તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 4th November 2026
ચેક રિટર્ન કેસમાં આરોપીને થયેલ એક વર્ષની સજાના હુકમને અપીલ કોર્ટની બહાલી

રાજકોટ, તા.૪: ચેક રિટર્નના કેસમાં રાજકોટની સેશન્સ અદાલતે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપીને ટ્રાયલ કોર્ટ દ્વારા આરોપીને ફટકારવામાં આવેલી એક વર્ષની સાદી કેદની સજા યથાવત રાખી છે. આરોપી દ્વારા કરવામાં આવેલી ક્રિમિનલ અપીલ ફગાવી દેતાં અદાલતે ચેક બાઉન્સના કેસમાં ફરિયાદી પક્ષની દલીલો અને પુરાવાઓને માન્ય રાખ્યા છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટ અને મોરબી પંથકના આર.ટી.ઓ. એજન્ટો વચ્ચે આર્થિક વ્યવહારો સંબંધી સંબંધો હતા. જેમાં આરોપી સંજય શાંતિલાલ ધુળકોટિયા (રહે.ટંકારાં, મોરબી) ને નાણાંની જરૂરિયાત ભી થતાં ફરિયાદી રાજકોટના રાજેશભાઈ બાબુભાઈ સાકરીયા પાસેથી રૂ.૧.૫૦ લાખની રોકડ રકમ મેળવી હતી. આ રકમ પરત ચૂકવવા આરોપીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ટંકારા શાખાનો રૂ.દોઢ લાખનો ચેક આપ્યો હતો. જો કે, ફરિયાદીએ ચેક બેંકમાં રજૂ કરતાં અપૂરતા ભંડોળ (ઇનસફિશિયન્ટ ફંડ્સ)ના શેરા સાથે પરત ફર્યો હતો.
જે અંગે કાયદેસરની નોટિસ આપવા છતાં રકમ નહીં ચૂકવાતાં ફરિયાદીએ રાજકોટની સ્પેશિયલ એન.આઈ. એક્ટ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફોજદારી કેસ દાખલ કર્યો હતો. ટ્રાયલ કોર્ટે તા.૧૫-૪- ૨૦૨૩ના રોજ આરોપીને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા રૂ.૧.૫૦ લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.
ટ્રાયલ કોર્ટના આ ચુકાદા સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં ક્રિમિનલ અપીલ કરી હતી. તેમાં ફરિયાદી પક્ષે એડવોકેટ સંદીપ એન. સતાણીની દલીલો અને પુરાવાઓ ધ્યાને લઈ અદાલતે અપીલ ફગાવી ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત્ રાખ્યો હતો. આરોપી હાજર ન હોવાથી સજા અમલ માટે વોરંટ ઇશ્યૂ કરવાનો પણ હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ સંદીપ એન. સતાણી તથા તેમના આસિસ્ટન્ટ ઉર્વિશા પાનસુરિયાએ રજૂઆત કરી હતી.
સંદીપ સતાણી એડવોકેટ
(2:01 PM IST)










