તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
એસઆરપી પીએસઆઇના પુત્રને લૂંટી લેવાનો ભેદ ભક્તિનગર પોલીસે ઉકેલ્યોઃ ત્રિપુટી ઝડપાઇ
કૃણાલ પુરબીયા, પરેશ સોરઠીયા, રાજેન્દ્ર ઉર્ફે રાજુને પીઆઇ જે. ડી. પરમાર, પીએસઆઇ એસ. એચ. ગોહિલ અને ટીમે પકડી લીધાઃ તપાસમાં વધુ ગુના ઉકેલાય તેવી શક્યતા

રાજકોટ તા. ૨૩: શહેરમાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને લૂંટ ચલાવતી રિક્ષા ગેંગ ફરી સક્રિય થઈ હોય તેમ વધુ એક લૂટનો બનાવ સામે આવ્યો હતો. ગોંડલ એસઆરપી ગ્રુપ-૮ના કેમ્પસમાં રહેતાં મોહિત બીજેન્દ્રસિંહ ચોૈહાણ (ઉ.વ.૨૫)ને રાજકોટમાં રિક્ષાગેંગે છરી બતાવી રોકડ લૂંટી લીધી હતી. આ ગુનો ભક્તિનગર પોલીસે ઉકેલી રિક્ષાચાલક સહિત ત્રણ શખ્સોને ઝડપી લઇ રોકડ કબ્જે કરી છે.
જાણવા મળ્યા મુજબ ભોગ બનનાર મોહિતના પિતા બીજેન્દ્રસિંહ ચોૈહાણ એસઆરપી ગ્રુપ-૮માં પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે. મોહિત હોટેલ મેનેજમેન્ટ ડિપ્લોમાનો અભ્યાસ કરે છે. તે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે નોકરીનો ઇન્ટરવ્યુ આપીને રાજકોટ રેલ્વે સ્ટેશનથી બસ સ્ટેન્ડ જવા એક રિક્ષામાં ૨૧/૬ના રાતે સાડા નવેક વાગ્યે રોજ બેઠો હતો. આ રિક્ષામાં અગાઉથી જ પાછળ બે શખ્સો બેઠેલા હતાં. જેથી વચ્ચે મોીહત બેઠો હતો. રિક્ષા હોસ્પિટલ ચોક નજીક પહોંચતા પાછળ બેઠેલા શખ્સોએ યુવકને કયાં જવું છે તેમ પૂછતા યુવકે પોતે ગોંડલ જવાનો હોવાનું જણાવ્યું હતું. આથી રિક્ષા ચાલક અને પાછળ બેઠેલા શખ્સોએ જણાવ્યું કે-અમે પણ ગોંડલ જ જઈએ છીએ એટલે તને ગોંડલ ચોકડી ઉતારી દઈશું. જો કે મોહિતે તેને બસ સ્ટેન્ડ જ ઉતારવા આગ્રહ રાખતા રિક્ષા ચાલક અને પાછળ બેઠેલા શખ્સોએ તેની સાથે જીભાજોડી શરૂ કરી હતી અને રિક્ષા બસ સ્ટેન્ડ તરફ લેવાને બદલે ગોંડલ ચોકડી તરફ ભગાડી મૂકી હતી.
બાદ રિક્ષા ચાલકે રિક્ષાને ગોંડલ રોડ તરફ આગળ વધારી અટીકા ફાટક નજીક રોડની સાઇડમાં ઉભી રાખી દીધી હતી. રિક્ષા ઉભી રહેતા જ યુવકની જમણી બાજુએ બેઠેલા શખ્સે અચાનક જ છરી કાઢી મોહિતના ગળા પાસે રાખી દીધી હતી અને ધમકી આપી હતી કે-તારા ખિસ્સામાં જેટલા રૂપિયા હોય તેટલા અમને આપી દે, નહીંતર છરી મારી દઈશું આ સમયે ત્રણેય શખ્સોએ ભેગા મળી તેના પેન્ટના ખિસ્સામાંથી રહેલી રોકડા ૨,૦૦૦ની રકમ બળજબરીથી કાઢી લીધી હતી. ત્યારબાદે ધક્કો મારી રિક્ષામાંથી નીચે ઉતારી ત્રણેય શખ્સો રિક્ષા લઈને નાસી છૂટયા હતા
આ સમગ્ર બનાવથી ગભરાઈ ગયેલા મોહિતે નાસી છૂટેલી સીએનજી રિક્ષાનો નંબર જોઈ લીધો હતો, જે જીજે૦૯એએક્સ-૬૫૪૯ હતો. ભક્તિનગર પોલીસને જાણ કરતાં પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પી.એસ.આઈ. જે.બી. રાણીગાએ ગુનો નોંધ્યો હતો. ડી. સ્ટાફ પીએસઆઇ એસ.એચ. ગોહિલ અને ટીમના મયુરદાન બાટી, કોન્સ. પ્રકાશભાઇ મકવાણા, રવિભાઇ રત્નુ, નિલેષભાઇ મિયાત્રા સહિતે ગુનો ઉકેલી ત્રણ શખ્સો કૃણાલ રમેશભાઇ પુરબીયા (ઉ.વ.૨૫-રહે. નાડોદાનગર-૪ કોઠારીયા રોડ), તેના સાગ્રીતો પરેશ કરમશીભાઇ સોરઠીયા (ઉ.વ.૩૫-રહે. ઝનાના હોસ્પિટલ પૂલ નીચે) તથા રાજેન્દ્ર ઉર્ફે રાજુ ચંદુભાઇ અગ્રાવત (ઉ.વ.૩૧-રહે. નરસંગપરા-૨, જુની કલેક્ટર કચેરી પાછળ)ને પકડી લઇ રિક્ષા, રોકડ કબ્જે કર્યા છે.
કૃણાલ ગુનાહિત ઇતિહાસ ધરાવે અને રાજેન્દ્ર અગાઉ દારૂ, માદક દ્રવ્યમાં સંડોવાયો હોવાની વિગતો પોલીસને મળી છે. આ ત્રણેયએ વધુ ગુના આચર્યાની શંકાએ તપાસ યથાવત રખાઇ છે. ઓળખપરેડ રિમાન્ડ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
(2:46 PM IST)










