News of Monday, 29th June 2026
ભગવતીપરાના બે ભાઇઓ અશોક તથા રાહુલ કેરાળીયા અને મિત્ર મીત ચુડાસમા પર ફારૂક સહિતનો છરીથી હુમલો
પૈસા માંગી ડખ્ખો કરાયાનો અને મીતનું બાઇક પડાવી લેવાયાનો આક્ષેપઃ અશોક-રાહુલના ત્રીજા ભાઇની કારમાં પણ તોડફોડઃ બી-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૯: શહેરના ભગવતીપરામાં રહેતાં યુવાન પર રાતે તેના જ મિત્ર નવાગામના શખ્સે કુવાડવા રોડ પર છરીથી હુમલો કર્યા બાદ આ યુવાનના ભાઇ અને મિત્રને પણ છરીથી ઘાયલ કરી મોટર સાઇકલ પડાવી લેતાં પોલીસે તપાસ શરૂ કરી છે. હુમલાખોર હોન્ડા પણ પડાવી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ ભગવતીપરા મહાકાળી સોસાયટી-૨માં રહેતો અશોક ટીસાભાઇ કેરાળીયા (ઉ.વ. ૨૬) નામનો કોળી યુવાન રાતે અગીયારેક વાગ્યે કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાસે પોતાના નાના ભાઇ રાહુલ ટીસાભાઇ કેરાળીયા (ઉ.વ.૨૦) તથા રાહુલના મિત્ર મીત મનિષભાઇ ચુડાસમા (ઉ.વ.૨૬) સાથે હતો ત્યારે નવાગામમાં રહેતાં અશોકના જુના મિત્ર ફારૂક સહિતનાએ આવી ઝઘડો કરી પૈસા માંગતાં અશોકે પૈસા આપવાની ના પાડતાં તેના પર છરીથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ વખતે મીત ચુડાસમા વચ્ચે પડતાં તેને પણ છરી ઝીંકી દેવાઇ હતી. આ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન અશોકનો ભાઇ રાહુલ કેરાળીયા (ઉ.વ.૨૦) પણ પોતાને ભગવતીપરા પુલ પાસે ફારૂક સહિતે છરીથી ઇજા પહોંચાડયાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થતાં તેની અલગથી નોંધ કરાવવામાં આવી હતી. અશોક, રાહુલ અને રામકુ એમ ત્રણ ભાઇઓ છે. રાહુલના કહેવા મુજબ પોતે ત્રણેય ભાઇઓ ચાંદી કામ કરે છે. ફારૂક એ તેના ભાઇ અશોકનો જુનો મિત્ર છે. રાતે નશો કરવા માટે ફારૂક સહિતે પૈસા માંગતા બોલાચાલી થઇ હતી. બાદમાં હુમલો કરાયો હતો. એ પછી ફારૂક મીતનું હોન્ડા પડાવીને ભાગ્યો હતો. પોતે તેને શોધવા જતાં પોતાના પર પણ ફારૂકે હુમલો કર્યો હતો. રાહુલે વધુમાં જણાવ્યું હતું કે મારા નાના ભાઇ રામકુની કારના કાચ પણ ફારૂક સહિતનાએ તોડી નાંખ્યા હતાં. મીતનું પચાસ હજારનું બાઇક આ લોકો પડાવી ગયા હતાં. આક્ષેપો અંગે બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોહાણ અને ટીમે તપાસ હાથ ધરી છે.
(2:30 PM IST)










