News of Tuesday, 21st July 2026
કોલેજના વિદ્યાર્થીની હત્યાનો પ્રયાસઃ છરી ઝીંકી આંતરડા કાઢી નાંખ્યાઃ એક પકડાયો
કેમ આવી રીતે ઓવરટેક કરે છે? કહી ત્રણ ચાર લાફા મારી લીધા બાદ ફરીથી હુમલો એસ્ટ્રોન ચોકમાં બોલાચાલી બાદ કોટેચા ચોકમાં બખેડોઃ માલવીયાનગર પોલીસે અમરદિપસિંહ જાડેજાની ફરિયાદ પરથી બાદલ ઉર્ફે ભુરો સોલંકી, કેતન દવેરા, અજાણ્યા સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૧: શહેરમાં વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતમાંથી શરૂ થયેલો વિવાદ લોહિયાળ હુમલામાં પરિણમ્યો હતો. રોડ પર છરી વડે હિંસક હુમલો કરી પેટના ભાગે ઘા ઝીંકી દેવાતાં ગંભીર ઇજા પહોંચી હતી. આ હુમલામાં એક યુવકના આંતરડા બહાર નીકળી ગયા હતા. પોલીસે કેતન દવેરા, બાદલ સોલંકી સહિત ત્રણ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી મુળ જુનાગઢના એક શખ્સને પકડી લીધો હતો.
માલવીયાનગર પોલીસે આ બનાવમાં લોધીકાના પાળ પીળીયાના વતની અને હાલ રાજકોટ ઢેબર રોડ પર હરિઓમ સોસાયટી-૧માં રહેતાં તથા એચ.એન. શુક્લા કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં અમરદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી બાદલ, કેતન દવેરા અને અજાણ્યા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી મુળ જુનાગઢના હાલ રાજકોટ મારૂતિ ચોક પાસે પીજીમાં રહેતાં બાદલ ઉર્ફે ભુરો સોલંકીને સકંજામાં લીધો છે.
અમરદિપસિંહના પિતા ખેતી કામ કરે છે અને ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપે છે. ફરિયાદમાં જણાવાયા મુજબ અમરદિપસિંહ જાડેજા ૧૯મીના રાતે સાડા અગીયારેક વાગ્યાના અરસામાં પોતાના બાઇક પર ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન એસ્ટ્રોન ચોક પાસે બે બાઇકચાલકોએ અમરદિપસિંહના બાઇકને ઓવરટેક કરી આગળ બાઇક ઉભું રાખી દીધું હતું. તેમાંથી કાળા શર્ટવાળા ચાલકે અમરદિપસિંહના બાઇકની ચાવી કાઢી લઈ-કેમ ઓવરટેક કરીને આગળ નીકળ્યો? તેમ કહી ગાળાગાળી કરી ચાર-પાંચ ફડાકા મારી દીધા હતા. લોકો એકઠા થતાં હુમલાખોર પોતાનું વાહન લઈ નાસી છૂટયો હતો, જ્યારે તેનો સાથીદાર ત્યાં જ રહી ગયો હતો.
આ શખ્સે પોતાનું નામ બાદલ સોલંકી હોવાનું જણાવ્યું હતું અને માર મારનાર તેનો મિત્ર હોઈ કાલે સમાધાન કરાવી દેવાનું કહ્યું હતું. ત્યારબાદ અમરદિપસિંહ તેને પોતાના કૌટુંબિક ભાઈ કુલદીપસિંહની કિશાનપરા ચોક સ્થિત દુકાને લઈ ગયા હતા. ત્યાં પૂછપરછ કરતાં બાદલે ફડાકા મારનાર મિત્રનું નામ કેતન દવેરા હોવાનું જણાવ્યું હતું. બાદલને ઘરે જવું હોય અને વાહન ન હોઇ તેથી અમરદિપસિંહે પોતાના મિત્ર રામદેવસિંહ ચુડાસમાને ફોન કરી બોલાવ્યો હતો અને બાઇક પર બાદલને ક્રિસ્ટલ મોલ સુધી મુકી આવવા કહ્યું હતું.
બાદલને મુકવા ગયેલા રામદેવસિંહે થોડી વાર પછી અમરદિપસિંહને ફોન કરીને જણાવ્યું કે બાદલ કોટેચા ચોક ખાતે ઉતરી ગયો છે અને તેના અન્ય બે મિત્રો સાથે મળીને ગાળો આપી રહ્યો છે. આ સાંભળી અમરદિપસિંહ રાત્રે સાડા બારેક વાગ્યા આસપાસ એકલા બાઇક લઈને કોટેચા ચોક કૈરવી પાન સામે પહોંચ્યા હતા. ત્યાં બાદલ સોલંકી, કેતન દવેરા અને અન્ય એક અજાણ્યો શખ્સ રામદેવસિંહ સાથે ઝઘડો કરી રહ્યા હતા.
અમરદિપસિંહે સમાધાનની વાત કરવા છતાં ઝઘડો કેમ કરો છો તેમ પૂછતાં જ ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને આજે તમને જીવતા જવા નથી દેવાના તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બાદલ સોલંકી અને અજાણ્યા શખ્સે રામદેવસિંહને પકડી રાખ્યા હતાં અને કેતને પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી રામદેવસિંહના પેટમાં જોરથી ઝીંકી દીધી હતી. હુમલો એટલો ગંભીર હતો કે રામદેવસિંહના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતાં. મિત્રને બચાવવા વચ્ચે પડેલા અમરદિપસિંહ પર પણ કેતને છરી વડે હુમલો કરી જમણા હાથના પંજા, પેટના બંને ભાગે અને ખભા પર ઘા ઝીંકી દીધા હતા.
આ દરમિયાન અમરદિપસિંહના કૌટુંબિક ભાઈ કુલદીપસિંહ ત્યાં આવી પહોંચતાં હુમલાખોરો પોતાના વાહનો મૂકી ભાગી છુટયા હતા. ઈજાગ્રસ્ત અમરદિપસિંહ અને રામદેવસિંહને તાત્કાલિક પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી વોકહાર્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. માલવીયાનગર પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ ડી. બી. ગાધેએ ગુનો નોંધી એક આરોપી બાદલ ઉર્ફે ભુરો સોલંકીને સકંજામાં લઇ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
(3:50 PM IST)










