તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
નવા વર્ષના દિવસે કાગદડી નજીક બાઈક સ્લીપ થતાં શ્રીનાથજી સોસાયટીના ભરતભાઈ ડાંગરનું મોતઃ પુત્ર જીતને હાથમાં ફ્રેકચર
પિતા-પુત્ર દહીંસરા ગામે માતાજીના દર્શને જતા હતાં ત્યારે પુત્ર જીતને ચક્કર આવતા કાબુ ગુમાવતાં બનાવ બન્યોઃ પરિવારજનોમાં અરેરાટી

રાજકોટ તા. ૧૩: દિવાળી-નૂતનવર્ષના તહેવારના દિવસોમાં જીવણ અકસ્માતના બનાવો યથાવત રહ્યા હતાં. રાજકોટ મોરબી હાઇવે પર રતનપર અને કાગદડી વચ્ચે બેસતા વર્ષની સવારે બાઈક સ્લીપ થઈ જતા મવડીની શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં પિતા પુત્ર ફંગોળાઈ જતા પુત્રને ઇજા થઈ હતી અને પિતાનું ગંભીર થતા મોત થયું હતું. પિતા પુત્ર દહીંસરા ગામે નવા વર્ષ નિમીતે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આ કરૂણ બનાવ બન્યો હતો.
બનાવની જાણવા મળેલી વિગત મુજબ મવડની શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૮માં રહેતાં ભરતભાઈ વશરામભાઈ ડાંગર (ઉ.વ.૪૭) બેસતા વર્ષની સવારે પોતાના પુત્ર જીત ડાંગર (ઉ.વ.૨૦)ના બાઈક પાછળ બેસી રાજકોટથી મોરબી નજીકના દહીંસરા ગામે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતાં. ત્યારે રાજકોટ મોરબી હાઇવે પર રતનપર અને કાગદડી વચ્ચેના રસ્તા પર પહોંચ્યા તે વખતે બાઈક ચલાવી રહેલા પુત્ર જીતને અચાનક ચક્કર આવતા કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું.
આ અકસ્માતમાં પિતા પુત્ર બંનેને ઇજાઓ થઈ હતી. જેમાં પુત્ર જીતને હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી, જ્યારે પિતા ભરતભાઇને માથામાં ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં તબીબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના કેતનભાઇ પરમાર સહિતના સ્ટાફે બનાવની જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી.
મળત્યુ પામનાર ભરતભાઈ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને એક દીકરી છે. પોતે રીક્ષા હંકારી ગુજરાન ચલાવતા હતાં. નવા વર્ષના દિવસે જ મોભીના મળત્યુથી ડાંગર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
(1:27 PM IST)










