તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
બકાલા અને ફ્રુટના ધંધાર્થી રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લાવ્યાઃ વેંચે એ પહેલા એસઓજીએ દબોચ્યા
થોડા મહિના પહેલા આઠ કિલો ગાંજા સાથે ઝડપાયેલો જંગલેશ્વરનો ઇબ્રાહીમ ઉર્ફે ટીકડો જેલમાંથી એમડીની ટીપ્સ લઇ આવ્યોઃ મિત્ર જુનાગઢના ઇફરાન ઉર્ફે બમ કુરેશીને સાથે રાખી ખેપ મારીઃ પણ ગ્રાહક મળે એ પહેલા પોલીસ ભેટી : પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમનો હાર્દિકસિંહ પરમાર અને દિગ્વીજયસિંહ ગોહિલની બાતમી પરથી બામણબોર પાસે દરોડોઃ ટીકડો અગાઉ હત્યાની કોશિષ, લૂંટ, ડ્રગ્સના ગુનામાં અને બમ જૂગારના બે ગુનામાં સામેલ

રાજકોટ તા. ૨૨: શહેર વિસ્તારમાં નશાના કારોબાર અને નાર્કોટિક્સ પદાર્થોના વેચાણ પર રોક લગાવવા માટે સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત એસઓજીએ સતત બીજા દિવસે અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર બામણબોર ગામ પાસે બે શખ્સને માદક પદાર્થ એમડી સાથે ઝડપી લીધા છે. રાજકોટનો ફ્રુટનો ધંધાર્થી જુનાગઢના બકાલાના ધંધાર્થી મિત્રને લઇ રાજસ્થાનથી આ પદાર્થ લાવ્યો હતો. પરંતુ વેંચવા માટે ગ્રાહક શોધે પહેલા પોલીસે તેને શોધી લીધા હતાં. ગાંજાના ગુનામાં ફ્રુટનો ધંધાર્થી જેલમાં હતો ત્યારે ત્યાંથી એમડીની ટીપ મેળવી હતી. જેના આધારે રાજસ્થાના બાડમેરથી તે ખેપ મારીને આવ્યો હતો. પરંતુ પહેલા જ પ્રયાસમાં ઝડપાઇ ગયો હતો.
એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. હાર્દિકસિંહ જગતસિંહ પરમાર તથા હેડકોન્સ. દિગ્વિજયસિંહ ગોહિલને ચોક્કસ બાતમી મળતાં બામણબોર ગામ પાસે બે શખ્સને પકડી લીધા હતાં. તેનીે અંગજડતી લેતા તેમની પાસેથી રૂા. ૧,૧૬,૦૧૦ની કિંમતનું ૩૮.૬૭ ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન-એમ.ડી. ડ્રગ્સ મળી આવતાં તે તથા ૧૦ હજારના બે મોબાઇલ, રૂા. ૬૦૦ રોકડા કબ્જે કરી બંનેની ધરપકડ કરાઇ હતી. પુછતાછમાં પોતાના નામ ઇબ્રાહીમ ઉર્ફે ટીકડો ઉર્ફે શાહબાઝ રજાકભાઇ શેખ (ઉ.વ.૨૩, ધંધો-ફ્રુટનો વેપાર, રહે. જંગલેશ્વર, ભવાનીચોક તેમજ ભગવતીપરા આવાસ, રાજકોટ) અને ઇરફાન ઉર્ફે બમ ઇબ્રાહીમભાઇ કુરેશી (ઉ.વ.૩૬, ધંધો-યાર્ડમાં શાકભાજીનો વેપાર, રહે. બે પીરના ખાડિયામાં, સૈયદ રોડ જુનાગઢ) જણાવ્યા હતાં.
બંને સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઇબ્રાહીમ ઉર્ફે ટીકડો અગાઉ રાજકોટના માલવીયાનગર અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ લૂંટ અને એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાઓમાં પકડાઈ ચુક્યો હતો. જ્યારે ઇરફાન ઉર્ફે બમ જુનાગઢ એ-ડિવિઝનમાં જુગાર ધારા હેઠળના ગુનાઓમાં ચોંપડે ચડયો હતો. પકડાયેલા પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ એફએસએલ અધિકારી કે.એમ.તાવીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
થોડા સમય પહેલા જ ઇબ્રાહીમ ઉર્ફે ટીકડાને એસઓજીએ ગાંજા સાથે પકડયો હતો. આ ગુનામાં તે જેલમાં જતાં ત્યાંથી તેને રાજસ્થાનથી એમડી ડ્રગ્સ મળે તેની ટીપ એક કેદી દ્વારા મળતાં તે તાજેતરમાં જ જેલમાંથી છુટયા બાદ મિત્ર ઇરફાન ઉર્ફે બમને લઇ રાજસ્થાનાના બાડમેર ખાતે જઇ ત્યાંથી એમડી લાવ્યો હોવાનું રટણ તેણે કર્યુ હતું. સાચી હકિકત જાણવા રિમાન્ડની તજવીજ કરાવમાં આવશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચૌધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, હેડકોન્સ. હાર્દિકસિંહ પરમાર, દિગ્વિજયસિંહ ગોહિલ, કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા, મહિલા કોન્સ. મોનાબેન બુસા, ડ્રા. હેડકોન્સ. મહાવીરસિંહ જાડેજા તેમજ ડ્રા. કોન્સ. નિર્મળસિંહની ટીમે આ કામગીરી કરી હતી.
(10:52 AM IST)










