તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
નવરાત્રી નજીક આવતા જ વાજીંત્રોની બજારમાં નવસંચાર : શાહી-પડી ચડાવવાનું અને ટયુનીંગનું કામ હાલ પુરજોશમાં

રાજકોટ : નવરાત્રી નજીક આવતા રાજકોટના વાજીંત્રોની બજારમાં ચહલપહલ શરૂ થઇ ચુકી છે. ખાસ કરીને પ્રાચીન ગરબીઓમાં ઉપયોગમાં લેવાતા તબલા, ઢોલક જેવા સાધનોને શાહી ચડાવવી પડીનુ મરામત, હારમોનીયમનું ટયુનીંગ સહીતના કામો માટે ઘરાકી નિકળી પડી છે. અહીંના રામનાથપરા ખાતે આવેલ સવાસો વર્ષ જુના મીરા હારમોનીયમના સંચાલક રાજદીપભાઇ પ્રદીપભાઇ દેવડાએ જણાવ્યુ હતુ કે અમો ચાર પેઢીથી વાજીંત્રોનું વેચાણ અને રીપેરીંગનું કામ સંભાળીએ છીએ. ખાસ કરીને પ્રાચીન ગરબીઓમાં વપરાતા ઇન્સ્ટ્રુમેન્ટનું કામ અમારે વધારે રહે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અર્વાચીનની સાથે હવે પ્રાચીન ગરબીઓમાં પણ ઓરકેસ્ટ્રા અને ડી.જે.નું ચલણ વધવા લાગતા વાજીંત્રોની ડીમાન્ડમાં ખુબ ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે અર્વાચીન ગરબામાં વપરાતા ડ્રમ અને ઢોલક જેવા સાધનોનું કમ પણ અમારે રહેતુ હોય છે. પણ સૌથી વધુ કામ પ્રાચીન ગરબીનું રહે છે. હાલ તબલા, ઢોલકને શાહી ચડાવવી, પડી ચડાવવી, હાર્મોનીયમના ટયુન અને ધમણ સેટ કરવા સહીતના કામો માટે ઓર્ડરો મળવા લાગ્યા છે. તેમજ બહેનોને રમવા માટે કરતાલ, ખંજરી, મંજીરાની ખરીદી પણ હમણા રહે છે. તસ્વીરમાં વાજીંત્રોને મીઠા સુરનો રણકાર કરવા માટે સજજ કરવામાં મશગુલ રાજદીપભાઇ અને પ્રદીપભાઇ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:21 PM IST)










