<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

હથિયારો લે-વેંચ કરતી સીન્‍ડીકેટે વેંચેલી ૩ પિસ્‍તોલ- કાર્ટીસ સાથે રાજકોટનો આરીફ પઠાણ અને જયપાલ ડેડાણીયા પકડાયા

બે દિવસથી ચાલતી હથિયાર શોધવાની કામગીરીમાં પીસીબીની ટુકડીએ ૨૧ દેશી બનાવટના હથિયારો ઝડપી લીધા

રાજકોટ તા.૧૫: આવતીકાલે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા સંદર્ભે પોલીસે કડક બનાવેલા પેટ્રોલીંગ દરમ્‍યાન પીસીબીની ટુકડીને મળેલી બાતમીના આધારે મધ્‍યપ્રદેશના સકીલ સાદીક મન્‍સુરીએ ચોટીલા, જસદણ, સુરેન્‍દ્રનગર અને રાજકોટ પંથકમાં ગેરકાયદે હથિયારો વેંચ્‍યાનો મામલો સપાટી પર આવતા રાજકોટની ભાગોળેથી મુખ્‍ય સપ્‍લાયર સહિત ૪ને ઝડપી લઇ રીમાન્‍ડ ઉપર લેવાયા હતા. આ દરમ્‍યાન આજે રાજકોટના વધુ બે શખ્‍સ આરીફ ગફાર પઠાણ (ઉ.વ.૩૪, ધંધો-જમીનની દલાલી રેહે. ગંજીવાડા મેઇન રોડ, મસ્‍જિદ ચોક રાજકોટ) અને રણુજા મંદિર સામે ન્‍યુ વેલનાથપરામાં રહેતા જયપાલ રાજેશભાઇ ડેડાણીયા પાસેથી વધુ ૩ પિસ્‍તોલ અને બે કાર્ટીસ કબ્‍જે કરવામાં આવ્‍યા છે.

તપાસ દરમ્‍યાન ચોટીલાના હથિયારના ધંધાર્થી પ્રદિપ કનકભાઇ કરપડાએ આરીફ પઠાણને પીસ્‍તોલ વેંચ્‍યાનુ અને મધ્‍યપ્રદેશના હથિયારના મુખ્‍ય ધંધાર્થી સકીલ સાદીક મન્‍સુરીએ જયપાલ ડેડાણીયાને બે પીસ્‍તોલ વેંચ્‍યાનું ખુલ્‍યુ હતું. આ સંદર્ભે પીસીબીની ટુકડીએ બન્નેને ઝડપી લઇ હથિયારો કબ્‍જે કર્યા છે.

ઝડપાયેલા આરીફ પઠાણ સામે રાજકોટના બી ડિવીઝન, થોરાળા, ડીસીબી અને કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન તેમજ એ ડીવીઝનમાં હત્‍યાની કોશીષ, મારામારી, હૂમલા તેમજ મનીલેન્‍ડ એકટ તેમજ એટ્રોસીટી એકટની કલમો હેઠળ ૧૦ ગુના અગાઉ નોંધાય ચુકયા છે. જયારે જયપાલ ડેડાણીયા સામે આજીડેમ અને થોરાળા પોલીસ સ્‍ટેશનમાં પ્રોહીબીશન એકટ ભંગ સહિતના જુદા-જુદા ૩ ગુનાઓ નોંધાય ચુકયા છે.

ઉપરોકત કામગીરી પી.સી.બી. પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.આર.ગોંડલીયા, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, પો.હેઙ.કોન્‍સ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્‍વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદીપસિંહ સરવૈયા પો.કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, ડ્રા.પો.હેઙ.કોન્‍સ. જયેશભાઇ ગઢવીએ કરી હતી.

(2:50 PM IST)