<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

શહેરના રસ્‍તાઓની બદલાશે સૂરત :રૂ.૧૭૦ કરોડના ડામર કામોને લીલીઝંડી

લાભપાંચમથી શહેરના તમામ ૧૮ વોર્ડમાં ડામર રોડના કામનો ધમધમાટ શરૂ થશે નેહલ શુકલ અને પરેશ પીપળીયા : સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં ચાર એજન્‍સીઓના કોન્‍ટ્રાકટ મંજુરઃ ડામરની ભાવવધારા સામે સરકારની ગાઇડલાઇન મુજબ ભાવફેર અપાશે

રાજકોટ,તા.૬: શહેરના રસ્‍તાઓની કાયાપલટ કરવા માટે મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે. શહેરના મુખ્‍ય માર્ગોની સાથે રહેણાંક વિસ્‍તારોના રસ્‍તાઓને નવા ડામરથી મઢવા માટે આજે મળેલી સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં રૂ. ૧૭૦ કરોડથી વધુના ડામર રોડના કામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. લાભપાંચમના શુભ દિવસથી શહેરના તમામ ૧૮ વોર્ડમાં રસ્‍તાઓના કામનો ધમધમાટ શરૂ કરવામાં આવશે. આ નિર્ણયથી શહેરના વિવિધ વિસ્‍તારોમાં લાંબા સમયથી નવા રસ્‍તાઓની રાહ જોતા નાગરિકોને રાહત મળવાની આશા જાગી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્‍તાઓને વધુ સુવિધાસભર બનાવવા માટે વિશાળ આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે. ખાસ કરીને રહેણાંક વિસ્‍તારો, સોસાયટીઓ અને આંતરિક માર્ગોને પ્રાથમિકતા આપી નવા ડામર રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. સ્‍ટેન્‍ડિંગ કમિટીએ એકસાથે રૂ. ૧૭૦ કરોડથી વધુના કામોને મંજૂરી આપતાં હવે રસ્‍તાઓના નવીનીકરણનો માર્ગ મોકળો થયો છે.

આ મેયર નેહલ શુકલ અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્‍યું હતું કે, શહેરના તમામ ૧૮ વોર્ડમાં ડામર રોડના કામો હાથ ધરવામાં આવશે. લાભપાંચમથી કામગીરી શરૂ કરી રહેણાંક વિસ્‍તારોના રસ્‍તાઓને નવા ડામરથી મઢવામાં આવશે. નાગરિકોને સારા અને સુવિધાજનક રસ્‍તાઓ ઉપલબ્‍ધ કરાવવાનો મહાનગરપાલિકાનો પ્રયાસ છે.

શહેરમાં રસ્‍તાઓની સુવિધા વધુ મજબૂત બનાવવા માટે તમામ ૧૮ વોર્ડને આવરી લેવાનો નિર્ણય કરાયો છે. ખાસ કરીને નવા વિકસેલા વિસ્‍તારો અને રહેણાંક સોસાયટીઓના રસ્‍તાઓને પણ ડામરથી મઢવામાં આવશે. આથી માત્ર મુખ્‍ય માર્ગો જ નહીં, પરંતુ આંતરિક રસ્‍તાઓની પણ કાયાપલટ થશે તેવો આશાવાદ વ્‍યકત કરવામાં આવ્‍યો છે.

છેલ્લા કેટલાક સમયથી ડામરના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે રસ્‍તાની કામગીરીમાં કોઈ અવરોધ ઊભો ન થાય તે માટે રાજ્‍ય સરકારની માર્ગદર્શિકા મુજબ કોન્‍ટ્રાક્‍ટર એજન્‍સીઓને ભાવફેર આપવાની જોગવાઈ રાખવામાં આવી છે. ભાવવધારાના કારણે કામ અટકી ન પડે તે માટે અગાઉથી જ જરૂરી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હોવાનું મેયર અને ચેરમેને જણાવ્‍યું હતું.

ડામરકામ માટે આરસીસી, ક્‍લાસિક કન્‍સ્‍ટ્રક્‍શન, મારુતિ નંદન કન્‍સ્‍ટ્રક્‍શન અને પવન કન્‍સ્‍ટ્રક્‍શન સહિત ચાર એજન્‍સીઓને કામગીરી સોંપવામાં આવી છે. ત્રણેય ઝોનમાં એકસાથે કામ શરૂ કરીને શકય તેટલી ઝડપથી રસ્‍તાઓ તૈયાર કરવા આયોજન કરવામાં આવ્‍યું છે.

બીજી તરફ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા રસ્‍તાના કામોમાં સિમેન્‍ટ રોડને પ્રાધાન્‍ય આપવા સૂચન કરવામાં આવ્‍યું છે. જોકે, મહાનગરપાલિકામાં સિમેન્‍ટ રોડ માટેની નવી નીતિ હજુ અમલમાં આવી નથી. પરિણામે હાલ ડામર રોડના કામોને જ આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

મંડપ સર્વિસના ટેન્‍ડરમાં ૪૫ ટકા નીચા ભાવઃ રેઈટ કોન્‍ટ્રાક્‍ટમાં મોટો ફેરફાર

જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચ વિવાદ બાદ મંડપના કોન્‍ટ્રાક્‍ટમાં નવા ભાવથી ચર્ચાઃ ઉમિયાજી મંડપ ડેકોરેશનનું ડાઉન ટેન્‍ડર મંજૂર

રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ કાર્યક્રમો અને કામગીરી માટે મંડપ સર્વિસના ખર્ચનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્‍યો છે. જંગલેશ્વર ડિમોલિશનની કામગીરી દરમિયાન મંડપ સહિતના ખર્ચને લઈને સર્જાયેલા વિવાદ બાદ હવે નવા રેઈટ કોન્‍ટ્રાક્‍ટમાં નોંધપાત્ર નીચા ભાવ આવ્‍યા છે.

મહાનગરપાલિકાના વિવિધ કામો માટે મંડપ સર્વિસનો દ્વિવાર્ષિક રેઈટ કોન્‍ટ્રાક્‍ટ કરવા ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉમિયાજી મંડપ ડેકોરેશને નિયત એસઓઆર કરતાં ૪૫ ટકા નીચા ભાવે કામગીરી કરવાની તૈયારી દર્શાવી છે. સ્‍ટેન્‍ડિંગ કમિટીએ વાર્ષિક રૂ. ૪.૫૦ કરોડની ખર્ચમર્યાદામાં કોન્‍ટ્રાક્‍ટ મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. અગાઉના રેઈટ કોન્‍ટ્રાક્‍ટ અને ખર્ચને લઈને ઊઠેલા સવાલો વચ્‍ચે નવા ટેન્‍ડરમાં ૪૫ ટકા નીચા ભાવ આવતાં મહાપાલિકાના મંડપ ખર્ચનો મુદ્દો ફરી ચર્ચાના કેન્‍દ્રમાં આવ્‍યો છે. અગાઉ ઊંચા ભાવે થતી કામગીરી હવે ૪૫ ટકા નીચા ભાવે કેવી રીતે શકય બની? તે સવાલ પણ મહાનગરપાલિકાના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.

 સિમેન્‍ટ રોડને હાલ બ્રેક, ડામર રોડને ગ્રીન સિગ્નલ!

રાજકોટ મહાનગરપાલિકાએ હાલ સિમેન્‍ટ રોડ માટે કોઈ નવી નીતિ અમલમાં નહીં મૂકવાનો નિર્ણય કર્યો છે. મેયર અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેને સ્‍પષ્ટ કર્યું છે કે, અત્‍યારે શહેરના ૧૮ વોર્ડમાં ડામર રોડની કામગીરીને જ પ્રાથમિકતા આપવામાં આવશે. લાભપાંચમથી નવા રસ્‍તાઓ બનાવવાની શરૂઆત થશે.

(3:20 PM IST)