તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
લીલી સાજડીયાળી ગામે પ્રેમ સંબંધના ડખામાં થયેલ ખૂની હુમલાના કેસમાં પકડાયેલ સાત આરોપીને લાભ

રાજકોટ, તા.૨૮: લીલી સાજડીયાળી ગામમાં સંતાનોના પ્રેમ સંબંધો બાબતેના ડખામાં ૫રીવા૨ ૫૨ છરી ધોકા વડે જીવલેણ હુમલાના કેસમાં અદાલતે સાતેય આરોપીઓને શંકાનો લાભ આપી છુટકારો ફરમાવ્યો છે.
રાજકોટ તાલુકાના લીલીસાજડીયાળી ગામે રહેતા કેશુભાઈ ગોરાભાઈ મકવાણા અને તેમના પરીવાર પર આ કામના આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી જાન લેવા હુમલો કરી ફરીયાદીનુ મળત્યુ નિપજાવાનો પ્રયત્ન કરેલ અને ફરીયાદીના કુંટુંબીઓને ઈજાઓ કરેલ તે કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ.
આ કેસની હકીકત મુજબ, ગઇ તા. ૨૨/૦૩/૨૦૨૦ના રોજ લીલી સાજડીયાળી ગામે સંતાનોના પ્રેમ સંબંધો બાબતે ડખામાં કેશુભાઈ ગોરાભાઈ મકવાણા તેમના પત્ની લીલાબેન તથા તેમનો દીકરો સંજય અને જયસુખ ચારેય નાનજીભાઈ હીરાભાઈ મકવાણાની દુકાન પાસે રાતના સાડા નવ વાગ્યે ઉભા હતા, ત્યારે ઓટોરિક્ષામાં અને પગે ચાલીને આવેલા આરોપીઓમાં મીલન રમેશભાઈ મકવાણા, નરેશ મનજીભાઈ મકવાણા, રમેશભાઈ મકવાણા, વિપુલ નાનજીભાઈ મકવાણા, અરવિંદભાઈ મોહનભાઈ મકવાણા, મયુર પ્રવિણભાઈ મકવાણા, પ્રવિણ નાથાભાઈ મકવાણા વગેરેએ માતા પિતા અને બન્ને દીકરાઓ પર પાઈપો તથા છરીઓ વડે કરેલા હુમલામાં ઇજાઓ થતા લોહીલુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ, આ અંગેની જીવલેણ હુમલાની ફરીયાદ જયસુખભાઈ ખોડાભાઈ મકવાણાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ. તપાસના અંતે પોલીસે સાતેય આરોપીઓ સામે અદાલતમાં ચાર્જશીટ કરેલ આ કામના આરોપીઓએ પણ ફરીયાદી વિરૂધ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરીયાદ દાખલ કરેલ. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલેલ.
આ કેસના તમામ આરોપીઓ વતી એડવોકેટ તરીકે રઘુવીર બસીયાએ ભોગ બનનાર ફરીયાદી તથા સાહેદોની તેમજ ડોકટરની એફ.એસ.એલ. ઓફીસરની પોલીસ અધિકારીઓની બચાવ પક્ષના એડવોકેટ ઘ્વારા ઉલટ તપાસ બાદ આરોપીઓના એડવોકેટની મુખ્ય દલીલ એવી હતી કે ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિઃશંક પણે પુરવાર કરી શકેલ નથી, બનાવવાળી જગ્યાએ કોઈ પથ્થરો પોલીસે કબજે કરેલ નથી, બનાવવાળી જગ્યાએ જે બ્લડ મળી આવેલ, તે બ્લડનું ગ્રુપ આરોપીના બ્લડ સાથે મેચ થાય છે, તેમજ સાહેદ સંજયને અને જયસુખને થયેલ ઈજાઓ શંકાસ્પદ છે. બચાવ પક્ષના એડવોકેટની રજુઆત તેમજ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓની છણાવટ ધ્યાને લઈ અદાલત દ્વારા આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ તરીકે રઘુવીર બસીયા રોકાયેલ હતા.
(3:05 PM IST)










