તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
બકરી ઇદઃ રાજકોટ જીલ્લામાં જાહેર કે ખાનગી સ્થળે કોઇપણ પશુની કતલ કરવી નહિઃ એડી.કલેકટરનું જાહેરનામું
તા. ર૯ના ૧ર વાગ્યા સુધી અમલમાં રહેશેઃ ભંગ કરનાર સામે કલમ રર૩ હેઠળ પગલા

રાજકોટ, તા. ર૭: ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે બકરી ઇદ અંગે એડી. કલેકટરે મહત્વનું જાહેરાનામું બહાર પાડયું છે.
આગામી તા.૨૮/૦૫/૨૦૨૬ના રોજ મુસ્લિમ ધર્મનો ‘બકરી ઇદ' (ઇદ-ઉલ-અઝા)નો તહેવાર આવે છે. આ તહેવારની ઉજવણી પ્રસંગે અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવે છે. અને આ કુરબાની જાહેર કે ખાનગી સ્થળે, મહોલ્લા કે ગલીમાં દેખાય તે રીતે કોઈ પણ પશુની કતલ કરવાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી દુભાવાના કારણે સુલેહશાંતિનો ભંગ થવાનો સંભવ રહે છે. આવી પરિસ્થિતિને ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય તરફથી જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત રજુ થયેલ છે. દરખાસ્તની વિગેતે સદરહું બાબતે સમગ્ર રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેટલાંક પ્રતિબંધ મુકવા યોગ્ય જણાય છે. આથી એડી. કલેકટર મુછારે પ્રતિબંધીત કૃત્યો અંગે જાહેરનામું બહારપાડયું છે.
જેમા કોઈ પણ વ્યક્તિએ કોઇ પણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં વિગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહી, તેમજ કોઇપણ પ્રાણીને શણગારીને એકલા અગર સદઘસ આકારે જાહેરમાં લઈ જવા કે ફેરવવા નહી.
‘બકરી ઇદ' તહેવાર નિમિત્તે કુરબાની પછી જાનવરનાં માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહી. આ જાહેરનામું તા. ૨૭/૦૫/૨૦૨૬ ના કલાક ૦૦/૦૦ થી તા.૨૯/૦૫/૨૦૨૬ના કલાક ૨૪/૦૦ સુધી સમગ્ર રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે સમગ્ર રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા પો.હેડ કોન્સ. અને તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ બી.એન.એસ.ની કલમ-૨૨૩ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકળત કરવામાં આવે છે.(૬.૧ર)
(2:59 PM IST)










