તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
મારવાડી કોલેજમાં વધુ એક છાત્રનો ચોથા માળેથી કૂદી આપઘાત
મુળ આંધ્રપ્રદેશનો વતનીઃ કોમ્પ્યુટરમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતોઃ સવારે અભ્યાસ માટે આવ્યા બાદ પગલુ ભર્યુ : ૧૯ વર્ષના ગંદામ હેમંત જીસીતારામ પ્રસાદની આત્મહત્યાનું કારણ શોધવા કુવાડવા પોલીસે તપાસ શરૂ કરીઃ છ દિવસમાં સતત બીજી આવી ઘટનાથી છાત્રોમાં અને કેમ્પસમાં અરેરાટીઃ ડે. રજીસ્ટ્રાર નિખીશ વર્ગીસે કહ્યું-આપઘાત કરનાર ભણવામાં ખુબ હોંશીયાર હતો : છ દિવસ પહેલા પણ આંધ્રપ્રદેશની ૧૯ વર્ષિય સોૈબર્નીકાએ હોસ્ટેલમાં દસમા માળેથી કૂદી જીવ દીધો હતોઃ એ ઘટનામાં કારણ બહાર આવ્યું નથી ત્યાં આંધ્રપ્રદેશના જ ૧૯ વર્ષના વિદ્યાર્થીએ મોત મેળવી લીધું

મારવાડી કોલેજના બિલ્ડીંગમાં જ્યાં ઘટના બની તે દ્રશ્ય જોઇ શકાય છે. ગવરીદડથી જીજ્ઞેશ પ્રજાપતિએ ઘટના સ્થળની તસ્વીર મોકલી હતી, ઇન્સેટ તસ્વીર આપઘાત કરનારા વિદ્યાર્થીની છે
રાજકોટ તા. ૨૫: મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ છ દિવસમાં આપઘાતની આજે બીજી ઘટના બનતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ગયા શનિવારે આંધપ્રદેશની ૧૯ વર્ષની છાત્રાએ હોસ્ટેલના દસમા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. કોમ્પ્યુટર એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતી એ છાત્રાના આપઘાતું કારણ હજુ બહાર આવ્યું નથી ત્યાં આજે આંધ્રપ્રદેશના જ ૧૯ વર્ષના એક વિદ્યાર્થીએ કોલેજ બિલ્ડીંગના ચોથા માળેથી કૂદીને મોત મેળવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ છાત્ર પણ આંધ્રપ્રદેશનો જ વતની હતો અને કોમ્પ્યુટર એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળ્યા મુજબ મારવાડી કોલેજના બિલ્ડીંગમાં ચોથા માળેથી સવારે એક વિદ્યાર્થીએ પડતું મુકતાં દેકારો મચી ગયો હતો. બનાવની જાણ થતાં સિક્યુરીટી સ્ટાફ અને બીજા કર્મચારીઓ દોડી ગયા હતાં. ૧૦૮ને જાણ થતાં ગાડી પહોંચી હતી. તેના તબિબે આ છાત્રને મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મોટી સંખ્યામાં છાત્રો, કર્મચારીઓ ભેગા થઇ ગયા હતાં. મારવાડી યુનિવર્સિટીના એક્ઝીક્યુટીવ રજીસ્ટ્રાર નિબીશ વર્ગીસ સહિતના પણ પહોંચ્યા હતાં. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના સંજયભાઇ કુમારખાણીયા, મેહુલસિંહ સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનાર વિદ્યાર્થીનું નામ ગંદામ હેમંત જીસીતારામ પ્રસાદ (ઉ.વ.૧૯) હોવાનું અને તે આંધ્રપ્રદેશના વિજયવાડાનો વતની હોવાનું જણાવાયું હતું. તે મારવાડી કોલેજમાં હોસ્ટેલમાં રહેતો હતો અને અને કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સવારે તે નિત્યક્રમ મુજબ અભ્યાસ કરવા કોલેજ બિલ્ડીંગમાં આવ્યો હતો. બાદમાં ચોથા માળેથી છલાંગ લગાવી દીધી હતી. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. આ બનાવથી મારવાડી કેમ્પસમાં અરેરાટી વ્યાપી ગઇ છ.ે
ઉલ્લેખનીય છે કે ગયા શનીવારે ૧૯મીએ સવારે હોસ્ટેલમાં રહેતી મુળ આંધ્રપ્રદેશની સોૈબર્નીકા વ્યંકટેશ અલ્લા (ઉ.વ. ૧૯) નામની છાત્રાએ હોસ્ટેલમાં એ-વિંગ૧૦મા માળે જઇ છલાંગ લગાવી દેઇ આપઘાત કરી લીધો હતો. આ છાત્રા પણ કોમ્પ્યુટર એન્જિનીયરીંગ એઆઇમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને માતા પિતાની એકની એક દિકરી હતી. એ ઘટનામાં પણ કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. તેમજ તપાસ શરૂ હતી. જો કે છ દિવસ પછી પણ તેણીના આપઘાતનું કોઇ કારણ બહાર ન આવ્યું નહોતું. ત્યાં આજે બીજી એક ઘટનામાં આંધ્રપ્રદેશના જ વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
મારવાડી યુનિવર્સિટીના એક્ઝીક્યુટીવ રજીસ્ટ્રાર નિબીશ વર્ગીસએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થી ભણવામાં ખુબ હોશીયાર હતો, તેને એકપણ બેકલોગ નહોતો. અમે છાત્રોને કોઇપણ તકલીફ હોય તો તુરંત અમારો સંપર્ક કરવા માટે ઇમર્જન્સી નંબર આપેલા છે. આ કિસ્સામાં આપઘાતનું કારણ હવે પોલીસ તપાસ પછી બહાર આવશે.
(2:39 PM IST)










