<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

મંત્રણા પડી ભાંગતા કાલથી રાજકોટ સહિત રાજયની ૨૮૭ સબ રજીસ્‍ટ્રાર કચેરીના કર્મચારીઓનું આંદોલન

કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશેઃવોટસએપ ગ્રૂપમાંથી લેફટ થશેઃ ૨૨મીએ માસ સીએલનું એલાન..

રાજકોટ, તા. ૧૬:  રાજ્‍ય સરકાર અને સબ રજિસ્‍ટ્રાર કચેરીના કર્મચારીઓ વચ્‍ચે પડતર પ્રશ્નોને લઈને ચાલી રહેલી મંત્રણા નિષ્‍ફળ જતાં કર્મચારીઓએ આવતીકાલથી આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર સાથે બે દિવસ સુધી ચાલેલી મંત્રણા છતાં કોઈ નક્કર ઉકેલ નહીં આવતાં અને સરકાર દ્વારા હજુ સુધી લેખિતમાં બાંહેધરી આપવામાં નહીં આવતાં કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્‍યો છે.

કર્મચારી મંડળના જણાવ્‍યા અનુસાર, આવતીકાલથી કર્મચારીઓ કાળી પટ્ટી બાંધીને પોતાની ફરજ બજાવતાં  આ ઉપરાંત વોટ્‍સએપ ગ્રૂપમાંથી લેફ્‌ટ થઈને પણ વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. આ આંદોલનમાં રાજકોટ સહિત સમગ્ર રાજ્‍યની ૨૮૭ કચેરીઓના આશરે ૬૦૦ કર્મચારીઓ જોડાય તેવી શકયતા છે. આંદોલનના ભાગરૂપે કર્મચારીઓ દ્વારા અગાઉ રાજ્‍યભરમાં જિલ્લા મથકોએ આવેદનપત્રો પણ આપવામાં આવ્‍યાં હતાં. જોકે, તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં હવે કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્‍યો છે.

 આગામી દિવસોમાં દશેરા  દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. તહેવારો દરમિયાન મિલકત સહિતના વિવિધ દસ્‍તાવેજોની નોંધણી માટે સબ રજિસ્‍ટ્રાર કચેરીઓમાં લોકોની અવરજવર અને કામગીરીમાં વધારો થતો હોય છે. ત્‍યારે કર્મચારીઓના આંદોલનને કારણે દસ્‍તાવેજ નોંધણીની કામગીરી પર અસર પડવાની શકયતા છે. જો આ વિવાદનો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો તહેવારોના સમયમાં દસ્‍તાવેજ નોંધણી કરાવવા આવતા નાગરિકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડી શકે છે.

(3:36 PM IST)