તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
આઉટસોર્સિંગ કર્મચારી લાંચ લેતા પકડાય તો પણ તેમની સામે પ્રોસીકયુશન થશેઃ કલેકટર ઉપર તાકિદનો પરિપત્ર
સરકારનો આકરો નિર્ણયઃ આઉટસોર્સ ને પણ ‘જાહેર સેવક' ગણવા અપાયેલી સૂચના..

રાજકોટ, તા.૧૬: રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા આઉટર્સોસિંગ, કરાર આધારિત કે અંશકાલીન કર્મચારીઓ જો લાંચ લેતા કે ભ્રષ્ટાચાર આચરતા પકડાશે, તો હવેથી તેમની સામે પણ સરકારી અધિકારીઓની જેમ જ ‘જાહેર સેવક' ગણીને કડક કાનૂની અને પ્રોસીકયુશનની કાર્યવાહી કરવામાં આવશે. પ્રોસીકયુશનની મંજૂરી મેળવવામાં ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે મહેસૂલ અને ગળહ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
તાજેતરમાં પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલી મામલતદાર કચેરીમાં આઉટ-ર્સોસિંગથી ફરજ બજાવતો એક કમ્પ્યુટર ઓપરેટર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ ઘટના બાદ તે કર્મચારી આઉટસોર્સનો હોવાથી તેને ‘જાહેર સેવક' ગણવો કે નહીં અને તેની સામે પ્રોસીકયુશન (કાનૂની ખટલો) ચલાવવાની મંજૂરી આપવી કે નહીં, તે અંગે મોટો પ્રશ્ન ઊભો થયો હતો.સરકારના આ આકરા નિર્ણયથી હવે ભ્રષ્ટાચારમાં પકડાતા આઉટર્સોસિંગ કર્મીઓ કાનૂની છટકબારીનો લાભ લઈ શકશે નહીં અને કલેક્ટરો દ્વારા પ્રોસીકયુશનની મંજૂરી આપવાની પ્રક્રિયા અત્યંત ઝડપી અને સરળ બનશે.
(3:33 PM IST)










