તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
તેર, સાત અને પાંચ ગુનાઓમાં સામેલ ભરત, હુશેન, શિવમ્ રિક્ષાગેંગ બનાવી મુસાફરોના ખિસ્સા કાપતા'તા
આજીડેમ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયાની ટીમે દબોચ્યાઃ એક ગુનાની રોકડ કબ્જેઃ ગોપાલભાઇ બોળીયા, હરપાલસિંહ જાડેજા, મનિષભાઇ શીરોડીયાની બાતમી પરથી પકડી લેવાયા

રાજકોટ તા. ૩: અવાર-નવાર શહેરમાં રિક્ષાગેંગ મુસાફરોની નજર ચુકવી રોકડ, મોબાઇલ, દાગીના ચોરી લેતી હોય છે. અલગ અલગ આવી ગેંગ સમયાંતરે પકડાતી રહે છે. પરંતુ નવી ગેંગ ફરીથી આવા ગુના આચરવા માંડે છે. દરમિયાન આજીડેમ પોલીસે રિક્ષાગેંગના ત્રણ શખ્સોને ઝડપી લઇ રોકડ કબ્જે કરી છે. ઝડપાયેલા શાપર, રાજકોટના ત્રણેય શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં સુત્રધાર ૧૩ ગુનાઓમાં અને બીજો ૭ ગુના તથા ત્રીજો ૫ ગુનાઓમાં સામેલ છે.
તાજેતરમાં ગોંડલ ચોકડી નજીક મહિન્દ્રાના શો રૂમ પાસે મુળ ભીલવાડા રાજસ્થાનના ભૈરવસિંગ ભીમસિંગ રાવત નામના ૨૬ વર્ષના યુવાનને રિક્ષામાં બેસાડી તેના પેન્ટના આગળના ડાબી બાજુના ખિસ્સામાંથી રૂા. ૨૫ હજાર ચોરી લેવાયા હતાં. રિક્ષામાં તે ભાડેથી બેઠો ત્યારે અગાઉથી બે શખ્સ પાછળ બેઠા હતાં. આમાંથી એક શખ્સે ઉલ્ટી ઉબકાનું નાટક કરી નજર ચુકવી રોકડ સેરવી લઇ બાદમાં ઉલ્ટી થાય છે તેને દવાખાને લઇ જવો છે કહી ભૈવરસિંગને ઉતારી મુક્યો હતો. આજીડેમ પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ થયો હતો. હેડકોન્સ. ગોપાલભાઇ બોળીયા, કોન્સ. હરપાલસિંહ જાડેજા, મનિષભાઇ શીરોડીયાની બાતમી પરથી કોઠારીયા સ્વાતિ પાર્ક રોડ પરના બગીચા પાસેથી રિક્ષા સાથે ત્રણને પકડી લેવાયા છે. જેણે આ ગુનો કબુલી ચોરી કરેલા ૨૫ હજાર કાઢી આપ્યા હતાં.
પોલીસે હુશેન દાઉદભાઇ મલેક (ઉ.વ.૨૮-રહે. ભુમિ પાર્ક-૩, ખોડિયાર મંડપ સર્વિસ પાસે, શાપર, પોલીસ સ્ટેશન સામે) તથા તેના સાગ્રીતો શિવમ્ અજયસિંહ રજપૂત (ઉ.વ.૨૫-રહે. માનસત્તા આવાસ ક્વાર્ટર, પૂજારા શો રૂમ પાછળ ગોંડલ રોડ રાજકોટ) અને ભરત મુળજીભાઇ ચંદ્રપાલ (ઉ.વ.૩૦-રહે. માનસત્તા આવાસ ક્વાર્ટર ગોંડલ રોડ રાજકોટ)ને પકડી લીધા છે. આ ત્રણેય રિક્ષા લઇને અલગ અલગ જગ્યાએ ઉભા રહી એકલ દોકલ મુસાફરને બેસાડી બાદમાં ઉલ્ટી ઉબકાનું નાટક કરી મુસાફરના ખિસ્સામાંથી રોકડ ચોરી લઇ તેને ઉતારી મુકતાં હતાં.
પોલીસના કહેવા મુજબ ભરત ચંદ્રપાલ વિરૂધ્ધ રાજકોટ બી-ડિવીઝન, પ્ર.નગર, ભક્તિનગર, જુનાગઢ બી-ડિવીઝન, રાજકોટ તાલુકા, આટકોટ, વાંકાનેર સીટી, આજીડેમ પોલીસમાં દારૂ, ચોરી સહિતના ૧૩ ગુના અગાઉ નોંધાઇ ચુક્યા છે. જ્યારે શાપરના હુશેન વિરૂધ્ધ પોરબંદર કિર્તીમંદિર પોલીસમાં દારૂના ૬ અને શાપરમાં દારૂનો ૧ મળી ૭ ગુના તેમજ શિવમ્ વિરૂધ્ધ આજીડેમ, માલવીયાનગર, તાલકુા, આટકોટ, ડીસબી રાજકોટમાં દારૂ, ચોરી સહિતના પ ગુના અગાઉ દાખલ થયા હતાં. આ ત્રણેય શખ્સો મોજશોખ પુરા કરવા રિક્ષાગેંગ બનાવી મુસાફરોના ખિસ્સા કાપતાં હતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી હેતલ પટેલ, એસીબી બી. વી. જાધવની સુચના અંતર્ગત આજીડેમ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્સ. પિયુષભાઇ ચીરોડીયા, ગોપાલભાઇ બોળીયા, હરપાલસિંહ જાડેજા, દેવાંગભાઇ પાલા, ભરતભાઇ જોગીયા, હિતેષભાઇ અગ્રાવત, કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, મહેશભાઇ કોઠીવાળ, મનિષભાઇ શીરોડીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા તથા વિશ્વરાજસિંહ પરમાર અને પ્રતિકભાઇ બોરસદીયાએ આ કામગીરી કરી છે.
(3:24 PM IST)










