<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ગઠીયાઓએ મુંબઇ ક્રાઇમ બ્રાંચનો લોગો દેખાય તેવો વિડીયો કોલ કરી મહિલા તબિબ પાસેથી રૂા. ૧૨.૯૦ લાખ પડાવ્‍યા

તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી એરટેલનું સિમકાર્ડ કઢાવાયું છે, તેનો ઉપયોગ ફ્રોડ-મનીલોન્‍ડ્રીંગમાં થયો છે, નરેશ નામનો શખ્‍સ પકડાયો તેને મહિને ૪ લાખ મળે છે, તમે પણ સામેલ છો કહી ડરાવ્‍યા : અયોધ્‍યા ચોકમાં રહેતાં ડો. રશ્‍મીબેન શુક્‍લાને ડિજીટલ એરેસ્‍ટ કરી નાણા પડાવાયાઃ તમારા નાણા મનીલોન્‍ડ્રીંગના છે કે નહિ તેની ખરાઇ કરી પાછા આપી દેવાશે તેવું કહી મ્‍યુચ્‍યુઅલ ફંડ, સ્‍ટોક માર્કેટના રોકાણની રકમ વિડ્રો કરી આપી દીધીઃ સાયબર ક્રાઇમ પીઆઇ બી. બી. જાડેજાએ તપાસ હાથ ધરી

રાજકોટ શહેર અને સૌરાષ્‍ટ્રભરમાં સાયબર ફ્રોડ તેમજ ડિજીટલ એરેસ્‍ટના કિસ્‍સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તાજેતરમાં રાજકોટના અયોધ્‍યા ચોક નજીક અયોધ્‍યા રેસિડેન્‍સીમાં રહેતાં અને કેવડા વાડી મેઇન રોડ પર આવકાર એપાર્ટમેન્‍ટ પાસે હોમિયોપેથી ક્‍લિનિક ચલાવતા ૫૨ વર્ષીય મહિલા તબિબ સાયબર માફિયાઓની જાળમાં ફસાઈ ગયા હતાં. ગઠિયાઓએ મની લોન્‍ડરિંગ, બોગસ બેંક એકાઉન્‍ટ અને હાઇકોર્ટના ઓર્ડરના નામે ડરાવી-ધમકાવીને તેમની પાસેથી ૧૨,૯૦,૦૦૦ની મસમોટી રકમ પડાવી લીધી હતી.

આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે  ૧૫૦ ફુટ રીંગ રોડ પર અયોધ્‍યા ચોકમાં આવેલી અયોધ્‍યા રેસીડેન્‍સી એ-૧૭ ખાતે રહેતાં ડો. રશ્‍મીબેન હેતલકુમાર શુક્‍લા (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી અલગ અલગ બે મોબાઇલ નંબરના ધારકો અને એસબીઆઇ તથા ઇન્‍ડસઇન્‍ડ બેંકના બે ખાતેદારો વિરૂધ્‍ધ ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે.

ડો. રશ્‍મીબેન શુક્‍લા પરિવાર સાથે રહે છે અને કેવડાવાડી મેઇન રોડ પલંગ ચોક પાસે હોમીયોપેથી ક્‍લીનીક ચલાવે છે. તેમણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે ગત માર્ચ મહિનામાં તેમના મોબાઈલ પર એક અજાણ્‍યા નંબર પરથી કોલ આવ્‍યો હતો. સામેથી વાત કરનાર વ્‍યક્‍તિએ પોતાનું નામ અનુજ અગ્રવાલ હોવાનું કહીે પોતે ટ્રાઇ (ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા)ના સીનિયર એડવાઇઝરી ઓફિસર છે તેવીે ઓળખ આપી હતી. તેણે હિન્‍દીમાં વાત કરતા જણાવ્‍યું હતું કે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને મુંબઈના ચેમ્‍બુર ખાતેથી એરટેલ કંપનીનું બોગસ સિમ કાર્ડ કઢાવવામાં આવ્‍યું છે. આ નંબર પરથી અનેક છેતરપિંડી થઈ હોવાથી તના વિરૂધ્‍ધ મુંબઇ ચેમ્‍બુર સીબીઆઇને કમ્‍પલેઇન મળી છે, જેથી મુંબઇ ક્રાઇમ બ્રાંચ ખાતે એફઆઇઆર  નોંધાયેલી છે અને આ કેસ મુંબઈ ક્રાઇમ બ્રાન્‍ચમાં ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે. ત્‍યારબાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્‍ચના નામે દેવી સિંઘ અને વિજય ખન્‍ના નામના ગઠિયાઓએ વોટ્‍સએપ પર વિડિયો કોલ કરીને ડોક્‍ટરને માનસિક રીતે ડરાવી દીધા હતા. વિડિયો કોલમાં પાછળ મુંબઈ ક્રાઇમ બ્રાન્‍ચનો સત્તાવાર લોગો બતાવી વિશ્વાસ સંપાદિત કરવામાં આવ્‍યો હતો. ઠગોએ આરોપ લગાવ્‍યો હતો કે ડોક્‍ટરના આધાર કાર્ડ પર કેનરા બેંકમાં બોગસ ખાતું ખોલાવાયું છે, જેનો ઉપયોગ મની લોન્‍ડરિંગમાં થયો છે. આ ઉપરાંત મની લોન્‍ડરિંગ કેસમાં પકડાયેલા હાઇપ્રોફાઇલ આરોપી નરેશ ગોયલના ઘરેથી ડોક્‍ટરના નામનું એટીએમ કાર્ડ મળી આવ્‍યું છે અને તેમાંથી ડોક્‍ટરને દર મહિને ૪ લાખ કમિશન મળતું હોવાનો ો દાવો કરીને જેલ ભેગા કરવાની ધમકી આપવામાં આવી હતી.

 આ રીતે  ડોક્‍ટરને ગભરાવી દીધા બાદ ગઠિયાઓએ પોતાને સમાધાન પવારસાહેબ તરીકે ઓળખાવતા વ્‍યક્‍તિ સાથે વાત કરાવી હતી. તેણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા બેંક એકાઉન્‍ટ અને મિલકતોના ક્રોસ વેરિફિકેશન માટેનો ઓર્ડર આપવામાં આવ્‍યો હોવાનું બહાનુ બતાવ્‍યું હતું. જો વેરિફિકેશનમાં ક્‍લીન ચિટ મળશે તો પોલીસ ક્‍લિયરન્‍સ સર્ટિફિકેટ આપીને ૨૪ કલાકમાં તમામ નાણાં પરત કરી દેશે તેવી ખાતરી આપી હતી.

આથી ડરી ગયેલા ડોક્‍ટરે તેમના મ્‍યુચ્‍યુઅલ ફંડ અને સ્‍ટોક માર્કેટના રોકાણની વિગતો આપ્‍યા બાદ, ઠગોના કહ્યા મુજબ સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા અને ઇન્‍ડસઇન્‍ડ બેંકના ખાતાઓમાં અલગ-અલગ તારીખે કુલ ૧૨,૯૦,૦૦૦ ટ્રાન્‍સફર કરી દીધા હતા. માતબર રકમ મેળવી લીધા પછી પણ સાયબર ગઠીયાઓએ વધુ નાણાં હડપવા માટે ડોક્‍ટરને તેમના નામે રહેલા મ્‍યુચ્‍યુઅલ ફંડની બાકીની રકમ પણ વિડ્રો કરીને વેરિફિકેશનમાં આપવા દબાણ કર્યું હતું. ડોક્‍ટર જ્‍યારે આ રકમ વિડ્રો કરી રહ્યા હતા ત્‍યારે મ્‍યુચ્‍યુઅલ ફંડ એકાઉન્‍ટમાં રજિસ્‍ટર તેમના ભાઈ જયેશભાઈના ઈ-મેઈલ પર નોટિફિકેશન ગયું હતું. જયેશભાઈએ તુરંત બહેનનો સંપર્ક કરીને આટલી મોટી રકમ ઉપાડવાનું કારણ પૂછતા સમગ્ર સત્‍ય સામે આવ્‍યું હતું. ભાઈએ ડોક્‍ટરને સમજાવ્‍યા હતા કે તેઓ સાયબર ફ્રોડનો શિકાર બન્‍યા છે. છેતરપિંડીનો ખુલાસો થતાં જ તુરંત સાયબર હેલ્‍પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્‍યારબાદ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ જે.એમ. બોસીયા દ્વારા ગુનો દાખલ કરવામાં આવતાં પીઆઇ બી. બી. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે. 

 

(2:13 PM IST)