<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

ઘરેલુ હિંસાના ગુનામાં ૨૦ વર્ષથી ફરાર સંજય મકવાણાને ભક્‍તિનગર પોલીસે શોધી કાઢયો

અગાઉ ચારની ધરપકડ થઇ હતીઃ સંજય કુવૈત જતો રહ્યો હતોઃ ભારત આવ-જા કરતો રહેતો : સુરત પ્રસંગમાં આવ્‍યાની જાણ થતાં જ પોલીસ પહોંચી ગઇઃ પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ વી. એલ. રાઠોડ, એએસઆઇ હર્ષભાઇ માવદીયા, અમતિભાઇ, સુભાષભાઇની કામગીરી

રાજકોટ તા. ૧૫: શહેરના ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનની ટીમે એક મહત્‍વની સફળતા મેળવી છે. ઘરેલું હિંસાના ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીને સુરતના અડાજણ વિસ્‍તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં આ શખ્‍સ વિરૂધ્‍ધ વર્ષ ૨૦૦૬માં ગુનો દાખલ થયા બાદ જે તે વખતે પોલીસે ચાર આરોપીને પકડી લીધા હતાં. જ્‍યારે આ એક આરોપી ફરાર હતો. તે કુવૈતથી સુરત પ્રસંગમાં આવ્‍યાની જાણ થતાં જ પોલીસ પહોંચી ગઇ હતી અને કાર્યવાહી કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેમના વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉચ્‍ચ અધિકારીઓની સુચના અંતર્ગત અલગ અલગ પોલીસ સ્‍ટેશનની ટીમો અને પેરોલ ફરલો સ્‍ક્‍વોડની ટીમો કાર્યરત થઇ છે. આ દરમિયાન ભક્‍તિનગર પોલીસની ટીમે ૨૦ વર્ષ પહેલાના ઘરલુ હિંસાના કેસમાં સતત ફરાર રહેતાં શખ્‍સ સંજયભાઇ સવજીભાઇ મકવાણા (ઉ.વ.૫૩-રહે. સુરત અડાજણ પાલ રોડ, રામદુત રો હાઉસ બ્‍લોક નં. ૮)ને સુરતથી પકડી લઇ કાર્યવાહી કરી છે.

ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે.ડી.પરમાર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ જુના ગુનાઓમાં ફરાર આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્‍નશીલ હતી. ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનમાં વર્ષ ૨૦૦૬માં ગુ.ર.નં. ૩૩૦/૨૦૦૬, આઇ.પી.સી. કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૬(૨) મુજબ ઘરેલુ હિંસાનો ગુનો દાખલ થયો હતો. જે તે વખતે પોલીસે પરિણીતાના સાસુ, સસરા સહિતની ધરપકડ કરી લીધી હતી. પરંતુ તેણીનો પતિ સંજયભાઇ મકવાણા ફરાર થઇ ગયો હતો.

પોલીસે અલગ અલગ સમયે વડોદરા, સુરત સહિતના શહેરોમાં આ શખ્‍સની તપાસ કરી હતી. પરંતુ તે હાથ આવ્‍યો નહોતો. તે કુવૈત જતો રહ્યાની અને ત્‍યાં ઓઇલ કંપનીમાં નોકરી કરતો હોવાની પ્રાથમિક વિગતો પોલીસને મળી હતી. આ દરમિયાન હાલમાં તે સુરત કોઇ પ્રસંગ આવ્‍યાની બાતમી હ્યુમન અને ટેકનીકલ સોર્સ મારફત મળતાં જ તેને સુરત અડાજણ વિસ્‍તારમાંથી પકડી લલઇ વીસ વર્ષ પહેલાના ગુનામાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

 પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ જે. ડી. પરમાર, પીએસઆઇ વી. એલ. રાઠોડ, એએસઆઇ હર્ષભાઇ કે. માવદીયા, કોન્‍સ. અમિતભાઇ તેરૈયા અને હોમગાર્ડ સુભાષભાઇ નિરંજનીએ આ કામગીરી કરી હતી.

(11:37 AM IST)