તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
આયુર્વેદનું અવનવું : હળદર : રસોડાનો મસાલો કે સંજીવની?
શા માટે આપણા પૂર્વજો વઘારમાં હળદર ઉમેરતા? બ્રેઈન રિજનરેશનથી લઈને કેન્સર કેર સુધી, જાણો વિશ્વભરના આંતરરાષ્ટ્રીય રિસર્ચ શું કહે છે એ જાણીએ

આપણા રસોડામાં દૈનિક ઉપયોગમાં લેવાતા સાધારણ મસાલા અને આપણી દૈનિક જીવનશૈલીના નિયમો પાછળ ગહન વૈજ્ઞાનિક રહસ્યો છુપાયેલાં છે. હજારો વર્ષો પહેલાં આપણા પૂર્વજોએ જેને નિયમિત આહારમાં શામેલ કરી દીધા હતા, તે હળદર આજે આધુનિક વિજ્ઞાનની કસોટી પર પણ ખરી સાબિત થઈ રહી છે. મગજના કોષોના રિપેરિંગથી લઈને કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર સુધી હળદરનો વૈશ્વિક ડંકો વાગી રહ્યો છે.
ન્યુરોલોજીકલ ફાયદા : જાપાનની આઇવાતે યુનિવર્સિટી (Iwate University) અને બર્નહામ ઇન્સ્ટિટયૂટ ફોર મેડિકલ રિસર્ચ (Burnham Institute for Medical Research)ના આંતરરાષ્ટ્રીય સંશોધનો દર્શાવે છે કે હળદરમાં રહેલું મુખ્ય જૈવિક તત્ત્વ કર્યુમિન મગજના કોષોના રિજનરેશનમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તાજેતરના અન્ય ન્યુરોસાયન્સ અભ્યાસો મુજબ કર્યુમિન મગજમાં BDNF નામના પ્રોટીનનું સ્તર વધારે છે, જે અલ્ઝાઈમર અને ડિપ્રેશન જેવા રોગો સામે રક્ષણ પૂરું પાડે છે.
વઘારમાં હળદર શું કામ? : આયુર્વેદ અનુસાર હળદરની પ્રકળતિ ‘ઉષ્ણ'(ગરમ) અને ‘રૂક્ષ' (શુષ્ક/ડ્રાય) છે. તેથી જ તેનો સીધો કે કાચો ઉપયોગ કરવાને બદલે ચોક્કસ પદ્ધતિઓ દર્શાવવામાં આવી છે. હળદરનું સેવન નવશેકા દૂધ સાથે કરવું જોઈએ. ગાયના ઘીમાં શેકેલી હળદરના ચૂર્ણનું ઔષધીય સેવન કરવું હિતાવહ છે. આપણી રસોઈમાં શાક કે દાળનો વઘાર કરતી વખતે તેલ કે ઘીમાં હળદર ઉમેરવાની પ્રાચીન પદ્ધતિ પાછળ એક મોટો વૈજ્ઞાનિક હેતુ રહેલો છે. હળદરમાં રહેલું તત્ત્વ કકર્યુમિન પાણીમાં ઓગળતું નથી પરંતુ તે તેલ કે ઘીમાં સરળતાથી ઓગળે છે. તેલ કે ઘીમાં ગરમ કરવાથી હળદરની શુષ્કતા દૂર થાય છે અને તેના પોષક તત્ત્વો શરીર દ્વારા સહેલાઈથી શોષાઈ શકે છે. આ ઉપરાંત કેટલાક નવીનતમ સંશોધનો દર્શાવે છે કે જો હળદર સાથે ચપટી કાળા મરી ઉમેરવામાં આવે તો તેમાં રહેલા પીપરીનને કારણે શરીરમાં કર્ક્યુમિનનું શોષણ ૨૦ ગણું વધી જાય છે.
વૈશ્વિક સ્વીકળતિ : હળદરની કેન્સર વિરોધી અને એન્ટી-ઓક્સિડન્ટ ક્ષમતા પર વિશ્વભરમાં વ્યાપક સંશોધનો થયાં છે. આ સંશોધનોના સકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને, વિશ્વની ઘણી અગ્રણી કેન્સર હોસ્પિટલોમાં દર્દીઓને પૂરક આહાર તરીકે કકર્યુમિન / હળદરની કેપ્સ્યુલ્સ આપવાનો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ પણ અપનાવવામાં આવ્યો છે. સંશોધનો દર્શાવે છે કે કકર્યુંમિન કેન્સરના કોષોની વળદ્ધિ અટકાવવામાં અને સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડયા વિના કેન્સર સેલ્સનો નાશ કરવામાં મદદરૂપ બને છે.
ભારતીય રિસર્ચ અને વૈજ્ઞાનિક પ્રગતિ : એકયુટ પ્રોમાયોલોસાઇટિક લ્યુકેમિયા (APL) : ભારતીય વૈજ્ઞાનિકો અને સંસ્થાઓએ હળદર અને આયુર્વેદિક ઔષધો પર વિશ્વસ્તરીય કામ કર્યું છે. જેમ કે દેહરાદૂનના જાણીતા વૈદ્ય બાલેન્દ્ર પ્રકાશ દ્વારા આયુર્વેદિક રસઔષધિઓ અને ભસ્મો આધારિત વિશિષ્ટ ફોર્મ્યુલેશનથી બ્લડ કેન્સરના એકયુટ પ્રોમાયોલોસાઇટિક લ્યુકેમિયા નામના પ્રકાર પર સફળ પ્રયોગો કરવામાં આવ્યા હતા, જેના ખૂબ જ સકારાત્મક પરિણામો નોંધાયા છે.
CCRAS અને પ્રમુખ સંસ્થાઓની ભૂમિકા : ભારત સરકારની‘સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સિસ' (CCRAS), ટાટા મેમોરિયલ સેન્ટર (TMC, મુંબઈ) અને આઈસીએમઆર (ICMR) જેવી અગ્રણી સંસ્થાઓ કેન્સરની સારવારમાં આયુર્વેદિક ફોર્મ્યુલેશન્સ પર નિરંતર સંશોધન કરી રહી છે.
આ સંશોધનોનો મુખ્ય ઉદ્દેશ્ય કીમોથેરપી અને રેડિયેશન થેરાપીની ગંભીર આડઅસરો જેમ કે ઉબકા, થાક, રોગપ્રતિકારક શક્તિનો ઘટાડો અને વાળ ખરવા જેવી સમસ્યાઓને ઓછી કરવાનો તેમજ દર્દીના જીવનની ગુણવત્તા સુધારવાનો છે.
આખી વાતનો સાર એટલો જ કે હળદર એ માત્ર રસોડાનો એક સ્વાદિષ્ટ કે રંગ આપનારો મસાલો નથી, પરંતુ એક અત્યંત શક્તિશાળી ઔષધ છે. આપણી પ્રાચીન ભારતીય રસોઈ પદ્ધતિઓ માત્ર સ્વાદ માટે નહીં, પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્ય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી હતી - જે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સાબિત થઈ રહ્યું છે.
લેખક પરિચયઃ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં વૈજ્ઞાનિક સંશોધન અને નીતિવિષયક સુધારાઓમાં નોંધપાત્ર યોગદાન આપનારા આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા દુનિયાભરમાં અગ્રણી અનુભવી આયુર્વેદ ચિકિત્સક તરીકે પણ આગવી ઓળખ ધરાવે છે.
આપનો પ્રતિભાવ [email protected] પર ઇમેલ કરી શકાશે.
લેખક :
વૈદ્ય રાજેશ કોટેચા
(11:29 AM IST)










