તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 30th July 2026
રાજકોટ શહેર-જીલ્લામાં મિલકત વેચાણની ૩પ જેટલી નોંધ પેન્ડીંગઃ ૭ દિ'માં પૂર્ણ કરવા કલેકટરનો આદેશ
R.O. મીટીંગ યોજાઇઃ મામલતદારોને સૂચનાઃ બેઠકમાં લોકમેળો-વરસાદ-સહિતના રર મુદાની સમીક્ષા

રાજકોટ તા. ૩૦: શહેર અને જિલ્લામાં જમીન તેમજ મિલકત ખરીદ-વેચાણ સંબંધિત કામગીરીને વધુ ઝડપી અને સુચારૂ બનાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. આજે યોજાયેલી મહેસૂલી અને રિવ્યુ અધિકારીઓની બેઠકમાં કલેક્ટરે કડક વલણ અપનાવીને મિલકત ટ્રાન્સફર અને નોંધણીની પેન્ડિંગ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.
રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લામાં મિલકત ખરીદ-વેચાણ સંબંધિત કુલ ૩૫ મહેસૂલી નોંધો હજુ પણ પેન્ડિંગ બોલે છે. આ બાબતને ગંભીરતાથી લઈને કલેક્ટરે તમામ સંબંધિત મહેસૂલી અધિકારીઓને આ બધી જ પેન્ડિંગ નોંધો આગામી ૭ દિવસની અંદર જ ક્લિયર કરી દેવા માટે સૂચના આપી છે.ઉલ્લેખનીય છે કે, મિલકત ખરીદ-વેચાણની નોંધો બિનજરૂરી રીતે પેન્ડિંગ રહેવાથી સામાન્ય નાગરિકો અને અરજદારોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે.નિયત સમયમર્યાદામાં નોંધો મંજૂર કે ના મંજૂર (નિકાલ) ન થવાને કારણે મહેસૂલી કામગીરીમાં વિલંબ થાય છે, જે ચલાવી લેવાશે નહીં.આગાઉ ૯૦ દિવસ સુધી આ કેસો પેન્ડિગ રહેતા હવે સાત દિવસમાં કેસ પુરા કરવાના નિર્ણયથી રાજકોટ શહેર અને જિલ્લામાં મિલકત ખરીદ-વેચાણ કરનાર અરજદારોના અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે.
રાજકોટ કલેકટરે આજે મળેલ R.O. મીટીંગમાં આ પેન્ડીંગ ૩પ જેટલી નોંધ ૭ દિવસમાં પૂર્ણ કરવા દરેક મામલતદારોને આદેશ આપ્યા છે, હવે મામલતદારના માર્ગદર્શન હેઠળ દરેક સર્કલ ઓફિસર દ્વારા કાર્યવાહી થશે.
(3:18 PM IST)










