<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

રાજકોટના પુનિતનગરમાં ઝૂપડામાં રહેતાં ભીમાભાઇ મારવાડી દાઝ્‍યાઃ મિત્ર સોમાએ સળગાવ્‍યાનો આક્ષેપ

એક વર્ષ પહેલા ચા પીવા પ્રશ્ને ભીમાભાઇએ મારકુટ કરી હોઇ સોમાએ ખાર રાખી આગ ચાંપીઃ પોલીસ તપાસ

રાજકોટ તા. ૩૧: શહેરના ગોંડલ રોડ પર પુનિતગનરના ટાકા પાસે ઝૂપડામાં રહેતાં મારવાડી આધેડ રાતે ઝૂપડા પાસે દાઝેલી હાલતમાં મળતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસડાયા છે. તેણે પોતાને એક વર્ષ પહેલાના મનદુઃખને કારણે પોતાના જ જુના મિત્રએ પેટ્રોલ છાંટી સળગાવી દીધાનું રટણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ પુનિતનગર પાણીના ટાંકા પાસે  રાતે બારેક વાગ્‍યે ઝૂપડામાં રહેતાં ભીમાભાઇ કાનાભાઇ મારવાડી (ઉ.વ.૪૫) દાઝી ગયાનો કોલ આવતાં ૧૦૮ પહોંચી હતી અને તેમને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

સવારે ભાનમાં આવેલા ભીમાભાઇએ જણાવ્‍યું હતું કે મારા પત્‍નિ અને સંતાનો મને છોડીને અલગ રહે છે. હું મારા વૃધ્‍ધ માતા સાથે રહુ છું અને છુટઠક મજુરી કરી ગુજરાન ચલાવુ છું. રાતે મારો જુનો મિત્રો સોમા મારવાડી આવ્‍યો હતો અને મારી સાથે ઝઘડો કરીને કહ્યું હતું કે-હું તને જમાડુ છુ, રાખુ છું તો'ય તે શું કામ મારી સાથે અગાઉ મારકુટ કરી હતી. આથી મેં તેને રાત પડી ગઇ હોઇ માથાકુટ નહિ કરવા અને સવાર વાત કરશું તેમ કહેતાં તેણે અચાનક તેની પાસેનું પેટ્રોલ મારા પર ઉડાડી કાંડી ચાંપી દીધી હતી અને તે દોટ મુકી ભાગી ગયો હતો.

મારા માતા વયોવૃધ્‍ધ હોઇ અને ભારે શરીર હોઇ તે ઝૂપડામાં સુતા હોઇ બહાર આવી શક્‍યા નહોતાં. મેં દેકારો મચાવતાં સામે આવેલા કારખાનામાં કામ કરતાં લોકો દોડી આવ્‍યા હતાં અને આગ ઓલવી હતી. કોઇએ ૧૦૮ બોલાવતાં મને સારવાર માટે ખસેડયો હતો. એક વર્ષ પહેલા મારે મિત્ર સોમા સાથે ચા પીવા મામલે માથાકુટ થઇ હતી. તેનો ખાર રાખી તેણે આવુ કર્યુ હતું. ભીમાભાઇના આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે

(11:44 AM IST)