગ્‍યપ્રદ વિકાસ પ્રાપ્ત થાય તે માટે આંગણવાડી કેન્‍દ્રો મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો માતા યશોદા જેવી લાગણી અને મમતા સાથે બાળકોની સંપૂર્ણ સંભાળ રાખી તેમના આરોગ્‍ય, પોષણ, શિક્ષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમજ સર્વાંગી વિકાસ પર સતત ધ્‍યાન આપે છે. બાળકોમાં સારા સંસ્‍કાર, સ્‍વચ્‍છતા અને સામાજિક વિકાસ માટે બાળકોના વાલીઓને પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વાલીઓને અપીલ કરાઈ છે કે પોતાના ૩ થી ૬ વર્ષના બાળકોની નજીકની આંગણવાડી ખાતે વહેલી તકે નોંધણી કરાવી બાળકોના સારા આરોગ્‍ય, શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્‍ય માટે સહભાગી બને. તારીખ ૨૨ થી ૨૫ સુધીમાં ૨૩૩૪ નવા બાળકોનું રજીસ્‍ટ્રેશન થયેલ છે. વધુ માહિતી માટે નજીકના આંગણવાડી કેન્‍દ્ર અથવા રાજકોટ મહાનગરપાલિકાનો સંપર્ક કરવા જણાવાયું છે

(3:07 PM IST)