<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

જામનગર માવતર ધરાવતી રામપાર્કની અર્ચનાબેન જાદવાણીએ ફિનાઇલ પીધું

ત્રાસ હોવાનો આક્ષેપઃ આજીડેમ પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી

રાજકોટ તા. ૪: શહેરના આજીડેમ નજીક રામવન પાસે આવેલા રામ પાર્ક શેરી નં. ૫માં રહેતી અર્ચનાબેન મિલનભાઇ જાદવાણી (ઉ.વ.૩૦) નામની પરિણીતાએ રાતે અગીયારેક વાગ્‍યે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે. પતિ, નણંદ, સસરાનો ત્રાસ હોવાનો તેણીએ આક્ષેપ કરતાં પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી છે.

અર્ચનાબેને રાતે ફિનાઇલ પી લેતાં સ્‍વિલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. તેજપાલસિંહ સરવૈયા સહિતે હોસ્‍પિટલે પહોંચી તેણીનું નિવેદન નોંધી ફરિયાદ દાખલ કરવા તજવીજ કરી હતી. અર્ચનાબેને જણાવ્‍યું હતું કે તેના લગ્ન દોઢ વર્ષ પહેલા મિલન સાથે થયા છે. ગુર્જર સુથાર જ્ઞાતિના ગ્રુપમાં બાયોડેટા આવ્‍યો હોઇ તેના આધારે બંનેએ એક બીજાને પસંદ કરી જ્ઞાતિના રીતિરીવાજ મુજબ લગ્ન કર્યા છે. પતિને રામવન નજીક સુરભી ઇન્‍ડસ્‍ટ્રીઝ નામે ગણપતિની મુર્તિ બનાવવાનું કારખાનુ છે.

તેણીએ વધુમાં કહ્યું હતું કે પતિ, નણંદ અને સસરા નાની નાની વાતે હેરાન કરે છે અને ત્રાસ આપે છે. આ લોકો એવુ કહીને હેરાન કરે છે કે તું અમારા રિતી રિવાજમાં ભળતી નથી. સતત માનસિક ત્રાસ અપાતો હોઇ આ કારણે કંટાળીને તેણીએ ફિનાઇલ પી લીધુ હતું. બનાવની જાણ થતાં જામનગર રહેતાં અર્ચનાબેનના પિતા રમેશભાઇ શાંતિલાલ વાલંભીયા રાજકોટ પહોંચ્‍યા હતાં. તેમણે પણ દિકરીને ત્રાસ હોવાનું કહ્યું હતું. આજીડેમ પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી હતી.

(2:17 PM IST)