<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

રાજકોટમાં સગીરા સાથેના દુષ્કર્મ કેસમાં ફરાર ભોમેશ્વરની મહિલા આરોપીને છત્તીસગઢથી ઝડપી લેતી ગાંધીગ્રામ પોલીસ

ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી રાધિકા ભારાઈની સૂચના અને ઇન્સ્પેક્ટર એચ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી. ઝાલા અને ટીમની કામગીરી

રાજકોટ: શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સગીરા સાથે અવાર-નવાર દુષ્કર્મ આચરીને નાસતા ફરતા મુખ્ય આરોપીને મદદગારી કરનાર મહિલા આરોપીને પોલીસ ટીમે છત્તીસગઢના બિલાસપુરથી પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, સંયુક્ત પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશનર (ઝોન-૨) રાકેશ દેસાઈ તેમજ પશ્ચિમ વિભાગના મદદનીશ પોલીસ કમિશનર રાધિકા ભારાઈના માર્ગદર્શન અને સૂચનાઓ અન્વયે મહિલાઓ અને સગીરાઓ વિરુદ્ધના ગુનાઓમાં આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની સત્વરે કાર્યવાહી કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

​ગત જુલાઈ-૨૦૨૬ માસ દરમિયાન ભોમેશ્વર સોસાયટી વિસ્તારમાં આરોપી દ્વારા સગીરા સાથે અવાર-નવાર દુષ્કર્મ આચરાયું હોવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭(૨), ૮૭, ૬૪(૨)(એમ), ૬૫(૧), ૭૫(૨), ૩૫૧(૩), ૫૪ તેમજ પોક્સો એક્ટની કલમ-૪, ૬, ૧૨ અને ૧૭ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં અગાઉ મુખ્ય આરોપી મહેશસિંહ નેપાળીને મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે તેને ગુનામાં મદદગારી કરનાર મહિલા આરોપી બિલાસપુર (છત્તીસગઢ) ખાતે નાસી છૂટી હતી.

​મહિલા આરોપીની ધરપકડ માટે પશ્ચિમ વિભાગના મદદનીશ પોલીસ કમિશનર રાધિકા ભારાઈ તથા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી. ઝાલાની ટીમ બનાવવામાં આવી હતી. ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સના માધ્યમથી આરોપીની ચોક્કસ હાજરી અંગેની બાતમી મેળવ્યા બાદ પોલીસ ટીમે બિલાસપુર (છત્તીસગઢ) ખાતે દરોડો પાડીને મહિલા આરોપીને ઝડપી લીધી હતી અને તેને રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષિત રીતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​આ કેસમાં પકડાયેલ મહિલા આરોપી મંજુબે રવિભાઈ સોની, ઉં.વ. ૩૩, ધંધો: ઘરકામ, હાલ રહે. આર.કે. નગર રોડ, રાજકીશોર નગર, અટલ આવાસ યોજનાના ક્વાર્ટર, ઈન્દ્રા ડેન્ટલ ક્લીનીકની બાજુમાં, બિલાસપુર, રાજ્ય છત્તીસગઢ, મૂળ રહે. ટીકાપુર નગરપાલિકા વોર્ડ નં. ૯, સિંચક કોલોની, તા. જી. કૈલાલી, નેપાળ) હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

​આ સમગ્ર કામગીરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી. ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ હંસરાજભાઈ ઝાપડિયા, મયુરસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ સત્યપાલસિંહ રાણા, શિલ્પાબેન વીંઝવાડીયા, પુષ્પાબેન ગોહિલ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ બુજ દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવી છે.

(8:45 PM IST)