તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
ચાલુ વાહને મોબાઇલ પર વાત ન કરવાની સલાહ દેતાં ભરતસિંહ તલાટીયા પર હુમલોઃ આંગળીમાં ફ્રેકચર
સાંગણવા ચોક રાજદેવ શેરીમાં બનાવઃ લોખંડની વસ્તુથી હુમલો કરીને ઘા ફટકારતાં માથામાં પણ ટાંકા આવ્યાઃ એ-ડિવીઝન પોલીસે ઉમંગ ટાંક નામના શખ્સ સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨: શહેરના અક્ષર માર્ગ વિસ્તારમાં રહેતા અને સાંગણવા ચોકમાં ખાનગી નોકરી કરતા એક ૬૬ વર્ષીય વૃધ્ધે એક બાઇકચાલકને ચાલુ વાહને મોબાઇલ ફોનમાં વાત ન કરાય તેમ સમજાવતાં આ શખ્સે ઉશ્કેરાઇ જઇ કોઇ લોખંડની વસ્તુથી હુમલો કરી બેફામ માર મારતાં વૃધ્ધની હાથની આંગળી ભાંગી હતી. તેમજ માથામાં પણ ટાંકા આવ્યા છે. આ બનાવ સાંગણી ચોકથી આગળ રાજદેવ શેરી પાસે બન્યો હતો.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે લક્ષ્મીનગર નાલા પાસે ગોૈતમનગર મેઇન રોડ મોદી સ્કૂલની બાજુમાં ગોલ્ડ કોઇન સોસાયટી-૧માં રહેતાં ભરતસિંહ કનુજી તલાટીયા (ઉ.વ.૬૬)ની ફરિયાદ પરથી ઉમંગ યોગેશભાઇ ટાંક નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ ભરતસિંહ સાંગણા ચોકમાં આવેલ જીજ્ઞેશ ઇલેક્ટ્રીક સ્ટોરમાં નોકરી કરે છે. ગત સાંજે સવા છ વાગ્યે પોતાની નોકરી પુરી કરી એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે સાંગણવા ચોકથી આગળ રાજદેવ શેરીમાં યુનિવર્સલ ટ્રેડ સેન્ટર પાસે પહોંચતા સામેથી એક અજાણ્યો શખ્સ ચાલુ બાઈકે મોબાઈલ જોતા જોતા આવતો હતો. ભરતસિંહે અકસ્માત ન સર્જાય તે હેતુથી તેને ચાલુ વાહને મોબાઈલ જોવાની ના પાડી તમે ભટકાઇ જશો તેવુ ંકહ્યું હતું.
આ સાંભળી બાઈક ચાલક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. ઉશ્કેરાટમાં આવી ‘તને શું વાંધો છે?' કહી ભરતસિંહ પર હુમલો કર્યો હતો અને લોખંડ જેવી કોઈ વસ્તુ વડે માથામાં અને ડાબા હાથની આંગળી પર ઘા મારતાં ભરતસિંહ લોહીલુહાણ થઇ ગયા હતાં. આ બનાવને પગલે દેકારો મચી જતાં લોકો એકઠા થઇ જતાં હુમલાખો રભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત ભરતસિંહને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને માથાના ભાગે ટાંકા આવ્યા હતા અને ડાબા હાથની ટાંચલી આંગળીમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું. ભોગ બનનારના પુત્ર સમીરસિંહે તપાસ કરતા હુમલો કરનાર શખ્સ ઉમંગભાઈ યોગેશભાઈ ટાંક (રહે. રાજકોટ) હોવાનું જાણવા મળ્યું છે. પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(2:59 PM IST)










