<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

રૈયા રોડ સુભાષનગરમાં અસ્‍માબેનને પતિએ માર મારી ગળુ દબાવ્‍યું: તલ્લાક માટે દસ લાખ માંગ્‍યા

નિકાહના એક જ મહિનામાં ત્રાસ શરૂ થઇ ગયોઃ છ મહિનામાં ચાર વખત કાઢી મુકી પતિની ઘડીયાળ ખરાબ થઇ ગઇ હોઇ ચાર્જર ન મળતાં ગુસ્‍સે થઇ મારામારી કરીઃ ગાંધીગ્રામ પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી પતિ વારીસ માલવીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૬: ભોમેશ્વર પ્‍લોટ જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં હાલ પિતાના ઘરે રહેતી પરિણીતાએ મુળ જસદણના હાલ રાજકોટ રહેતાં પતિ વિરૂધ્‍ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ઉચ્‍ચ અભ્‍યાસ ધરાવતી આ પરિણીતાને સ્‍માર્ટ વોચના ચાર્જર મામલે મારકુટ કરી ગળુ દબાવી પતિએ છુટાછેડા માટે દસ લાખ માંગ્‍યાનો આરોપ મુકાયો છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે હાલ જાગૃતિ શ્રમજીવી-૧૧માં પિતાના ઘરે રહેતી અસ્‍માબેન વારીસ માલવીયા  (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી તેણીના રૈયા રોડ સુભાષનગર-૪માં સીટી સેન્‍ટર પાછળ રહેતાં વારીસ રજાકભાઇ માલવીયા વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે. અસ્‍માબેને એમકોમ, બીએડ સુધીનો અભ્‍યાસ કર્યો છે. તેણીના લગ્ન ૨૬ ઓક્‍ટોબર-૨૦૨૫ના રોજ થયા છે. ફરિયાદની વિગત મુજબ અસ્‍માબેન અને તેમના પતિ વારીસ છેલ્લા એક અઠવાડિયાથી રૈયા રોડ પર સુભાષનગર શેરી નં. ૪માં ભાડાના મકાનમાં રહેતા હતા. ગત તારીખ ૨૪/૦૫ના રોજ રાત્રિના આઠેક વાગ્‍યે અસ્‍માબેન બજારમાં બંનેની સ્‍માર્ટ વોચના ચાર્જર લેવા ગયા હતા. પરંતુ પતિની ઘડિયાળ બગડેલી હોવાથી તેઓ માત્ર પોતાની ઘડિયાળનું ચાર્જર લઈને ઘરે પરત ફર્યા હતા.

ઘરે આવીને અસ્‍માબેને પતિને જણાવ્‍યું કે-તમારી ઘડિયાળ બગડી ગઈ છે અને ચાર્જર ભરાવતા તે ગરમ થઈ જાય છે, જેથી તે રિપેર કરાવવી પડશે. આ સાંભળતા જ પતિ વારીસ એકદમ ઉશ્‍કેરાઈ ગયો હતો અને મારી ઘડિયાળ ચાર્જ થતી જ હતી, તું ચાર્જર કેમ ન લાવી? તેમ કહી ગાળો ભાંડી મોઢા તથા માથાના ભાગે ફડાકા અને ગડદાપાટુનો માર મારવા લાગ્‍યો હતો. તેમજ હાથથી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પતિના હુમલાથી ઘવાયેલી અને ભયભીત બનેલી અસ્‍માબેને તાત્‍કાલિક ફોન કરીને પોતાના મામી સનમબેન અને માસી શેહનાઝબેનને ઘટનાની જાણ કરી હતી. પરિસ્‍થિતિ ગંભીર જણાતા પરિણીતાના માતા મુમતાઝબેન, પિતા ઇકબાલભાઇ અને મામા આરીફભાઈ સહિતના સગા-સંબંધીઓ દોડી આવ્‍યા હતા અને અસ્‍માબેનને તાત્‍કાલિક રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્‍યા હતા, જ્‍યાં તબીબોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી.

અસ્‍માબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેમના નિકાહ પછી માત્ર એકાદ મહિનો પતિએ સારી રીતે રાખ્‍યા બાદ નાની-નાની વાતોમાં ટોકટોક કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. છ મહિનાના ટૂંકા લગ્નજીવનમાં પતિએ ૪ થી ૫ વાર ઝઘડા કરીને અસ્‍માબેનને ઘરની બહાર કાઢી મૂકી હતી. આશરે એક મહિના પહેલા થયેલા ઝઘડા વખતે  વારીસ અસ્‍માબેનના પિયરે આવ્‍યો હતો અને ત્‍યાંથી અસ્‍માબેનનું આશરે ૫ તોલા સોનાના દાગીના જેમાં સોનાનો ગળાનો સેટ, સોનાનું બ્રેસલેટ અને ત્રણ સોનાની વીંટી સામેલ છે તે લઈને ચાલ્‍યો ગયો હતો. બાદમાં જ્ઞાતિના આગેવાનો વચ્‍ચે સમાધાન થતાં અસ્‍માબેન પરત સાસરે ગયા હતા, પરંતુ પતિએ સોનું પાછું આપ્‍યું નહોતો.

સમાધાન બાદ પણ પતિમાં કોઈ સુધારો આવ્‍યો નહોતો. તે અવારનવાર મારઝૂડ કરી ધમકી આપતો હતો કે-જો તારે મારી સાથે ન રહેવું હોય અને તલ્લાક જોઈતા હોય તો ૧૦ લાખ રૂપિયા આપવા પડશે. પતિ વારંવાર આ પ્રકારે નાણાંની ઉઘરાણી કરી માનસિક રીતે તોડી પાડતો હતો. અંતે પતિનો ત્રાસ અસહ્ય બની જતાં પરિણીતાએ પોતાના પરિવારજનો સાથે પોલીસ સ્‍ટેશન પહોંચી ફરિયાદ દાખલ કરાવી હતી. પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:46 PM IST)