તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
કલાસાધક સિદ્દીભાઈ મોઢવાડિયાની કલાત્મક કૃતિઓ કાશી વિશ્વનાથ મંદિરમાં સમર્પિત
રાજકોટથી કાશી સુધીની કલાયાત્રા

કાશી વિશ્વનાથના દિવ્ય દરબારમાં રાજકોટની કલાને સ્થાન સિદ્દીભાઈ દ્વારા બનેલ ભગવાન શિવ પર આધારીત બે ડોટ વર્ક કલાકૃતિઓની ભવ્ય સ્ટેન્ડી કાશી વિશ્વનાથના દિવ્ય દરબારમાં બિરાજમાન થઈ દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ભક્તિ અને પ્રેરણાનું કેન્દ્ર બની રહી છે. આ કોઈ સામાન્ય પેઇન્ટિંગ નથી પરંતુ પીંછી કે રંગો વગર માત્ર કલમ વડે લાખો-કરોડો બારીક ટપકાંઓ મૂકીને તૈયાર થયેલું અતિ જટિલ ‘ડોટ વર્ક' છે. સમયનો સદઉપયોગ કરવા ૩૫ વર્ષ પછી ફરી ડોટ વર્કની કલાને જીવંત કરી. સિદ્દીભાઈ રોજના ૧૦ કલાક કલા પાછળ ફાળવે છે જે એક સાધના જ છે.
રાજકોટ, તા.૧૬: કલા એટલે માનવીના વિચારો, લાગણીઓ, કલ્પના અને સર્જનાત્મકતાને સુંદર અને અસરકારક રીતે વ્યક્ત કરવાની પ્રક્રિયા. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંદરની ભાવનાઓને ચિત્ર, શિલ્પ, સંગીત, નૃત્ય, લેખન, નાટક અથવા અન્ય સર્જનાત્મક માધ્યમો દ્વારા વ્યક્ત કરે તેને કલા કહેવાય. કહેવાય છેને કે કલાને કોઇ સિમાડા નથી હોતા એતો કુદરતની દેન છે. સમર્પણ ભાવથી થયેલ કલાને હંમેશા ઇશ્વર સ્વિકારે છે. રાજકોટના આવાજ ૬૧ વર્ષીય ફાઇન આર્ટસ કલાકાર સિદ્દીભાઈ મોઢવાડિયાની કલા રાજકોટના સિમાડાઓ વટાવી બાબા વિશ્વનાથના ચરણોમાં કાશીમાં સ્થન પામી છે. રાજકોટના જાણીતા ફાઇનઆર્ટ આર્ટિસ્ટ સિદ્દીભાઈ મોઢવાડિયાએ પોતાની અદભૂત કલાત્મક કૃતિઓ શ્રી કાશી વિશ્વનાથ મંદિર ખાતે બાબા વિશ્વનાથને સમર્પિત કરીને ગુજરાત અને રાજકોટનું ગૌરવ વધાર્યું છે. તેમણે પેનથી કાગળ પર ખુબજ અઘરૂ એવું ‘ડોટ વર્ક' (સ્ટીપલિગ આર્ટ) કરી મહાદેવના ૨૧ કલાત્મક ચિત્રો તૈયાર કરી શિવના અદભૂત ચિત્રોની સીરીઝરૂપે એક પુસ્તક બનાવ્યું છે જેન ‘‘રૂદ્રાક્ષ''નામ આપ્યું છે. જેમાના બે ચિત્રો કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની શોભામાં અભિવૃધ્ધિ કરી રહ્યા છે. આ કોઈ સામાન્ય પેઇન્ટિંગ નથી પરંતુ પીંછી કે રંગો વગર માત્ર કલમ વડે લાખો-કરોડો બારીક ટપકાંઓ મૂકીને તૈયાર થયેલું અતિ જાટિલ ‘ડોટ વર્ક' છે.
‘અકિલા' ખાતે માહિતી આપતા સિદ્દીભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, અમે મૂળ પોરબંદરના માધવપુર ઘેડના વતની છીએ. મેં ધોરણ ૧૦ પછી સુરેન્દ્રનગરમાં ફાઈન આર્ટ્સનો ૫ વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો જેમાં હું ગુજરાતમાં બીજા ક્રમે આવ્યો હતો. ફાઇન આર્ટસ પૂર્ણ કરી રાજકોટ આવ્યો અને એડવર્ટાઈઝિગ ક્ષેત્રે ક્યુએડ વિઝનમાં જોડાયો. એ પછી સારથી કોમ્યુનિકેશનમાં૧૫ વર્ષ ગ્રાફિક ડિઝાનર તરીકે ફરજ બજાવી. એ પછી મેં ઘરે મારુ પોતાનું વર્ક સ્ટાર્ટ કર્યું. અમે ત્રણ પાર્ટનરે સાથે મળી ‘શ્રીજી પેક ઝોન' અને ‘શ્રીજી એડ ઝોન' નામની પેઢી ઉભી કરી જેમાં હાલમાં પણ કાર્યરત છુ.
આ ડોટ વર્કની કલાનો વિચાર કઇ રીતે આવ્યો? સિદ્દીભાઈ કહે છે, જ્યારે સુરેન્દ્રનગરમાં ફાઇન આર્ટસ નો કોર્સ કર્યો ત્યારે તેમાં અભ્યાસમાં ટેલિગ્રાફિઙ્કવિષય ભણવામાં આવતો જેમાં ડોટ વર્ક શિખવાનું હોય છે જેને સ્ટીપલિગ આર્ટ કહે છે. એ વખતે ભણ્યા પછી દોટ વર્કમાં પહેલું ચિત્ર મેં મનહર ઉધાસનું દોરેલું જે તેમને ગિફટ પણ આપેલું. હવે વ્યવસાયમાં કામ ઓછું થતાં સમયની બચત થઇ જેનો સદઉપયોગ કરવા ૩૫ વર્ષ પછી મેં ફરી મારી ડોટ વર્કની કલાને જીવંત કરી. અને છેલ્લા ૬ મહિના કામ કર્યા બાદ ભગવાન શિવના ચિત્રોની આખી સિરિઝ તૈયાર થઇ અને એક પુસ્તક બન્યું જેનું નામ ‘‘ રૂદ્રાક્ષ'' રખાયું છે. આ પુસ્તકમાં કુલ ૨૧ ચિત્રો પેન ના ડોટ દ્વારા તૈયાર કરાયેલા છે. જેમાં દરેક ચિત્રમાં શું દર્શાવાયું છે અને તનો ભાવાર્થ શું છે તે અંગ્રેજી અને હિન્દીમાં વર્ણન એટલે કે થીમનું વર્ણન પણ અપાયું છે. જેથી જોનારને ખ્યાલ આવે કે શિવનું કયા ચિત્રમાં શું કહેવાયું છે. શિવના ત્રિનેત્ર, હાથ, જટા, અગ્નિ, શાંતિ, સૂર્ય, ચંદ્ર, નાગ, બિલ્વપત્ર સહિત અપાયા છે. આ પુસ્તક બનાવવાનું કારણ જણાવતા સિદ્દીભાઈ મોઢવાડિયા કહે છે, બનારસમાં કાશીવિશ્વનાથ મંદિર દ્વારા ચાલતા ‘માનવ કલ્યાણ ટ્રસ્ટ' માટે આ ચિત્રોનું પુસ્તક અને સ્ટેન્ડી બનાવ્યા હતા. હું ત્યાં રૂબરૂ નથી ગયો પણ મેં આ કામ કરી ત્યાં મોકલ્યું છે. મારા શિવના બનાવેલ ડોટ ચિત્રોમાંથી બે ચિત્રો પસંદગી પામ્યા જેની મેં સ્ટેન્ડિ બનાવરાવી મહાદેવના મંદિરે બનારસ મોકલી. જેને ત્યાં મંદિરમાં ઓફિસ પાસે લોકોના દર્શનાર્થે રાખવામાં આવી છે. જે શ્રાવણ મહિના સોમવારેજ મૂકવામાં આવી છે. મેં આ પુસ્તક, વિડીયો પ્રેઝન્ટેશન અને સ્ટેન્ડી કાશીવિશ્વનાથ મંદિરને અર્પણ કર્યા છે.‘‘માનવ ચેતનાના ઊંડાણ અને આધ્યાત્મિક જાગૃતિને વ્યક્ત કરતી દિવ્ય રચના'' અને ‘‘દેવાધિદેવ શિવ અને નંદીના અતૂટ સમર્પણ અને ભક્તિભાવનું આબેહૂબનિરૂપણ.''આ બંને કલાકૃતિઓની ભવ્ય સ્ટેન્ડી હવે કાશી વિશ્વનાથના દિવ્ય દરબારમાં બિરાજમાન થઈ દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ભક્તિ અને પ્રેરણાનું કેન્દ્ર બની રહી છે. આ પ્રસંગે મંદિરના અધિકારી અને સહયોગી આદરણીય શ્રી શંભુ શરણ શ્રીવાસ્તવજીના સહકારથી બંને કૃતિઓ બાબા વિશ્વનાથને અર્પણ કરવામાં આવી હતી. શ્રી શંભુ શરણ શ્રીવાસ્તવજીએ સિદ્દીભાઈ મોઢવાડિયાની કલાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ‘‘સિદ્દીભાઈ મોઢવાડિયા હવે માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના પણ કોહિનૂર સમાન કલાકાર બની ગયા છે. તેમની કલાત્મક કૃતિઓની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે.'' રાજકોટના કલાકાર સિદ્દીભાઈ મોઢવાડિયાની કલાત્મક કૃતિઓને શ્રી કાશી વિશ્વનાથ મંદિર જેવા પવિત્ર અને ઐતિહાસિક ધામમાં સ્થાન મળતાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના કલા જગતમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. ૩૫ વર્ષ પછી ફરી કલાને સમર્પિત થનાર કલા સાધક સિદ્દીભાઈનું કહેવું છે કે, આ સંપૂર્ણ પેન વર્ક છે. જે એકવાર ડોટ થઇ જાય પછી ભૂસી શકાતું નથી. જાપાનની માઈક્રોન પેન (૦.૦૦૩ થી ૧૨ નંબર પોઇન્ટ) વડે ઝીણવટભર્યું ડોટ વર્ક કરવું પડે છે. રોજના હું ૧૦ કલાક આની પાછળ ફાળવું છું. શિવ સીરીઝના ૨૧ ચિત્રો પૂર્ણ કરતા મને છ મહિનાનો સમય લાગ્યો. પહેલા પેન્સીલથી લાઇન વર્ક કર્યા પછી પેન થી ડોટ વર્ક થાય છે. હવે સિદ્દીભાઈ નેચર ઉપર નવી સિરિઝ શરૂ કરી છે. જેમાં તેઓ ડોટ વર્કથી કુદરત ઉપર આધારીત ચિત્રો બનાવશે જેનું કામ શરૂ થઇ ગયું છે. જેને નામ અપાયું છે ‘‘નુવો સ્ટાઇલ'' આ ડોટ ચિત્રો દોરવામાં ખુબજ ધીરજની જરૂર પડે છે સાથે શ્વાસને પણ બેલેન્સ કરવો પડે છે. એટલે આ એક સાધના જ છે. ઉલ્લેખનીય છે કે ૬૧ વર્ષના સિદ્દીભાઈએ એક આંખમાં મોતિયો ઉતરાવ્યો છે જ્યારે તેમણે આ આર્ટ શરૂ કર્યું ત્યારથી તેઓ ચશ્મા નથી પહેરતા..!
સિદ્દીભાઈ મોઢવાડિયાના પરિવારમાં પત્નિ રમાબેન, બે દિકરીઓ અવનીબેન અને કર્ણવીબેન છે જે બંનેને સરકારી નોકરી છે. જેમનો સંપૂર્ણ સહયોગ રહ્યો છે. મોટા દિકરી અવનીબેન પરણિત છે. સિદ્દીભાઈ કહે છે મારી દિકરી અવનીબેન અને મારા મિત્ર ધીમંત વ્યાસે મને આ કલામાં આગળ વધવાની પ્રેરણા આપતા આ શિવજીના ચિત્રો અને હવે આગળના ચિત્રો દોરી રહ્યો છુ. શિવજી પછી હવે નેચર પર સિરિઝ શરૂ કરી છે. ત્યાર બાદ કાલી માતાના પણ ડોટ વર્કથી ચિત્રો બનાવવા છે. જો ઇશ્વરની ઇચ્છા હશે તો શિવજી પર બીજી સિરીઝ પણ બનાવીશ. સિદ્દીભાઈએ આ કોઇ વેચવા માટે કામ નથી કર્યું પણ જો તક મળશે તો તે અંગે વિચારશે પણ ખરા. તેઓની ઇચ્છા ભવિષ્યમાં રાજકોટમાં પ્રદર્શન યોજવાની છે વધુમાં ભવિષ્યમાં જહાંગીત આર્ટ ગેલેરીમાં પ્રદર્શન યોજવાની ઇચ્છા છે. ડોટ વર્કથી ચિત્રો દોરતા બહુ જુજ લોકો છે.(૪૧.૨૩)
શિવના ચિત્રો દોરતી વખતે સાધુ મહારાજ પધાર્યા અને...!
એક અનોખો આધ્યાત્મિક સંયોગ કે બાબા વિશ્વનાથનો સંકેત?
સિદ્દીભાઈ મોઢવાડિયાને ફાઇન આર્ટ ક્ષેત્રમાં આશરે ૩૫ વર્ષનો બહોળો અનુભવ છે. તેમની કલાત્મક કારકિર્દી સાથે જોડાયેલી એક રસપ્રદ અને આધ્યાત્મિક ઘટના વર્ણવતા તેમણે જણાવ્યું કે, આ ડોટ વર્ક કલા એક સાધના છે કારણ તમારું મગજ, આંખ અને હાથ એક જગ્યાએ કેન્દ્રિત થાય ત્યારે એક ટપકું પડે. લગભગ છ મહિના પહેલા શિવરાત્રી પછીનો સમય હતો અને ઘરે હું મારા ચિત્રના ડોટ વર્કના કામમાં વ્યસ્ત હતો. એ વખતે એક સાધુ મહારાજ પધાર્યા અને આવી ને કહ્યું, ‘‘ચા પીવી છે''. મારી કલામાં વધુ વિક્ષેપ ન પહોંચે એટલે મેં તેને ૧૦ રૂપિયાનો સિક્કો આપી દીધો. સાધુ થોડા આગળ જઇ પરત આવ્યા અને કહે પાણી તો પીવરાવી દે. મારા ચિત્રોનું કામ થોડો સમય રોકી મેં તેને મારી પાણીની બોટલ આપી દીધી તેઓ ચાલ્યા ગયા. થોડીવાર પછી ફરી તેઓ આવ્યા અને મુઠ્ઠી ધરી કહ્યું, ‘‘બેટા લે લે..''તેમણે પંચમુખી રૂદ્રાક્ષ અને રદ્દી ટાઇપની ૧૦ રૂપિયાની નોટ આપી કહ્યું, ‘‘યે ખર્ચ મત કરના કભી પૈસે કી કમીનહી હોગી'' એ દઇ ને જતા રહ્યા. મને એ ફ્રોડ લાગ્યું. પણ એ આવ્યા પછી મારા ચિત્રોમાં શિવજીની આંખ, ત્રિશૂલ, ત્રિપૂંડ, ડમરૂ, નાગ વગેરે વિચારો આપમેળે આવતા ગયા અને શિવજી પર ચિત્રો બનતા ગયા. એ પછી શિવજી પર ડોટ ચિત્રોની આખી સિરિઝ શરૂ થઇ અને પૂર્ણ પણ થઇ. અને એ ચિત્રો કાશીમાં સ્થાન પણ પામ્યા.
માત્ર કલમથી સર્જાયેલી અદભૂત ‘ડોટ વર્ક'ની દુનિયા
સિદ્દીભાઈ મોઢવાડિયાની કલાનું સૌથી વિશિષ્ટ પાસું એ છે કે તેમની કૃતિઓ કોઈ સામાન્ય પેઇન્ટિંગ નથી. તેમાં રંગોનો ઉપયોગ નથી, પીંછીનો ઉપયોગ નથી અને પરંપરાગત પેઇન્ટિંગ જેવી બ્રશ સ્ટ્રોક્સ પણ નથી. માત્ર પેન દ્વારા કાગળ પર અસંખ્ય સૂક્ષ્મ ટપકાં મૂકીને એક સંપૂર્ણ ચિત્રનું સર્જન કરવામાં આવે છે. એક-એક બિદુ, એક-એક ટપકું અને તેની વચ્ચેનું અંતર અત્યંત મહત્વપૂર્ણ હોય છે. પ્રકાશ, છાયા, ઊંડાણ, ચહેરાની અભિવ્યક્તિ અને ચિત્રની રચના. આ બધું માત્ર બિદુઓની ઘનતા અને ગોઠવણી દ્વારા ઊભું કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સૌથી મોટો પડકાર એ છે કે પેનથી એકવાર ટપકું મૂકાઈ ગયા બાદ તેને ભૂંસી શકાતું નથી. તેથી કલાકારને સંપૂર્ણ એકાગ્રતા, ધીરજ અને ચોકસાઈસાથે કામ કરવું પડે છે.
સિદ્દીભાઈ કહે છે કે, ‘‘આ સંપૂર્ણ પેન વર્ક છે. એકવાર ડોટ થઈ જાય પછી તેને ભૂંસી શકાતું નથી. દરેક ટપકું ખૂબ જ સાવધાનીથી મૂકવું પડે છે. ડોટ વર્કમાં મગજ, આંખ અને હાથ ત્રણેય એક જ કેન્દ્ર પર એકાગ્ર થાય ત્યારે જ યોગ્ય રીતેકામ થઈ શકે છે.'' તેઓ જાપાનની માઇક્રોન પેનના વિવિધ પોઇન્ટ ૦.૦૦૩થી લઈને ૧૨ નંબર સુધી નો ઉપયોગ કરીને અત્યંત ઝીણવટભર્યું કામ કરે છે.સામાન્ય રીતે પહેલાં પેન્સિલથી ચિત્રનું લાઇન વર્ક તૈયાર કરવામાં આવે.
સંપર્કઃ
સિદીભાઇ મોઢવાડિયા
પુષ્કરધામ, બ્લોક નં. ૬૫. યુનિવર્સિટી રોડ,રાજકોટ,
૯૮૨૫૫ ૫૩૬૩૦
(2:51 PM IST)










