News of Thursday, 24th September 2026
બાબરીયા કોલોનીમાં યુપીના કાકા-ભત્રીજા પર બિહારી શખ્સનો વાઘનખના પંજાથી હુમલો
ઉપરના માળે રહેતાં મહિલાએ દાદરાની સફાઇ કરતાં પાણી નીચે જતાં ડખ્ખો રાહુલે ગાળો ભાંડી ઉમેશ અને તેના કાકા તિલકરામને લોહીલુહાણ કર્યાઃ તેના, પત્નિ, બહેન, બનેવીએ ઢીકાપાટુ માર્યાઃ ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૪: બાબરીયા કોલોનીમાં ભાડેથી રહેતાં અને કારખાનામાં કામ કરતાં યુપીના યુવાનના માતાએ પાણીથી દાદરા ધોતાં પાણી નીચે જતાં નીચેના માળે રહેતાં બિહારના શખ્સે ઝઘડો કરી ગાળો દેતાં યુપીનો યુવાન તેને સમજાવવા જતાં તેના પર વાઘનખ વાળા પંજાથી હુમલો કરી માથામાં ઇજા પહોંચાડી હતી. વચ્ચે પડેલા આ યુવાનના કાકાને પણ માથામાં વાઘનખથી બે ઘા મારી દેતાં તે પણ લોહીલુહાણ થઇ ગયા હતાં.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે બાબરીયા કોલોની મેઇન રોડ પર એસકે રેડીયો નામની દૂકાન પાસે કીશનભાઇ કાકડીયાના મકાનમાં ભાડેથી રહેતાં મુળ ઉત્તરપ્રદેશ પ્રયાગરાજના ઉમેશ જગરામપ્રસાદ વર્મા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી મુળ બિહારના અને આ મકાનમાં નીચેના માળે રહેતાં રાહુલ, તેની પત્નિ નીશા, બહેન પુષ્પા અને પુષ્પાના પતિ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ઉમેશ વર્મા પરિવાર સાથે રહે છે અને સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં કારખાનામાં કામ કરે છે. તેણે જણાવ્યું હતું કે સાંજે હું ઉપરના માળે મારા ઘરે હતો ત્યારે મારા માતા જગરાણીદેવીએ દાદરા પાણીથી ધોયા હોઇ તેનું પાણી નીચે સુધી જતાં નીચેના રૂમમાં રહેતાં રાહુલ બિહારી અને તેના પત્નિ, બહેન, બનેવીએ મારા માતાને જેમફાવે તેમ બોલી ગાળો દીધી હતી. આથી હું નીચે ગયો હતો અને રાહુલને ગાળો આપવાની ના પાડી સમજાવ્યો હતો.
પરંતુ રાહુલ વધુ ઉશ્કેરાઇ ગયો હતો. અને તેના હાથમાં પંજામાં લગાવેલા વાઘનખ હોઇ તેનાથી માથામાં મને ઘા મારતાં લોહી નીકળવા માંડયા હતાં. મારા માતા-પિતા વચ્ચે પડતાં મને બચાવ્યો હતો. મારા કકા તીલકરામ ભગવતીપ્રસાદ વર્મા (ઉ.વ.૩૦) વચ્ચે પડતાં તેને પણ રાહુલે વાઘનખથી માથામાં બે ઘા મારી દીધા હતાં. આથી તેને પણ લોહી નીકળવા માંડયા હતાં. તે બેભાન થઇ નીચે પડીગયા હતાં. બાદમાં રાહુલની પત્નિ, બહેન, બનેવીએ ભેગા થઇ ગાળો દીધી હતી અને બધાએ મળી ઢીકાપાટુ પણ માર્યા હતાં. મને અને મારા કાકાને સારવાર માટે ખસેડતાં મને પ્રાથમિક સારવાર અપાઇ હતી અને મારા કાકાને દાખલ કરાયા હતાં. તેમ વધુમાં ઉમેશે જણાવતાં પીએસઆઇ વી. એલ. રાઠોડે ગુનો નોંધ્યો હતો.
(3:57 PM IST)










